રોડનાં કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો અનેકવાર ઊઠતી રહેતી હોય છે, પરંતુ સુરતમાં તો એક નવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે, જેમાં નવા બનાવેલા રોડનો હિસ્સો જ 'ગાયબ' થઈ ગયો છે. વાત છે સુરતના મોટા વરાછામાં બનાવાયેલા 3.34 કિમીના CC (સિમેન્ટ-કોંક્રીટ) રોડની, જેની કામગીરીમાં ભારે ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. આનો રેલો છેક ગાંધીનગર પહોંચતાં શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો છે. આ CC રોડનું 21.28% કામ ખરાબ હોવાનું SVNITના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ રોડમાં કામગીરી કરનાર ગ્રીન ડિઝાઈન & એન્જિનિયરીંગ અને જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લિ.ને બ્લેક લિસ્ટ કરવાને બદલે બંનેને અત્યારસુધીમાં રુ. 35.27 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
35 કરોડ ચૂકવાયા, પણ કામગીરી સાવ થર્ડ ક્લાસ
CC રોડ બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી PMC (પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી) તરીકે ગ્રીન ડિઝાઈનને રોડના કામની દેખરેખ તેમજ રોડ સારી ગુણવત્તાનો બને એ માટે કામ આપ્યું હતું. રોડ ટેન્ડરની શરતો પ્રમાણે બને એ માટે 2 ડિસેમ્બરે રૂ. 51.24 લાખના વર્ક ઓર્ડર તેમજ 5 ઓગસ્ટે રૂ. 22.77 લાખથી બીજા વર્ક ઓર્ડરથી વધારાનું કામ આપ્યું હતું. PMC તરીકે ગ્રીન ડિઝાઈનને કુલ રૂ. 74.01 લાખ જેવી મસમોટી રકમ ચૂકવી હતી છતાં PMCએ તેના કામમાં વેઠ ઉતારીને આડકતરી રીતે કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને જ મદદ કરી હતી. અત્યારસુધીમાં કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને રૂ. 34.14 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
SVNIT દ્વારા નેગેટિવ રિપોર્ટ અપાયો
સુરત મ્યુનિ.એ નબળા રોડની તપાસ માટે સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાને (SVNIT) 18 નવેમ્બર, 2021ના રોજ CC રોડ માટે સલાહ અને અભિપ્રાયનો વર્ક ઓર્ડર આપ્યો હતો. SVNITના રિપોર્ટ મુજબ કુલ કામ 3.34 કિલોમીટરનું થાય છે, એને 4X4.75 ચો.મી.ની પેનલમાં વિભાજન કરતાં 3341 પેનલો થાય છે. SVNITના રિપોર્ટના સેક્શન નંબર 11ના પેજ નંબર 47થી 62 સુધીમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે કુલ 711 પેનલો અત્યંત ખરાબ હાલતમાં હતી.
608 ચો.મી. રોડ આખો તોડી ફરી બનાવવો પડે
SVNITના રિપોર્ટ મુજબ, જે 711 પેનલ ખરાબ હતી એમાંથી 32 પેનલ એટલે કે 608 ચો.મી.ના ભાગને તો સંપૂર્ણ રીતે તોડી નવેસરથી બનાવવો પડે. અન્ય પેનલો ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેમાં ઠેર-ઠેર તિરડો, ખાડા, રોડનું લેવલિંગ ઉપર-નીચે થયેલું જોવા મળ્યું. આવી 311 પેનલ, જે 13,509 ચો.મી. કામ છે એ પણ ખરાબ જણાયું છે. આમ જોતાં કુલ જે કામ થયેલું છે એમાંનું 21.28% કામ ખરાબ છે. SVNITના રિપોર્ટની સંક્ષિપ્ત માહિતી જોતાં હાલમાં અત્યારે CC રોડનું કમ્પ્લિશન સર્ટિફિકેટ મળ્યું નથી. એ પહેલાં કુલ કામનાં 21.28% કામ ખરાબ હાલતમાં જણાયું છે તો ભવિષ્યમાં આ CC રોડની સ્થિતિ શું હશે?
આખા રોડમાં 10% ઓછી જાડાઈનું પારાવાર જોખમ
CC રોડની કામગીરીમાં પેનલો તોડી નવી બનાવવાની જે કામગીરી ચાલુ છે ત્યાં 26મી ફેબ્રુઆરી, 2022ના રોજ તપાસ કરાઈ હતી. આમાં સમતાનગરથી પનવેલ પોઈન્ટ સુધીના બાજુના રોડ પરની પેનલના ઉપરના લેયરની જાડાઈ 270 મિમી જોવા મળી હતી, જ્યારે ટેન્ડરની શરત પ્રમાણે 300 મિમી જાડાઈ હોવી જોઈએ. આમ 30 મિમી જાડાઈ ઓછી મળી હતી. 19 માર્ચ 2021ના રોજ વિવિધ પેનલોમાંથી PX કોરના સેમ્પલ લીધેલું, એનો સેમ્પલ નંબર 10724 જેની જાડાઈ 296 મિમી, સેમ્પલ નંબર 100725 જેની જાડાઈ 284 મિમી, સેમ્પલ નંબર 10726, જેની જાડાઈ 289 મિમી છે, જે ટેન્ડરની શરત પ્રમાણે 300 મીમી જાડાઈ હોવી જોઈએ. આમ, આખા રોડમાં સરેરાશ 10 ટકા ઓછી જાડાઈ હોવાનું અનુમાન છે.
રોડના કામમાં 255 દિવસથી વધુ મોડું કરાયું
ગત 18 જૂન, 2020ના રોજ રોડનું કામ પૂર્ણ થયું છે પરંતુ આજ સુધી વર્ક કંપ્લિશન સર્ટિફિકેટ મળ્યું નથી. આ પ્રમાણે ગણતરી કરતાં કામમાં 255 દિવસથી વધુ મોડું થયેલું છે. આમ, ટેન્ડરની શરત પ્રમાણે ઘણી મોટી પેનલ્ટી થવી જોઈએ જ્યારે મિનિમમ ટેન્ડરની શરત મુજબ ટેન્ડર રકમના 10% મુજબની પેનલ્ટી વસૂલવી પડે. જેને કામ અપાયું છે એ ઈજારદાર દ્વારા પોતે કામકાજ નહીં કરતાં બીજા કોઈ કોન્ટ્રાકટરોને પોતાનું કમિશન લઈ પેટા-કોન્ટ્રાક્ટમાં કામ આપી દીધું છે. તો આ બાબતે પણ તપાસ કરવી જરૂરી છે.
લાઇસન્સ રદ કરી બ્લેકલિસ્ટ કરવા માગ
જવાબદાર કંપની વિરુદ્ધ તપાસ કરી કંપનીનું રજિસ્ટ્રેશન લાઈસન્સ રદ કરવાની માગણી કરાઈ છે. આ ઉપરાંત તેનું પેમેન્ટ અટકાવી, કમ્પ્લિશન સર્ટિફિકેટ ન આપવા અને ભવિષ્યમાં આ CC રોડની અન્ય પેનલો બદલવાની, રિપેરિંગ કરવાની થાય ત્યારે બધું કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવા માગ થઈ છે. આવામાં કોન્ટ્રાક્ટરની જમા સિક્યોરિટી ડિપોઝિટ કરતાં વધુ રકમનો ખર્ચ થઈ શકે છે. આ કારણથી બાકી પેમેન્ટ અટકાવીને શિક્ષાત્મક કાર્યવાહી અને દંડ કરી એ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા માગણી થઈ છે. જ્યારે કોન્ટ્રાકટર - જે.પી. સ્ટ્રક્ચર અને PMC ગ્રીન ડિઝાઈનનાં લાઇસન્સ રદ કરી બ્લેકલિસ્ટ કરવા તેમજ સુરત મ્યુનિ.ના ભ્રષ્ટ અધિકારીઓ સામે કોર્ટ કેસ કરવા અરજદારોની માગ છે.
ગાંધીનગરથી શહેરી વિકાસ વિભાગે ખુલાસો માગ્યો
શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ બી. એન. ભટ્ટે જણાવ્યું હતું કે અબ્રામા પોલીસચોકીથી વીઆઈપી સર્કલ સુધીના સીસી રોડ માટેની ફરિયાદ આવી હતી. તટસ્થ તપાસ થાય એ માટે SVNITને રિપોર્ટ તૈયાર કરવા જણાવાયું હતું. રિપોર્ટમાં CC રોડના કામમાં ખામી જણાય આવતાં પેનલો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર શહેરી વિકાસ વિભાગે આ કામ બાબતે ખુલાસો કરવાનું કહેતાં અમારો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચારને છતું કર્યું
અરજદાર રજનીકાંત પાંચાણી દ્વારા જણાવાયું છે કે સીસી રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ SVNIT જેવી તટસ્થ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે. એમાં કોન્ટ્રાક્ટર અને PMC ઉઘાડી પડ્યા છે. લોકોના કરના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ કામના વર્ક ઓર્ડર નિવૃત્ત અધિકારી એ. એ. મુલ્લા હતા. હાલ બી. એન. ભટ્ટ છે. અધિકારીઓની કામગીરી પર પ્રશ્ન ઊભો થાય છે. દુઃખની વાત એ છે કે જે.પી. કન્સ્ટ્રક્શને આટલી હદે ખરાબ કામ કર્યું હોવા છતાં તેને બીજા કરોડો રૂપિયાના સીસી રોડ બનાવવાના કામ સોંપવામાં આવ્યા છે, જે કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચારને છતું કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.