તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:કોર્ટે પૂછ્યું, તમે મોદી સમાજને ચોર કહ્યું છે?, રાહુલ ગાંધીનો જવાબ, હું એવું બોલ્યો નથી, હવે 12 જુલાઈએ સુનાવણી થશે

સુરત3 મહિનો પહેલા
રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી સીધા જ કોર્ટ પહોંચ્યા હતા.
  • દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છેના નિવેદન બાદ કેસ થયો હતો

સુરત કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. આજની સુનાવણીમાં મોટા ભાગના પ્રશ્નોમાં રાહુલ ગાંધી મને ખબર નથી..મને ખબર નથી...મને ખબર નથી....એવા એક જ જવાબ આપતા રહ્યાં હતાં.

મને સભામાં શું બોલ્યો ખબર નથી-રાહુલ
રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન બેંગ્લોર નજીક એક જાહેર સભામાં તમામ મોદી અટક વાળા ચોર કેમ હોય છે?. જે આ કેસમાં આજે રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટમાં હાજર થયા હતાં. ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને અલગ અલગ સવાલો કરવામાં આવ્યાં હતાં. જેમાં પૂછેલા તમામ પ્રશ્નો પૈકીના મહદ અંશે એક જ જવાબ આપ્યો હતો મને ખબર નથી.. મને ખબર નથી. હું રાષ્ટ્રીય રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધન કરું છું માટે તમામ જાહેર સભામાં હું શું બોલ્યો છું એવું મને સંપૂર્ણ યાદ નથી.

ફરિયાદીએ પૂરાવા આપ્યા
ફરિયાદી પક્ષે એક પેન ડ્રાઈવ અને બે સીડી રજૂ કરી હતી. ફરિયાદી પક્ષ દ્વારા તેનો વાંધો ઉઠાવવામાં આવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે, આ ઇલેક્ટ્રીક ગેજેટ હોવાથી તેનો ઉદભવ સ્થાન અને ઓથેન્ટીસીટી પૂરવાર થતી નથી. આ મુદ્દે બચાવપક્ષ દ્વારા પુરાવા અંગે બે સાહેદોને રજૂ કરવાના હતાં. પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધા હતા. જેને પગલે, ફરિયાદી પક્ષ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટમાં જો સ્ટે ન આવે તો આગામી 12 જુલાઈના દિવસે સુનાવણી હાથ ધરાશે.

એરપોર્ટ લોન્જમાં બેઠક યોજી
રાહુલ ગાંધી એરપોર્ટ ખાતે કોંગ્રેસ સંગઠ ના અગ્રણી નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ નેતાઓ હાજર રહ્યાં હતાં. રાજ્યની સ્થિતિ અંગે તેમણે તાગ મેળવ્યો હતો. પ્રજાલક્ષી પ્રશ્નો અંગે પણ તેમણે ચર્ચાઓ કરી હતી. ગુજરાતના સંગઠન અંગે તેમણે જણાવ્યું કે, ટૂંક સમયની અંદર ગુજરાતના જનરલ સેક્રેટરીની નિમણૂંક કરવામાં આવશે. જનરલ સેક્રેટરી નિમણૂંક થયા બાદ પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાનો માર્ગ મોકળો થશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, શક્ય તેટલા ઝડપથી આપણે જનરલ સેક્રેટરીની નિમણૂક કરીશું.

રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહ્યા બાદ એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે એક બેઠક યોજી હતી.
રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહ્યા બાદ એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે એક બેઠક યોજી હતી.

સંગઠન મજબૂત કરવા સૂચન કરાયા
રાહુલ ગાંધીએ નેતાઓ સાથે વાત કરતાં કહ્યું કે, અત્યારે જે પણ પ્રજાલક્ષી પ્રશ્નો છે, તે પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જવાનો સૌથી મહત્વપુર્ણ સમય છે. કોરોના સંક્રમણ કાળમાં જે પ્રકારે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યની સ્થિતિ થઈ છે. તેમાં અનેક લોકોને મૂંઝવતા પ્રશ્નો છે.તેને વાચા આપવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવું જરૂરી છે. બેઠકમાં હાજર તમામ નેતાઓને લોકોની વચ્ચે જઈને કામ કરવા માટે સૂચન કર્યું છે. કોરોના કાળ દરમિયાન લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે તેમજ ગુજરાતનો ઉદ્યોગિક વર્ગ પણ નારાજ છે. લોકો આર્થિક ભીંસમાં સપડાયા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની સાથે જે પણ રીતે મદદરૂપ થઇ શકાય તે રીતે મદદરૂપ થવાની કામગીરીમાં લાગી જવા હાંકલ કરે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે સંગઠનને વધુ મજબૂત કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે.

ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર સ્વાગત
સુરત પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.

કોર્ટમાં એન્ટર થતાં અગાઉ રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું.
કોર્ટમાં એન્ટર થતાં અગાઉ રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું.

તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી
કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.

અંતિમ શ્વાસ સુધી લડીશું-પૂર્ણેશ મોદી
કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

કોર્ટમાં નિવેદન આપ્યા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થઈ ગયા હતાં.
કોર્ટમાં નિવેદન આપ્યા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થઈ ગયા હતાં.

ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યાઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે એમના સમર્થન અને સ્વાગતમાં જોડાશે.

રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા બાદ દિલ્હી રવાના થઈ ગયા હતાં.
રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા બાદ દિલ્હી રવાના થઈ ગયા હતાં.

માનહાનિ કેસમાં બીજી વખત રાહુલ સુરતમાં
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.

કોર્ટ રૂમમાં રાહુલ પહેલી હરોળમાં બેઠા હતા. ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઉપરાંત બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલા સહિત ગણ્યાગાંઠ્યા લોકો હાજર હતા. પ્રોસિઝર શરૂ થતાં રાહુલના એફ.એસ. ફર્ધર સ્ટેટમેન્ટની શરૂઆત થઈ હતી.
કોર્ટ : સભાનું આયોજન કરાયું હતું?
રાહુલ : હા, કરાયું હતું.
કોર્ટ: બધા ચોરના નામ મોદી કેમ, એમ કહી આર્થિક કાંડમાં સંડોવાયેાલાં નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી સાથે પી.એમ.ને સરખાવ્યા હતા?
રાહુલ : એ વાત ખોટી, હું જાહેરસભામાં ગરીબી, ભ્રષ્ટાચાર પર બોલું છું, પ્રધાનમંત્રીના ભ્રષ્ટાચાર પર બોલેલો, મને મારા ભાષણના શબ્દો યાદ નથી.
કોર્ટ : ગુજરાતનો મોદી સમાજ મોઢવણિક તરીકે ઓળખાઈ છે.
રાહુલ : મોદી સમાજનું કોઈ વર્ગીકરણ નથી. એ સિવાયની બાબત ખબર નથી. મોદી નામે કોઈ જ્ઞાતિ નથી.
કોર્ટ : મોદી ચોર છે, તેવો ઉલ્લેખ કરતું પ્રવચન તેઓએ લાઇવ જોયુ છે. શું કહેવુ છે
રાહુલ : ખોટી વાત.
કોર્ટ : મોદી દેશને લુંટે છે ચોકીદાર નથી
રાહુલ : ઉપર જવાબ આપ્યો
કોર્ટ : રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર, અનિલ અંબાણીના ગજવામાં રૂપિયા ગયા એવું કહ્યું હતું?
રાહુલ : ઉપર જવાબ આપ્યો.

કેસ શું હતો
લોકસભા ચૂંટણી દરમિયાન તા. 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે, નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી...આ તમામના ઉપનામ મોદી કેમ છે? તમામ ચોરોના ઉપનામમાં મોદી કેમ? એવું કહ્યું હતું. જે મામલે સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. જેની કોર્ટ પ્રોસિઝર હાથ ધરાઈ હતી.

4 અરજી નામંજૂર
રાહુલનો વિશેષ જવાબ થાય તે પ્રક્રિયાને અટકાવવા ફરિયાદ પક્ષ તરફથી જુદી-જુદી 4 અરજી થઈ હતી. ફરિયાદપક્ષનું કહેવું હતું કે, આ મેટરમાં સાક્ષી તપાસવાની અરજી ટ્રાયલ કોર્ટે નામંજુર કરતા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે તેના નિર્ણય માટે મુદ્દત આપવી જોઇએ.પરંતુ કોર્ટનું મંતવ્ય હતું કે, હાઇકોર્ટ કોઇ વિરુદ્ધ હુકમ કરે તો તે પ્રમાણે આરોપીનો વિશેષ જવાબ લીધા પછી પણ સાક્ષી તપાસી શકાય.