કોઝ વે ખુલ્લો મુકાયો:સુરતના કતારગામ અને રાંદેરને જોડતો કોઝ વે 131 દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થતાં રાહદારીઓને હાશકારો

સુરત21 દિવસ પહેલા
રાંદેર કતારગામને જોડતો કોઝવે વાહન વ્યવહાર માટે છ મહિના બાદ ફરી શરૂ થયો

સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને તાપીના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈ તાપી નદીમાં નવા નીર આવ્યા હતા.નદીનું જળસ્તર વધી જતા રાંદેર-કતારગામને જોડતો કોઝ વે બંધ કરવાની ફરજ પડી હતી.બ્રિજ બંધ થતા લાખો રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી.આજે 131 દિવસ બાદ ફરી કોઝ વે ફરી શરૂ થઈ ગયો છે જેને લઇ રાહદારીઓને હાશકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે 27 વર્ષમાં પહેલીવાર સૌથી વધુ દિવસ કોઝ વે બંધ રહ્યો છે.

કોઝ વે ફરી શરૂ થયો
સુરતના રાંદેર કતારગામને જોડતો કોઝ વે છેલ્લા 131 દિવસથી બંધ હતો. 10 જુલાઈના રોજ તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં કોઝ વેને બંધ કરવાની ફરજ પડી હતી. તાપી નદીના જળસ્તર વધવાને કારણે ઓવરફ્લો થઈ રહ્યો હતો.જેને લઇ મહાનગરપાલિકાએ તેને બંધ રાખવો પડ્યો હતો.નદીમાં પાણીનું સ્તર નીચું આવતા આજે ફરી તેને શહેરીજનો માટે ખુલ્લો મુકાયો છે.

કોઝવે ખુલ્લો મુકાતા લાખો રાહદારીઓને હાશકારો
રાંદેર અને કતારગામ ને જોડતો કોઝવે પરથી રોજના હજારો રાહદારીઓ પસાર થાય છે.રાંદેર અડાજણ જહાંગીરપુરા સહિતના લોકો કતારગામ સીંગણપુર વેડરોડ તરફ જવા માટે અને તે તરફથી આ તરફ આવવા માટે હજારો રાહદારીઓ કોઝવે બ્રિજનો ઉપયોગ કરે છે.વરસાદને લઈ કોઝવે બંધ થઈ જતા રોજના હજારો રાહદારીઓ જે પસાર થઈ રહ્યા હતા તેઓને હાલાકી પડી રહી હતી.છ મહિના બાદ આજે ફરી વાહન વ્યવહાર શરૂ થઈ જતા કોઝવેના બંને તરફના રાહદારીઓ અને નાગરિકોને મોટો હાશકારો થયો છે.

વરસાદને કારણે છ મહિના રહ્યો બંધ
સુરત સહિત સમગ્ર સુરત જિલ્લામાં અને ઉકાઈના ઉપરવાસમાં અવિરત વડેલા વરસાદને કારણે તાપીનું જળસ્તર ઉત્તરોતર વધ્યું હતું.ઉકાઈના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવતું હતું.જેને લઇ તાપી નદીમાં નવા નીર આ વખતે ખૂબ જ વિપુલ પ્રમાણમાં વધ્યા હતા.તાપીનું જળસ્તર વધવાને કારણે રાંદેર કતારગામને જોડતો કોષવે ઓવરફ્લો થયો હતો.જેને લઇ મહાનગરપાલિકાને બંધ રાખવાની તેને ફરજ પડી હતી.

આ વખતે સૌથી વધુ સમય રહ્યો બંધ
વરસાદની સિઝન આવે ત્યારે દર વખતે તાપી નદીમાં નવા નીરની આવક થાય છે.નદીનું જળ સ્તર વધે છે અને તેને લઈ રાંદેર કતારગામને જોડતો કોઝવે બંધ કરવો પડે છે.પરંતુ આ વખતે સૌથી લાંબો સમય કોઝવેને બંધ રાખવાની મહાનગરપાલિકાને ફરજ પડી છે.દર વર્ષે ત્રણથી સાડા ત્રણ મહિના આ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ રહેતો હોય છે.ત્યારે આ વખતે સુરત શહેર અને જિલ્લામાં ઉપરાંત ઉકાઈ ડેમમાં જે રીતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ અને પાણીની આવક ઓચિંતી વધી તેને લઈ છ મહિના સુધી કોઝવેને બંધ રાખવાની ફરજ પડી હતી.વરસાદની સિઝન પૂર્ણ થઈ ગયા અને બે મહિના ઉપર થઈ ગયા છે તેમ છતાં તાપી નદીનું જળસ્તર વધેલું રહેતા કોઝવે બંધ રાખવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...