કાર્યવાહી:પેડલર અબ્બાસને લાકડી બતાવતાં જ પોપટની જેમ બોલ્યો ને વધુ 1.79 કરોડનું MD ડ્રગ્સ મળ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંડેસરામાં ક્રાઈમ બ્રાંચે રેડ કરી ચંદન શર્માને દબોચ્યો, એક ટીમ તપાસ માટે મુંબઈ રવાના થઈ
  • કોસાડ આવાસમાં દુકાન અને કારમાંથી પકડાયેલા 1.87 કરોડના એમડી ડ્રગ્સમાં કાર્યવાહી

અમરોલીના કોસાડ આવાસમાં દુકાન અને કાર તેમજ સાયણ ખાતે ઘરમાંથી પકડાયેલા 1.87 કરોડના એમડી ડ્રગ્સ મામલે ક્રાઇમબ્રાંચે સૂત્રધારને પાંડેસરામાંથી પકડી પાડ્યો છે. પાંડેસરામાં રહેતા સૂત્રધારના ઘરમાં ડીસીબીના સ્ટાફે ચેકિંગ કર્યું હતું. ઘરમાંથી વધુ રૂ. 1.79 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. સૂત્રધાર ચંદન લક્ષ્મણ શર્મા(24)(રહે,અપેક્ષાનગર સોસા, બમરોલી રોડ,પાંડેસરા,મૂળ રહે,પટના બિહાર)ને ક્રાઇમબ્રાંચે પકડી પાડ્યો છે. સોમવારે મોડીરાતે પાંડેસરા અપેક્ષાનગર સોસાયટીમાં એક મકાનમાં બીજા માળે ક્રાઇમબ્રાંચે રેઇડ કરી હતી. ડીસીબીએ મકાનમાંથી ચંદન શર્માને પકડી પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરી તો 1 કિલો 797 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ.1.79 કરોડ અને રોકડ 4 લાખ મળી 1.83 કરોડનો મુદામાલ કબજે કર્યો છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી ચંદન શર્મા 15-20 દિવસ પહેલા સુરતમાં પાંડેસરામાં રહેવા આવ્યો હતો. મુંબઇથી એમડી લાવી સુરતમાં મોટા વેપારીઓને સપ્લાય કરતો હતો સાથે ઓળખીતાને છુટકમાં વેચતો હતો. વર્ષ પહેલા સુરતમાં આવ્યો ત્યારે પહેલા પોટલા ઊંચકવાની મજૂરી માર્કેટમાં કરતો ત્યાર બાદ સુરતમાં કેટરર્સનું કામ કરતો હતો.

આરોપીની ઓફિસ, ભાઈની ચાની લારી, હોટેલ પર બુલડોઝર ફર્યું
કોસાડ આવાસમાં જે જગ્યા પરથી એમડી ડ્રગ્સ પકડાયું તેની આસપાસના વિસ્તારમાં આરોપી મુબારક અબ્બાસ અને તેના ભાઈ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આથી અમરોલી પોલીસે પાલિકા સાથે મળી મંગળવારે સવારે આરોપીની ગાડી લે-વેચની ઓફિસ તેમજ તેના ભાઈની પતરાની શેડ બનાવી ચાની લારી અને હોટેલનું ડીમોલીશન કરી એકસાથે સફાયો બોલાવ્યો હતો.

કોસાડ આવાસ-સાયણમાં ડ્રગ્સ પકડાયું હતું

સોમવારે અમરોલી પોલીસે કોસાડ આવાસમાં શોપિંગ સેન્ટરની દુકાનમાંથી 39.40 લાખનું એમડી અને ઈકો કારમાંથી તેમજ સાયણ આરોપીના ઘરમાંથી 1.48 કરોડનું એમડી ડ્રગ્સ મળી 1.87 લાખનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે મૂળ ભરૂચના જબુંસરના વતની અને કોસાડ આવાસમાં રહેતા ડ્રગ્સ માફીયા મુબારક અબ્બાસ પટેલને પકડી પાડ્યો હતો. આ એમડીનો જથ્થો શર્મા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની વાત સામે આવી હતી. જેના આધારે ક્રાઇમબ્રાંચે ચોક્કસ માહિતી આધારે પાંડેસરામાં રેડ કરી ચંદન શર્માને પકડી પાડ્યો હતો. પોલીસની એક ટીમ તપાસ માટે મુંબઈ રવાના કરવામાં આવી હોવાની પણ વાત સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...