• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Gujarat 1st Patient Of Corona Rita Bachkaniwala Said I Will Never Forget Those 14 Days To Fight Against The Deadly Disease

એક્સક્લૂઝિવ:ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

સુરતએક વર્ષ પહેલાલેખક: આશિષ મોદી
  • કૉપી લિંક
  • કોરોનાની પહેલી દર્દી રીટા બચકાનીવાલાના અનુભવો
  • એ મિત્રો પણ નહીં ભુલાય, જેમણે મને સતત વીડિયો અને વ્હોટ્સએપ-કોલ કરી મારું મનોબળ મજબૂત બનાવ્યું
  • બે મહિના તો મને માત્ર નોર્મલ થતા લાગ્યા હતા
  • હું પાછી લંડન યુનિ.માં અભ્યાસ માટે ગઈ હતી, જ્યાં કોરોનાને લઈ માહોલ બગડતાં પાછી આવી ગઈ

ગુજરાતમાં કોરોનાએ માર્ચ 2020માં દસ્તક દીધી હતી. 19 માર્ચના રોજ રાજકોટના નદીમની સાથે સાથે સુરતનો પણ પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરતના પાર્લે પોઈન્ટમાં રહેતી અને લંડનમાં અભ્યાસ કરતી રીટા બચકાનીવાલા કોરોનાગ્રસ્ત થઈ હતી. આમ, રીટા પણ રાજ્યની પહેલી કોરોના સંક્રમિત બની હતી. કોરોનાને એક વર્ષ થવા નિમિત્તે DivyaBhaskar કોરોના સંક્રમિતોના જીવનમાં આવેલા પરિવર્તન, સંઘર્ષ અને કોરોના વોરિયરની કહાનીઓના એક્સક્લૂઝિવ અહેવાલો આપી રહ્યું છે. નદીમ બાદ આજે વાત રીટા બચકાનીવાલાની.

DivyaBhaskar સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં કોરોનાના અનુભવો વર્ણવતાં રીટા બચકાનીવાલાએ જણાવ્યું હતું કે હું લંડનમાં અભ્યાસ કરતી હતી. અચાનક કોરોનાનો કહેર આખા વિશ્વમાં પ્રસરી રહ્યો હતો. લંડનમાં પણ કેટલાક કેસ બહાર આવ્યા હતા, જેને લઈ હું 14 માર્ચ 2020ના રોજ વતન સુરત આવી ગઈ હતી. અચાનક 16મી માર્ચ-2020ના રોજ તાવ આવતાં પરિવારજનો ગભરાઈ ગયાં હતાં. ફેમિલી ડૉક્ટરનાં સલાહ-સૂચન બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યા બાદ બે દિવસ આઇસોલેશન વોર્ડમાં રહેવાની ફરજ પડી હતી. મારો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જોકે બીજો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ મને 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે એવું જણાવી દેવાયું હતું. મારો પરિવાર અને મિત્રવર્તુળ ચિંતિત હતાં. બીજી બાજુ, મારા ફોટો વાઇરલ થઈ રહ્યા હતા, જેને લઈ માનસિક તણાવમાં આવી ગઈ હતી. મારી પ્રાઇવસી ખુલ્લી થઈ જતાં હું અપસેટ થઈ ગઈ હતી.

‘પરિવાર સમાજથી વિખૂટો પડી ગયું હોય એવો અહેસાસ થતો’
રીટા બચકાનીવાલાએ આગળ કહ્યું, હોસ્પિટલમાં કોઈ તકલીફ ન હતી. 14 દિવસ બાદ મને રજા આપવામાં આવી, હું અશક્ત હતી. કંઈ સમજ પડતી ન હતી. મારા ઘર બહાર પાલિકાએ ક્વોરન્ટીન વિસ્તારના બોર્ડ મારી દીધા હતા, જેને લઈ આખો પરિવાર જાણે સમાજથી વિખૂટો પડી ગયો હોય એવો અહેસાસ થતો હતો. શાકભાજીની લારી હોય કે કપડાંને પ્રેસ કરવાવાળા ભાઈ કે પછી ઘરકામ કરતી બહેનો, બધા જ આ ઘરને જોઈ ડરતા હોય એવો માહોલ હતો. બે મહિના તો મને માત્ર નોર્મલ થતા લાગ્યા હતા.

રીટા આગળ કહે છે, ધીરે ધીરે બધું જ સારું થતું ગયું, જિંદગી ફરી એકવાર પાટા પર આવી ગઈ હોય એમ લાગતું હતું. જોકે સાવચેતી રાખવા મને સતત કહેવામાં આવતું હતું. આવા સંજોગોમાં નાનો ભાઈ પણ અમેરિકાથી આવ્યો હતો. હું પાછી લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગઈ હતી, જ્યાં કોરોના માહામારીને લઈ માહોલ બગડતાં પાછી આવી ગઈ હતી.

‘આ બીમારીનો એકમાત્ર ઈલાજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક’
રીટાએ સંક્રમણના 14 દિવસની મુશ્કેલીઓ અંગે કહ્યું હતું કે કોરોના વોરિયર્સ તરીકેના 12 મહિનાએ ઘણુંબધું શીખવી દીધું, સોશિયલ ડિસ્ટન્સિગનું મહત્ત્વ સમજાયું, હવે પાર્ટી અને લગ્ન પ્રસંગોમાં ઓછી જ હાજરી આપું છું. હા, કોરોનાની સારવારના એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી સાથે સતત લડવું, પણ એ મિત્રો પણ નહીં ભુલાય, જેમણે મને સતત વીડિયો અને વ્હોટ્સએપ-કોલ કરી મારું મનોબળ મજબૂત બનાવ્યું, મને માનસિક તણાવમુક્ત રાખી અને મનોરંજન આપ્યું.

આજે હું યોગા અને મેડિટેશન કરી સ્વસ્થ રહેવાની કોશિશ કરું છું, બીજી એક વાત ચોક્કસ કરીશ કે મેં જે દર્દ સહન કર્યું છે એ મારા પરિવારના કોઈપણ સભ્ય ન કરે, એટલે મેં મારાં માતા-પિતાને કોરોના વેક્સિન અપાવી છે ને હું પણ લઈશ, આ બીમારીનો એકમાત્ર ઈલાજ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝ જ છે, સાથે સાથે વેક્સિન લેવી એટલી જ જરૂરી છે એટલે મહેરબાની કરી મારા દેશના તમામ મિત્રો વેક્સિન લઈ તંદુરસ્ત રહેશે એવી જ મારી અપીલ છે.

‘કેસ આવ્યા બાદ એ ફ્લોર પર કોઈ જવા તૈયાર ન હતું: રેડિયોલોજી ટેક્નિશિયન’
કોરોનાની પહેલી દર્દી રીટા બચકાનીવાલાનો પહેલો એક્સ-રે કરનારા સુરત સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ટેક્નિશિયન કર્ણિક ગોકુલદાસ પટેલ(ઉં.વ. 52)એ જણાવ્યું હતું કે હા, કોરોનાના પહેલા દર્દીનો પહેલો એક્સ-રે મેં જ પાડ્યો હતો. એ સમય એટલે ડરના માહોલ વચ્ચે કામ કરવું અઘરું હતું. કોરોનાનો કેસ સાંભળીને જ રુંવાડાં ઊભા થઇ જતાં હતાં.

લગભગ 19 માર્ચ 2020ના રોજ સુરતમાં પહેલો કેસ નોંધાયો, એ પણ લંડન રિટર્ન એક યુવતી હતી. આપણી હોસ્પિટલમાં જ દાખલ કરાઈ હતી. સ્પેશિયલ રૂમને પેનડેમિક રૂમ તરીકે ઓળખ આપી હતી. કેસ આવ્યા બાદ એ ફ્લોર પર કોઈ જવા તૈયાર ન હતું અને એક આદેશ આવ્યો, કોરોના પોઝિટિવ દર્દીનો એક્સ-રે કાઢવાનો છે. કેસેટ લઈ ઉપર જાઓ ને એક્સ-રે પાડીને આવો. બસ, આ સાંભળીને તો હું પોતે અને મારા જુનિયર સાથી એકબીજાને જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા.

‘ડર વચ્ચે એક્સ-રે કરવા કોણ જશે એવો દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો’
આ મહામારીના ડર વચ્ચે કોણ જશે એવો દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો. જોકે હું પોતે એક સિનિયર એક્સ-રે ટેક્નિશિયન હોવાથી જુનિયરને મોકલું એ પણ યોગ્ય ન હતું એટલે હું પોતે જ આઇસોલેશન વોર્ડમાં એક્સ-રે પાડવા PPE કિટ પહેરીને ગયો હતો. 28 વર્ષની કરિયરમાં આવી ભયાનક મહામારી સામે એક્સ-રે પાડવાનો માહોલ બનાવવો એ પણ એક સારો અનુભવ જ રહ્યો છે.

મહામારીના સમયથી આજદિન સુધીમાં એટલે કે એક વર્ષમાં લગભગ 15 હજારથી વધુ કોરોના સંક્રમણ દર્દીઓના એક્સ-રે અમારી ટીમે પાડ્યા છે. જે-તે સમયે 10 ટેક્નિશિયન હતા, આજે 15 છે. હા, એ સમયની એક વાત ચોક્કસ યાદ રહેશે, સતત દર્દીઓની સંખ્યા વધતી હોવાને કારણે કોવિડ-19 હોસ્પિટલ, ટ્રોમાં સેન્ટર અને રેડિયોલોજી વિભાગ 24 કલાક ચાલતાં હતાં, હું આ દિવસને યાદ કરીને ભગવાન તમામનું સ્વાસ્થ્ય સારું રાખે એવી જ પ્રાથના કરું છું.

સિનિયર નર્સ દેવીલાબેન શાહ.
સિનિયર નર્સ દેવીલાબેન શાહ.

એક દિવસ મરવાનું જ છે તો...: સિનિયર નર્સ
જ્યારે સિનિયર નર્સ દેવીલાબેન શાહે જણાવ્યું હતું કે 28 વર્ષના કરિયરમાં સુરત સિવિલ હોસ્પિટલની નોકરીમાં પહેલો કેસ હતો. જોકે એક દિવસ તો મરવાનું જ છે તો સારું અને સેવાકીય કામનું ઉદાહરણ બનીને કેમ ન જઈએ? જ્યારે કોરોના પોઝિટિવ દર્દીને સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા હતા. PPE કિટ સહિતની સાવધાની સાથે દર્દીને ઓપરેટ કરવાનું હતું. હું તો તૈયાર જ હતી. દર્દી પણ ખૂબ જ સહકાર આપી રહ્યો હતો અને મનોબળથી મજબૂત હતું. તાવ-શરદીની ફરિયાદ સાથે જ આવ્યો હતો. બસ, પરિવાર નર્વસ હતું, જેમાં તેની માતાને ખૂબ ચિંતા હતી.

‘બે વર્ષ બાદ દીકરી પરત આવીને જીવલેણ બીમારીમાં સપડાય, એટલું જ નહીં પણ દીકરીની બીમારીને લઈ ઘરમાં કામ કરતા માણસો પણ દૂર ભાગી રહ્યા હતા. એટલે ઘરકામથી લઈ દીકરીની સંભાળ સુધીની જવાબદારી એની માતા પર હતી. રોજ મળવા આવતા, અમે 10 ફૂટ દૂરથી માતા-દીકરીનો મેળાપ કરાવતા હતા. ધીરે ધીરે લેપટોપ અને મોબાઈલ ફોન વાપરવાની પરવાનગી મળી, પછી બધું જ સારું થઈ ગયું. દર્દીને જે કંઈપણ જોઈતું હોય એ અમને કહેતી, અમે જ તેની વસ્તુઓ આપ-લેનું માધ્યમ બન્યા હતા એનો આનંદ હતો’

અન્ય સમાચારો પણ છે...