સ્માર્ટ ભ્રષ્ટાચાર:સાઇકલ ટ્રેક કૌભાંડમાં બેદરકાર કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ફટકારાશે, તપાસ કર્યા બાદ જ પેમેન્ટ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કમિશનરના તપાસના આદેશ, દાખલો બેસે તેવી કાર્યવાહી કરાશે
  • ભવિષ્યમાં બનનારા ટ્રેકમાં ગુણવત્તા જાળવવા અધિકારીઓને સૂચના

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાઇકલ ટ્રેકનો રંગ 3 મહિનામાં ઉડી જવાના ગંભીર પ્રકરણમાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ પાલિકા કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. તેમણે ભવિષ્યમાં સાઇકલ ટ્રેકમાં આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે જવાબદાર એજન્સીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવા સૂચના આપી છે. શહેરમાં હવે પછી નવા બનવાના સાઇકલ ટ્રેકમાં ગુણવત્તા જળવાઇ તે માટે પણ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હોવાની માહિતી સાંપડી છે.

શહેરમાં 75 કિલોમીટરથી વધુનો સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે, સાઇકલ ટ્રેકના ઇજારદારોએ ટ્રેક બનાવવામાં ગુણવત્તા જાળવાને બદલે વેઠ ઉતારી કૌભાંડ આચર્યું છે. પરિણામે 3 મહિનામાં જ રસ્તા ઉપરથી સાઇકલ ટ્રેક અદ્રશ્ય થવાના શરૂ થઇ ગયા છે. સુરત-નવસારી રોડ, ઉગતથી પાલનપોર કેનાલ રોડ સહિતના રોડ પર બનેલા સાઇકલ ટ્રેકનો કલર 3 મહિનામાં જ નિકળી જવાના અહેવાલ બાદ કૌભાંડી કોન્ટ્રાક્ટરો દોડતા થઇ ગયા છે. શહેરમાં સાઇકલ ટ્રેકના કામ જે તે ઝોનમાંથી કરવામાં આવ્યા છે.

તમામ ઝોનના અધિકારીઓને સાઇકલ ટ્રેક ક્યારે? કેટલાના ખર્ચે? લાયાબિલિટી પિરીયડમાં છે કે કેમ? વિગેરેની માહિતી માંગવામાં આવી છે. એટલું જ નહીં કયા વિસ્તારમાં સાઇકલ ટ્રેકમાં કેટલું નુકસાન થયું છે તેની સ્થળ તપાસ કરી ડિટેઇલ રિપોર્ટ મંગાવ્યો છે. જેથી કેટલા સાઇકલ ટ્રેકમાં વેઠ ઉતારાઇ છે તેની વિગતો બહાર આવશે.

ઇજારદારના ખર્ચે જ ટ્રેકની મરામત કરાશે
સાઇકલ ટ્રેક બાબતે તપાસ કરવા સુચના આપી છે. જે પણ ટ્રેક લાયાબિલીટી પિરિયડમાં છે તે ઇજારદારના ખર્ચે જ રિપેર કરાશે. એટલું જ નહીં ઇજારદારોને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે. હાલ પેમેન્ટ અટકાવવા પણ સૂચના આપી છે. તપાસ કર્યા બાદ જ ઇજારદારોને પેમેન્ટ ચુકવવવામાં આવશે. બંછાનિધી પાની, પાલિકા કમિશનર

અન્ય સમાચારો પણ છે...