સુરતના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોરોના સંક્રમણને પગલે હાલ સુરત સહિતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જો કે રાતના 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થઈ જતો હોવાછતાં પોલીસ કર્મચારીઓ દ્વારા કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજી કોરોનાની ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવી દીધા હતા. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી છે.
સોશિયલ ડિસ્ટન્સ વિના સ્વાદીષ્ટ વાનગીઓની મજા માણી
પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં રાત્રિ કર્ફ્યુના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે પોલીસ કર્મચારીઓ જાણે કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આમ જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ જ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી રહ્યા છે.
સામાન્ય માણસ બહાર નીકળે તો કડક કાર્યવાહી પણ પોલીસને માફી?
કર્ફ્યુનો સમય પૂર્ણ થઈ ગયા પછી સામાન્ય માણસ પોતાના કોઈ ઇમરજન્સી કામ માટે પણ બહાર નીકળે ત્યારે પોલીસ હજાર પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે. એવું લાગે કે માત્ર દંડ ઉઘરાવવા માટે જ તેમને ફરજ ઉપર ઊભા રાખવામાં આવે છે.
શું પીઆઈ સામે એક્શન લેવાશે?
સિંગણપુર પી.આઈ એ.પી.સલયિયા તેમજ વિદાય સમારંભમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લેશે.
પોલીસ અને નેતાઓને બધી છૂટ સામાન્ય માણસને નહીં
સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવનારા પાસે આ પ્રકારની વર્તનની સ્વભાવિક રીતે જ કોઈ અપેક્ષા રાખતું નથી. સુરત પોલીસ કમિશનર દ્વારા આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલા લેવા જોઈએ. જેથી કરીને સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે. પરંતુ અત્યાર સુધી સામાન્ય કિસ્સામાં એવું જોવા મળી રહ્યું છે કે પોલીસ કર્મીઓ અને રાજકીય નેતાઓ સામે કોરોના ગાઈડલાઈન ના ઉલ્લંઘન કર્યા બાદ પણ કોઇ પગલા લેવાયા નથી. કદાચ આ કિસ્સામાં પણ ભીનુ સંકેલી લેવાશે એવું લાગે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.