'હાર્દિક' ભડાશની અસર:પાટીદાર સાથીઓથી લઈને 'વિરોધી'ઓએ આપી પ્રતિક્રિયા, અલ્પેશે કહ્યું- નિવેદન પરથી ભાજપમાં જોડાવાનો સંકેત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ હાર્દિક અંગે નિવેદન આપ્યું. - Divya Bhaskar
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ હાર્દિક અંગે નિવેદન આપ્યું.
  • હાર્દિક ભવિષ્યમાં હવે જે નિર્ણય કરે તે ખૂબ વિચારીને કરેઃ અલ્પેશ
  • હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છેઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ છે. ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ પર આક્ષેપો કરી ભાજપના મુદ્દાઓના વખાણ કરતા હવે અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. હાર્દિક સાથે આંદોલન સમયના સાથી એવા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના નિવેદનો પરથી સંકેત આવી રહ્યા છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે. જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છે. હવે જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે.

સમાજને અન્યાય થતો નથી, વ્યક્તિને થતો હોય
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ક્યારેય પણ કોઈ પણ સમાજને અન્યાય થતો નથી, વ્યક્તિને થતો હોય છે. વ્યક્તિ પાછળ સમાજ જોડાયેલ રહેતો હોય છે, પરંતુ પક્ષ છોડતા હોય ત્યારે જ આવી વાતો થતી હોય છે. કોંગ્રેસ હોય કે અન્ય કોઇ પક્ષ હોય દરેક પક્ષમાં દરેક જ્ઞાતિને મહત્વ મળતું હોય છે. જાતિવાદની રાજનીતિ દરેક પક્ષ કરતું હોય છે. પાટીદાર સમાજમાં રહેલી એકતાના કારણે આજે ઘણો ફાયદો પણ થયો છે. વર્ષ 2017માં પાટીદાર ફેક્ટરના કારણે કયો અને કેટલો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થયો છે તે સૌ કોઈ જાણે છે. લોકો નક્કી કરશે કે ગુજરાત માટે કયા પક્ષની સારી આવડત છે અને ગુજરાતનું ભલું કોણ ઈચ્છે છે અને કોણ નથી ઇચ્છતું.

હાર્દિકનો આ નિર્ણય સંવાદ અને સંકલનના અભાવે થયો
અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકના દરેક નિર્ણયને સૌ કોઈ લોકો અને અમે પણ જોઈ રહ્યા છે. હાર્દિકનો આ નિર્ણય સંવાદ અને સંકલનના અભાવે થયો છે. ભવિષ્યમાં હવે જે નિર્ણય કરે તે ખૂબ વિચારીને કરે તે અમે અગાઉ પણ કહ્યું છે. કોઇ પણ પક્ષની સરકાર આવે અમારા મુદ્દા સામે છે. હાર્દિકે પ્રેસ કોન્ફરન્સ કરી છે તેના પરથી સંકેત લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં જવા તરફનો ઈશારો છે. કોંગ્રેસનો આરોપ છે કે હાર્દિકે કોંગ્રેસનો ઉપયોગ કર્યો છે, જ્યારે હાર્દિકનું કહેવું છે કે કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો છે. બંને એકબીજાના ઉપયોગ પછી જ્યારે પાર્ટી છોડવાની વાત આવે છે ત્યારે આવા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ થતી હોય છે

હાર્દિક પાસે વિચારવાનો અને મહામંથન કરવાનો સમય
વધુમાં જણાવ્યું હતું કે, હજી હાર્દિક પાસે ઘણા દિવસો છે વિચારવાનો અને મહામંથન કરવાનો સમય છે. હાર્દિકે કોંગ્રેસ પર કરેલા રૂપિયા પાંચ કરોડના આક્ષેપ એ કોંગ્રેસનો આંતરિક વિષય છે અને કોંગ્રેસ તેનો જવાબ આપી શકે. સફાળે નિષ્ફળતા અને સફળતા સુવિધા દરેકના જીવનમાં થતી હોય છે. હાર્દિકે જ્યાં સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે ત્યાં સુધી તેણે સારો એવો પ્રવાસ કર્યો છે. જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસમાં આવી પરિસ્થિતિ બનતી આવી છે. આવનારા દિવસોમાં જે પણ નિર્ણય લઇ તેને લઈ પાટીદાર સમાજનું ગૌરવ અને અસ્મિતા જળવાઈ રહે અને વ્યક્તિગત બાબતમાં પણ તેઓ આગળ વધે તેવી શુભકામના છે.

જરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર.
જરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર.

હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયોઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસને હાર્દિક પટેલ અને ભાજપ અંગેની પૂરી જાણકારી હતી. હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયો હતો. હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છે. હવે જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે. હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો મુદ્દો એ હતો કે તેના પર કેસ ચાલતો હતો. જેલમાં ન જાય તેના માટે તેણે પ્રયાસો કર્યા. હવે હાર્દિક બધાને ફોન કરી ને કહે છે કે તમે પણ મારી સાથે કોંગ્રેસ છોડો. બાકી હાર્દિકના મોઢામાં શબ્દો મુકવામાં આવ્યા છે. કમલમમાંથી તમામ ભાષા આવી રહી છે.

કોંગી નેતા અર્જુન મોઢવાડિયા.
કોંગી નેતા અર્જુન મોઢવાડિયા.

ભાજપમાં ફક્ત 100 લોકોને જ જલસા છે: મોઢવાડિયા
કોંગી નેતા અર્જુન મોઢવાડિયાએ કરતા મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જેણે મજૂરી નથી કરી એ ભાજપમાં જઈને શું કરશે. જેમણે મન બનાવી લીધું હોય તેમના વિશે કંઈ ન કહી શકાય. પ્રજાના પડખે ઊભા રહેવાની તૈયારી ન હોય. નામ બની જાય એટલે બધુ જ આપો એવું ન થઈ શકે. કોંગ્રેસ નહીં, તેને બીજે પણ ન નામ ન મળે અને સત્તા પણ ન મળે. બાકી જેમને ભાજપમાં જવું હોય એ જાય. ભાજપમાં ફક્ત 100 લોકોને જ જલસા છે, બાકી બધા મજૂર છે.

કોંગી નેતા મનોજ પનારા.
કોંગી નેતા મનોજ પનારા.

કોંગ્રેસ પર લગાવેલા દરેક આક્ષેપો ખોટા: મનોજ પનારા
કોંગી નેતા મનોજ પનારાએ કહ્યું હતું કે, અમે પણ પાટીદાર નેતા છીએ. અમે પણ કોંગ્રેસમાં છીએ. આજ સુધી અમારી સાથે કોઈ અન્યાય નથી થયો એકમાત્ર હાર્દિક પટેલને જ હવે ત્રણ વર્ષ બાદ એવું લાગી રહ્યું છે કે તેમની સાથે અન્યાય થયો છે. આ તેમનું આત્મઘાતી પગલું છે અને કોંગ્રેસ પર તેમણે લગાવેલા દરેક આક્ષેપો ખોટા છે.

અન્ય સમાચારો પણ છે...