લોકાર્પણ:PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન બનાવતા પ્લાન્ટ ખુલ્લા મૂક્યાં

સુરત11 દિવસ પહેલા
ઉદઘાટન સમારંભમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
  • પી.એમ.કેર્સ ફંડમાંથી 2.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 પ્લાન્ટનું લોકાર્પણ

સુરતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પી.એમ.કેર્સ ફંડમાંથી 2.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને હવામાંથી ઓક્સિજન એકત્ર કરતા 3 ઓક્સિજન પ્લાન્ટનું વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા કાર્યક્રમાં સીઆર પાટીલ અને મંત્રી વિનુ મોરડીયા હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછત ન પડે તે માટે સરકાર દ્વારા આ સરાહનિય કામગીરી કરવામાં આવી છે.

નવા પ્લાન્ટથી ઓક્સિજનની અછત દૂર થશે તેવો દાવો કરાયો હતો.
નવા પ્લાન્ટથી ઓક્સિજનની અછત દૂર થશે તેવો દાવો કરાયો હતો.

પ્લાન્ટની 4.68 મેટ્રિક ટનની ક્ષમતા
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે આગોતરૂ આયોજન કરીને સરકારી હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજયની 18 જેટલી હોસ્પિટલો ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટોનું સામુહિક લોકાર્પણ કર્યું હતું. જે અંતર્ગત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1.60 કરોડના ખર્ચે પી.એમ.કેર્સ ફંડમાંથી નિર્મિત થયેલા 4.68 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ તથા સ્મીમેર હોસ્પિટલ ખાતે રૂ.80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. આ ત્રણયે પ્લાન્ટ દ્વારા હવામાંથી ઓક્સિજન એકત્ર કરવામાં આવશે અને તેનો દર્દીઓ માટે ઉપયોગ કરી શકશે.

કોરોના અને રસીકરણમાં કામગીરી કરનારને બિરદાવવામાં આવ્યાં હતાં.
કોરોના અને રસીકરણમાં કામગીરી કરનારને બિરદાવવામાં આવ્યાં હતાં.

કોરોના વોરિયર્સના સન્માન કરાયાં
શહેરી વિકાસમંત્રી વિનુ મોરડીયાએ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે જિલ્લાકક્ષાના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હજાર રહ્યાં હતાં. આ પ્રસંગે કોરોના વોરિયર્સ અને વેકસીનેશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સીઆર પાટીલ પણ હાજર રહ્યાં હતાં. તેમણે કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવાની સાથે સાથે સરકાર દ્વારા કરવામાં આવતાં આગોતરા આયોજનની પ્રશંસા કરતાં માહિતી આપી હતી.