અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ US નેવીમાં નિમણૂંક પામીને નવસારી સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મિસિસિપીમાં પોતાના નાના- નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી આજે યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં10 અઠવાડિયાની આકરી ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો છે.
સેઈલર પદે નિમણૂંક મેળવી
અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ - અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો બજાવી રહ્યા છે.આ સ્થિતિમાં અમેરિકાના મિસિસિપી ખાતે રહેતા પોતાના નાના અને નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીના વાંઝણા ગામની પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. એક તો યુએસ નેવીની દુનિયાભરમાં સૌથી સખત ગણાતી ટ્રેનિંગ અને તેમાં પણ યુવતી હોવાને કારણે શરૂઆતમાં આ પરિવારને પુત્રીના નિર્ણય પર થોડી શંકા - કુશંકા હતી. પરંતુ ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે મૈત્રી પટેલે 10 સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી હતી. જેથી પરિવારની સાથે ત્યાં વસતા ગુજરાતીઓએ પણ અભિનંદન આપતા આનંદ વ્યકત કર્યો હતો.
10 સપ્તાહની કપરી ટ્રેનિંગ
આ સંદર્ભે વધુ માહિતી આપતાં મૈત્રી પટેલના પિતા નિરવભાઈએ જણાવ્યું હતું કે, શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે તમામ ઉમેદવારોને 10 સપ્તાહની ટ્રેનિંગ આપવામાં આવે છે. દર સપ્તાહે ટ્રેનિંગ સેશન વધુ ને વધુ સખ્ત અને અદમ્ય સાહસ માંગી લેતું હોય છે. જેને પગલે મોટા ભાગના ઉમેદવારો અધવચ્ચેથી જ ટ્રેનિંગ પડતી મુકી દેતાં હોય છે. ગણ્યાં ગાંઠ્યા ઉમેદવારો જ યુએસ નેવીની ટ્રેનિંગમાં સફળતા મેળવીને આ ગૌરવ મેળવે છે.જેમાંની એક નૈત્રી પટેલએ ટ્રેનિંગ પૂરી કરીને નિમણૂંક પામતાં તેમના પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.