નવા ટર્મિનલ બિલ્ડિંગ સહિતની કામગીરી માટે અલ્ટિમેટમ:પીએમઓનો ફતવો, એરપોર્ટના બધા કામ જુલાઈ સુધીમાં પૂર્ણ કરો

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ટર્મિનલ બિલ્ડિંગ સહિતની કામગીરી માટે અલ્ટિમેટમ

વડાપ્રધાન કાર્યાલયમાંથી સુરત એરપોર્ટ ઓથોરિટીને પત્ર જારી કરાયો છે કે, હાલમાં ચાલી રહેલી તમામ કામગીરી જુલાઈ સુધીમાં પૂર્ણ કરી દો. હાલમાં બંને ટર્મિનલ બિલ્ડીંગમાં સિવિલ વર્કથી માંડીને ફ્લોરીંગ, મોટી લાઇટીંગ સહિતના કામ 80 ટકા પૂરા થઈ ગયા છે. માત્ર ફિનિશીંગ બાકી છે.

જેમાં લાઇટીંગ યોગ્ય રીતે થાય છે કે નહીં, બિલ્ડીંગની બહાર કાચનું કામ, પ્લમ્બરીંગનું કામ, ડેકોરેશન તેમજ નવી દુકાનો તૈયાર કરીને ફર્નિશિંગનું કામ બાકી છે. આ ઉપરાંત ચેક-ઇન કાઉન્ટરો તૈયાર કરવા તેમજ બાકીનું હજુ એક એરોબ્રિજ તૈયાર કરવાનું કામ બાકી છે. જે માટે હવે માત્ર 4 મહિનાનો સમય છે. આ ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગની બહાર ગાર્ડન પણ બાકી છે, જેમાં હાલમાં માટી પુરાણ સહિતનું કામ ચાલી રહ્યું છે.

વિસ્તરણ પછી ટર્મિનલ બિલ્ડિંગ 25520 ચોમી થઈ જશે
એરપોર્ટનું જૂનું ટર્મિનલ બિલ્ડીંગ 8474 ચોરસ મીટર છે અને બંને તરફ બે વિભાગમાં નવા બિલ્ડીંગ 17046 ચોરસ મીટરમાં તૈયાર થઇ રહ્યા છે. બંને ટર્મિનલ તૈયાર થઇ ગયા બાદ આ બિલ્ડીંગ 25520 ચોરસ મીટરનું થઇ જશે. જેમાં દરરોજ 2 હજારથી વધુ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા થઇ જશે અને વર્ષમાં અહીંથી 26 લાખથી પણ વધુ યાત્રીઓ અવરજવર કરી શકશે.

બાકી રહેલું સિવિલ વર્ક ઝડપભેર પૂરું કરી દેવાશે
ઇન્ચાર્જ એરપોર્ટ ડિરેક્ટર એસ.સી. ભાલસેએ કહ્યું કે, બે દિવસ પહેલા જ પીએમઓ ઓફિસથી લેટર આવ્યો હતો. જેમાં જે કામ બાકી છે તેને લઇને પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. હવે જે સિવિલનું બાકી કામ છે તેને ઝડપભેર પુરુ કરવામાં આવશે. મોટાભાગનું કામ પુરુ થઇ ગયું છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...