વરસાદની તો હજુ સત્તાવાર શરૂઆત પણ થઈ નથી ને વરસાદે મનપાની પોલ ખોલી છે. સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલ જૈન દેરાસર શોપિંગ સેન્ટર પાસે વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે. જેને લઇ મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેથી રોગચાળો ફેલાવવાનો લોકોમાં ભય સતાવી રહ્યો છે. પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોમાં મનપા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કમોસમી વરસાદે મનપાની ખોલી પોલ
સુરતમાં પડેલા કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી પાડી છે. કમોસમી વરસાદની લઈ લોકો પરેશાન થયા છે. ગાજવીજ સાથે શહેરમાં અમરોલી, કતારગામ સહિતના વિસ્તારોમાં બે વખત ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે કમોસમી વરસાદને લઈ અમરોલી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમરોલી ચાર રસ્તા ખાતે અમરોલી પોલીસ ચોકી નજીક જૈન દેરાસર શોપિંગ સેન્ટર પાસે પાણી કમોસમી વરસાદના પાણી ભરાયા હતા.
કમોસમી વરસાદે લોકો પરેશાન થયા
સુરતમાં એક અઠવાડિયા પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ફરી બે દિવસ પહેલા ગાજવીજ સાથે વરસાદ સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. ખાસ કરીને કતારગામ, અમરોલી મોટા વરાછા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જેને લઇ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. અમરોલી ખાતે જૈન દેરાસર શોપિંગ સેન્ટરની બહાર પાણીના ભરાવો થતા સ્થાનિક દુકાનદારો અને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને પરેશાન થઈ રહ્યા છે.
રોગચાળો ફેલાવવાનો ભય
પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. અમરોલીમાં વરસાદી પાણી ભરાયા બાદ તેનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. સાથે ગંદકી પણ વધી ગઈ છે. જેને લઇ સ્થાનિકોમાં મનપા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોમાં ભારે રોષ
સ્થાનિક દુકાનદાર પીન્કેશ ભાઈએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થયો નથી. કમોસમી વરસાદમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી થઈ રહી છે. પહેલો વરસાદ પડતા એક અઠવાડિયાથી પાણી અહીં ભરાયું છે. મનપાને અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ કોઈ જ નિરાકરણ આવતું નથી. મહાનગરપાલિકા દ્વારા અહીં ફૂટપાટ બનાવીને જગ્યા ઉપર કરી દેવાતા પાણીનો ભરાવો થયો છે. જેને લઇ મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. અવરજવર કરવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. ચોમાસાની તો હજુ શરૂઆત થઈ નથી. તે પહેલા આવી સ્થિતિ છે. જો ચોમાસુ આવશે તો ખૂબ જ પરેશાની થવાની શક્યતા છે. જેને લઇ અત્યારથી મનપાને આ સમસ્યા દૂર કરવા રજૂઆત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.