તંત્રની બેદરકારી:વેસુમાં બાળ‌કનું કંરટ લાગતાં મોત, 5 દિવસે પણ પોલીસે કોન્ટ્રાક્ટર સામે ગુનો ન નોંધ્યો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક જય ઝાલ્ટે અને તેની માતા - Divya Bhaskar
મૃતક જય ઝાલ્ટે અને તેની માતા
  • ખોદકામ વેળા ડેમેજ થયેલા વીજ કેબલને કોન્ટ્રાક્ટરના માણસો ખુલ્લા જ છોડી ગયા હતા
  • કોન્ટ્રાક્ટરે​​​​​​​ વીજ કંપની-પાલિકાને જાણ પણ કરી ન હતી, ખોદાકામના સ્થળે હવે બેરિકેટ મૂકાયા

પાલિકાના કોન્ટ્રાકટરના પાપે વેસુમાં 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. 5 દિવસ થયા છતાં પણ પોલીસે પોલિકા સામે ગુનો નોંધ્યો નહીં. ઘટના બની તેજ દિવસે સવારે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સફાઇ અભિમાન રખાયું હતું. કોર્પોરેટરોની સાથે પાલિકાના અધિકારીઓ પણ હતા. વેસુ વીઆઈપી રોડ પર એસએમસી આવાસમાં ભગવાન બુદ્ધનગરમાં 1મેની સાંજે બાળકો રમતા હતા.

પાલિકાએ પાણીની કામગીરીને લઈ ખોદકામ કર્યું હતું. તે વેળા ખાડામાં 10 વર્ષના બાળકને કરંટ લાગતા મોત થયું હતું. બાળકનું નામ જય શશીકાંત ઝાલ્ટે(10) છે. મૃતકના કાકાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આવાસમાં પાણીનું પ્રેશર ઓછું આવતું હતું. પાલિકાના હાઇડ્રોલીક વિભાગ દ્વારા ખોદકામ કરાતુંં હતું.

મજૂરો દ્વારા ખોદકામ કરતી વેળા શનિવારે જેસીબી મશીનથી સ્ટ્રીટ લાઇટનો અંદર ગ્રાઉન્ડ કેબલ ડેમેજ થયો હતો. ડેમેજ થયેલા કેબલને અંદર રાખી કોન્ટ્રાકટરના માણસો જતા રહ્યા હતા. દરમિયાન સાંજે 7.45 વાગ્યે 5 થી 6 બાળકો ખાડાની પાસે રમતા હતા. તે વેળા બાળકને કરંટ લાગતા મોત થયું હતું.

સ્થાનિકોએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે ખોદકામની જગ્યા પર બેરીકેટ પણ મૂક્યા ન હતા. બાળકનું મોત થયા પછી પાલિકાએ 2 દિવસ પછી બેરીકેટ મુકવાની તસ્દી લીધી હતી. કદાચ પહેલા બેરીકેટ મુકયા હોત તો માંએ લાડકવાયો ગુમાવ્યો ન હોત!

ઘટના મુદ્દે અમે કોન્ટ્રાકટરને નોટિસ આપી છે
પાણીનું ઇન્ટરનલ લાઇન સાથે જોડવાનું કામ ચાલતું હતું. સ્ટ્રીટ લાઇટનો કેબલ જેસીબીથી ખોદકામ કરતી વેળા ડેમેજ થયો હતો. દિવસના સમયે લાઇટ બંધ હતી એટલે ખબર ન પડી, કોન્ટ્રાકટરના માણસોએ અમને આ બાબતે જાણ કરી ન હતી. આ બાબતે અમે કોન્ટ્રાકટરને નોટીસ આપી છે. - ક્રિષ્નાકાંત ચૌધરી, જુનીયર એન્જીનીયર, હાઇડ્રોલીક વિભાગ

વાયરો ખુલ્લા રાખ્યા હતા
ખાડામાં વાયરો ખુલ્લા હતા ને તે દિવસે ભેજવાળું વાતાવરણ હોવાથી કરંટ આજુબાજુ પ્રસરી ગયુ હતું. પાલિકાના કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી છે. - મોતીલાલ સાંળુકે, આવાસના પ્રમુખ

તપાસ ચાલી રહી છે
આ બાબતે તપાસ ચાલુ છે. બેદરકારી જણાશે અને આ બાબતે ફરિયાદ આપવામાં આવશે તો અમે ચોક્કસ ગુનો દાખલ કરીશું. - એ.એચ.રાજપૂત, પીઆઈ ઉમરા.પો,સ્ટે

અન્ય સમાચારો પણ છે...