સુવિધા:સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝ્મા બેન્કની સ્થાપના કરાઈ હાડકાના ડોક્ટર દૂધાત બન્યા પહેલા પ્લાઝ્મા ડોનર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ટીબોડી સ્ક્રિનિંગ ટેસ્ટ બાદ જ પ્લાઝ્મા લેવાઈ છે - Divya Bhaskar
એન્ટીબોડી સ્ક્રિનિંગ ટેસ્ટ બાદ જ પ્લાઝ્મા લેવાઈ છે
  • કોરોનાથી સાજા થયેલા દર્દીનંુ પ્લાઝ્મા અન્ય કોવિડ-19ના દર્દીને સાજા થવામાં મદદ કરે છે

સ્મીમેર હોસ્પિટલમાં  પ્લાઝ્મા બ્લડબેંકની સ્થાપના કરાઈ છે. બ્લડબેંક ખાતે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝ્મા ડોનેશન સ્વીકારવાની શરૂઆત કરાઈ છે. શહેરના પ્રથમ પ્લાઝ્મા ડોનર ડો.કિશોર દૂધાત બન્યા છે કે જેઓ પોતે પણ હાડકાનાં રોગોનાં નિષ્ણાંત છે. અન્ય એક વ્યક્તિએ પણ પોતાનું પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું. કોરોનાથી સાજા થયેલા દર્દીનું પ્લાઝ્મા કોવિડ-19નાં અન્ય દર્દીને અપાઈ તો તેને સાજા થવામાં મદદ મળી રહે છે.

પ્લાઝ્મા લેતી વખતે ડોનરનો એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ કરાઇ છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝ્મા લેવાઇ છે.આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરાઇ છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગને પ્લાઝ્મા કહેવાય છે. 

15 દિવસ બાદ ફરી ડોનેટ કરી શકાય છે

પ્લાઝ્મા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝ્મા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. પ્લાઝ્મા ડોનેશન એકદમ સુરક્ષિત પ્રક્રિયા છે. 

જુદા બ્લડ ગ્રુપના લોકોને શોધી ડોનેટ કરવા પ્રોત્સાહિત કરાશે

સ્મીમેરથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો સંપર્ક કરી પ્લાઝ્મા ડોનેટ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝ્મા ડોનર પાસેથી પ્લાઝ્મા એકત્ર કરી નિયમોનુસાર પ્લાઝ્મા બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે. 

સામાજિક જવાબદારી અદા કરી 

 મેં કોરોનામાંથી સાજા થઈ અન્ય દર્દીઓને મદદરૂપ થવાને મારી સામાજિક જવાબદારી સમજી અને પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવ્યો. -ડો.કિશોર દૂધાત,  શહેરના પહેલા પ્લાઝ્મા ડોનર

અન્ય સમાચારો પણ છે...