શહેરમાં મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિ, સમસ્યાઓ અને એના નિરાકરણ અંગે ચર્ચા કરવા માટે સિટી ભાસ્કર દ્વારા એક ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા ડોક્ટર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો. નિર્મલ ચોરારીયા, ડો. જગદીશ સખીયા, ડો. નિલેશ મહાલે, ડો. મેહુલ પંચાલ, ડો. સંદીપ પટેલ, ડો. કિરણ જયસ્વાલ, ડો. કાર્તિક મિસ્ત્રી અને ડો. ચેતન મિસ્ત્રી સામેલ છે. તમામે દર્દીઓને દવાઓ અને સારવાર પ્રત્યે જાગરૂક રહેવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, લોકોએ દરેક બાબતે સ્પેશિયાલિસ્ટ પાસ જવાની જરૂર નથી તેમજ જાતે ડોક્ટર બનીને મનફાવે તેમ એન્ટિબાયોટીક પણ ન લેવી જોઈએ. એ સાથે જ ફેમિલી ફિઝિશિયન્સની સિસ્ટમ વધુ સ્ટ્રોંક બનાવવાની વાત પર ભાર મુક્યો હતો. લોકો એક જ પ્રિસ્ક્રિપ્શનથી 2-3 વર્ષ સુધી દવાઓ લેતા હોય છે જે તેમના આરોગ્ય માટે ખતરનાક છે.
આપણે પ્રાથમિક હેલ્થકેર સિસ્ટમને વધુ સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે
લોકોને એમના હેલ્થ પ્રત્યે વધુમાં વધુ જાગૃત કરવાની જરૂર છે. કઈ બીમારી માટે કયા નિષ્ણાંતની જરૂર છે એ પ્રત્યે લોકોને જાગૃત થવાની જરૂર છે. બધાને સ્પેશિયાલિસ્ટની જરૂર પડતી નથી. એક સારો એમબીબીએસ ડોક્ટર પણ સામાન્ય બીમારીને દૂર કરી શકે છે. જેથી આપણે સ્પેશિયાલિસ્ટની સંખ્યા ઘટાડીને એમબીબીએસની સંખ્યા વધારવાની જરૂર છે, જે ફેમિલી ફિઝિશિયન તરીકે કામ કરે અને પ્રાથમિક સારવાર આપે. આપણે પ્રાથમિક હેલ્થકેર સિસ્ટમને વધુ સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. - ડો. નિર્મલ ચોરારીયા
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બનવી જોઇએ
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મલ્ટીસ્પેશિયાલિટીની સુવિધા હોવી જોઇએ. સુવિધાઓ હશે તો ત્યાં પણ સારી સારવાર મળશે. ગામડામાં આવી સુવિધા ઉભી કરવાથી મેડિકલ સિસ્ટમમાં મોટો સુધારો આવશે. આપણે એવી સિસ્ટમની જોઇએ જ્યાં બેઝિક ટ્રીટમેન્ટ આપતો ડોક્ટર જરૂર હોય ત્યારે જ સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરે. હાલ તો લોકો જરૂર ન હોવા છતાં ડોક્ટર્સ બદલે છે અને પોતાની રીતે સ્પેશિયાલિસ્ટ પાસે જઈ આવે છે. આવી રીતે ડોક્ટર્સ બદલવાથી બીમારી વધવાની સાથે સાથે ખર્ચો પણ વધી જાય છે. - ડો. મેહુલ પંચાલ
પ્રિસ્ક્રિપ્શન વગર દવા નહીં લેવી
લોકો મનફાવે તેમ એન્ટિબાયોટિક દવાઓ લે છે. જે હાનિકારક છે. લાંબા સમય સુધી પ્રિસ્ક્રિપ્સન વગરની દવા લેવાથી કિડની સહિતની ઘણી સમસ્યાઓ આવે છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા લેવી ન જોઈએ. 1-2 દિવસમાં તકલીફ દૂર ન થાય તો ફેમિલી ફિઝિશિયનની સલાહ લેવી જોઇએ. -ડો. ચેતન મિસ્ત્રી
મેડિકલની પણ જવાબદારી જરૂરી
લોકો એક વખત ડોક્ટરની વિઝિટ કર્યા બાદ જો છે અને પછી પરિવારમાં પણ કોઈ બીમાર થાય તો એ જ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે મેડિકલથી દવા લાવીને આપી દે છે. દવાની જેમ જ દરેક પ્રિસ્ક્રિપ્શનની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. મેડિકલ સ્ટોરવાળાઓએ પણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપવી જોઇએ. - ડો. કાર્તિક મિસ્ત્રી
વિદેશોમાં લોકોને વેઇટ કરવાની જરૂર પડે છે
વિદેશમાં કોઈ પણ નિદાન અને સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. જ્યારે આપણે ત્યાં 1થી 2 દિવસમાં જ નિદાન-સારવાર થઈ જાય છે. લોકોએ મનફાવે તે રીતે દવા લેવી ન જોઇએ. - ડો. નિલેશ મહાલે
સ્કિનકેરમાં 80% નોનક્વોલિફાઇડ ડોક્ટર છે
લોકો યોગ્ય ડોક્ટર્સ સુધી પહોંચતા જ નથી. હાલ સ્કિનકેરમાં 80 ટકા લોકો એવા છે નોન ક્વોલિફાઇડ છે. લોકો સસ્તાના ચક્કરમાં સારી ટ્રીટમેન્ટ લેતા નથી અને વધુ ખર્ચી નાંખે છે. - ડો. જગદીશ સખીયા
અહીં મેડિકલ ટૂરિઝ્મ ઉભું થઈ શકે
જો સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટની કનેક્ટીવિટી વધુ સારી થાય તો મેડિકલ ટૂરિઝ્મ તરીકે એક નવી ઇન્ડસ્ટ્રી ઉભી થઈ શકે છે. હાલ પણ મોટી સંખ્યામાં લોકો વિદેશથી સુરત ટ્રીટમેન્ટ માટે આવી રહ્યા છે. અહીં મેડિકલનો ખર્ચ ત્યાંની સરખામણીમાં ખૂબ જ ઓછો છે અને સારી ટ્રીટમેન્ટ મળી રહે છે. - ડો. સંદીપ પટેલ
લોકોને જાગૃત કરવાની જરૂર છે
લોકોને તે અંગે જાગૃતિ કરવાની જરૂર છે.આપણે ત્યાં પણ સારી સારવાર ઉપલબ્ધ છે. ઘણી બધી બીમારીઓ છે જેની સારવાર વિદેશમાં મોંઘી હોય છે અને સમસયર સારવાર પણ નથી મળતી. આવા કેટલાક લોકો અહીં આવે છે અને મોટા ઓપરેશન વગર થોડા જ સમયમાં સાજા થઈને પરત ઘરે જાય છે. - ડો. કિરણ જયસ્વાલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.