સુરત:ઉધના વિસ્તારની સોસાયટીઓમાં ત્રણ ગણા વીજબિલ આવ્યાના લોકોએ આક્ષેપ કરી ઓફિસે દોડી ગયા

સુરત3 વર્ષ પહેલા
વીજ બિલ વધુ આવતાં લોકો વીજ કચેરીએ દોડી આવી વિરોધ પ્રદર્શિત કરતાં જોવા મળ્યાં છે.
  • સામાન્ય કરતાં ત્રણ ગણા બીલ આવ્યાના આક્ષેપ
  • વીજ વિભાગે કહ્યું, બિલ ભેગા આવતા વધુ લાગે છે

ઉધના વિસ્તારની સોસાયટીઓમાં તોતિંગ વીજ બિલ આવ્યાં હોવાના આક્ષેપ લોકો કરી રહ્યાં છે.વીજ બિલ વધુ આવતાં લોકો વીજ કચેરીએ દોડી આવ્યાં છે અને વિરોધ નોંધાવી રહ્યાં છે. ઉધાની ગાયત્રી સોસાયટી વિભાગ 1-2, મીરા નગર 3 અને પોસ્ટલ સોસાયટીમાં 5 થી 10 હજાર સુધીના બિલ આવ્યાં છે. જેનો લોકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, હાલના સમયમાં 24 કલાક વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. લોકો દ્વારા વપરાશ પણ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા અમુક સમયથી બિલ નહોતા આવ્યા એ આવતાં લોકોને વધુ લાગી રહ્યાં છે.

રીડિંગ કર્યા વગર બિલ ફટકાર્યા-ગ્રાહક

ઉધનાની ગાયત્રી સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ દરબારે જણાવ્યું હતું કે, એવરેજ બિલ કરતાં પણ આ વખતે ત્રણેક ગણું વીજબિલ ફટકારી દેવામાં આવ્યું છે. મીટર રીડિંગ કર્યા વગર જ વીજ બિલ ફટાકરી દેવામાં આવ્યાં છે. જેથી મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલી વધી ગઈ છે.અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેમણે બિલ ભરવું પડશે તેમ જણાવ્યાના વધુમાં તેમણે આક્ષેપ કર્યાં હતાં.

વપરાશ પ્રમાણે બિલ આવ્યા છે-તંત્ર

DGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી લોકડાઉનની સ્થિતિ છે. ઉનાળાનો સમય છે અને લોકો ઘરમાં હોવાની સાથે 24 કલાક વિજ વપરાશ થતો હોવાથી બિલ વધુ આવ્યા હોય શકે છે. શિયાળાના સમય કરતાં ઉનાળાના મહિનાઓમાં સામાન્ય રીતે પણ બિલ વધુ આવતું હોય છે. તેમ છતાં કોઈ ગ્રાહકની ફરિયાદની તપાસ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...