ગોડાદરાના યુવાને ઓનલાઈન લોન કંપનીના ધમકી ભર્યા કોલ અને મસેજથી ત્રસ્ત થઈ ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું. યુવાને આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પોતે લોન કંપનીના ત્રાસથી કંટાળીને પરિવારને બચાવવા માટે પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. બનાવ અંગે સલાબતપુરા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.ગોડાદરા સિલીકોન ફ્લેટ ખાતે રહેતા 28 વર્ષીય યોગેશભાઈ મહેશભાઈ અગ્રવાલ આંજણા ખાતે પોતાના બનેવીના લેસના ખાતામાં નોકરી કરતા હતા અને ખાતાનો વહીવટ સંભાળતા હતા. શુક્રવારે બપોરે તેમણે ખાતામાં ઝેર પી લીધું હતું.
યોગેશભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ શુક્રવારે સાંજે તેમનું મોત નિપજ્યું હતું. યોગેશભાઈ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લોન કંપની દ્વારા તેમણે લીધેલી રૂ.7 હજારની લોન સામે 7 દિવસમાં વ્યાજ પેટે 3500 વસુલવા છતા ધમકી ભર્યા કોલ અને મેસેજ કરવાની સાથે પરિવારના સભ્યોને પણ કોલ કરી ગંદુ બોલતા હોવાથી પરિવારને બચાવવા માટે આપઘાતનું પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
‘પરિવારને પણ ખરાબ શબ્દો બોલતાં હતા’
‘મને લોન કંપની ધમકીભર્યા મેસેજ કરી રહી છે. એટલુ જ નહી મારા પરિવારના સભ્યોને કોલ કરી ખરાબ શબ્દો બોલતા હતા. જેથી મારા પરિવારને બચાવવા સુસાઈડ કરૂ છુ. કૃપા કરીને મારા પરિવારને કઈ કરતા નહી એમનું ધ્યાન રાખજો. મારી પાસે ચુકવવા રૂપિયા નથી. 7 દિવસનું વ્યાજ 7000 પર 3500 લઈને પણ લોન કંપની પરેશાન કરે છે. તમે તેમની સામે પગલા લો નહીતર તેઓ બધાને મારી જેમ આપઘાત કરવા મજબુર કરી દેશે. લોન કંપનીને વહેલી તકે બંધ કરજો.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.