ટ્રાન્સપોર્ટ રિપોર્ટર,સુરત : માસમા ખાતે સરકારે બનાવેલા ઓટોમેટિક વ્હિકલ ફિટનેસ સેન્ટરમાં વર્ષે 36000 વાહનોની ફિટનેસ ટેસ્ટ કરવાના ટાર્ગેટ સામે હાલ માંડ 40-50 વાહનોના ટેસ્ટ થઇ રહ્યા છે. રાજ્યનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક અને અત્યાધુનિક વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. રૂ.15 કરોડના ખર્ચે બનાવયેલું રાજ્યના પહેલા ઓટોમેટિક વ્હિકલ ફિટનેસ સેન્ટરના આંકડાઓ ચકાસીએ તો આશ્ચર્યજનક રીતે ફિટનેસ કરાવવા આવતા વાહનોની સંખ્યા ઘટી ગઈ છે.
આ સેન્ટર શરૂ થયું ત્યારે રોજના 100થી 120 વાહનોના ફિટનેસ ટેસ્ટ કરાતા હતા. જોકે હવે માંડ 40-50 ટેસ્ટ થતા હોવાનું સેન્ટરના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર ચૌધરીએ જણાવ્યું હતું. અત્યાર સુધી વાહનોની ચકાસણી મેન્યુઅલી થતી હતી, પરંતુ નવા સેન્ટરની સ્થાપના બાદ હવે કમ્પ્યુટરાઈઝ્ડ સાધનોમાં ફિટ કરાયેલા ઈક્વિપમેન્ટસ દ્વારા વાહનોને વિવિધ પેરામીટરમાંથી પસાર કરીને ટેસ્ટીંગ કરવામાં આવે છે, જેને પગલે વાહનોમાં નાની ક્ષતિ હોય તો પણ વાહન ફિટનેસમાં ફેલ થઇ જાય છે.જેને લીધે વાહન માલિકોએ ફરી ધક્કો ખાવો પડે છે.જેને ટાળવા માટે હવે વાહન માલિકો નવસારી,ભરૂચ અને બારડોલી સહિતના સેન્ટરો પર મેન્યુઅલી ટેસ્ટ પાસ કરી લે છે.
અલાઇન્મેન્ટ ટેસ્ટરની મદદથી વ્હિલ અલાયન્મેન્ટ જાણી શકાય છે. ઇન્સ્પેક્શન લેન પરની ફ્લોટીંગ પ્લેટ પર વાહનના ટાયર મૂકી અલાઇમેન્ટ ચેક કરાય છે. આ જ જગ્યાએ વાહનનું સ્પીડ઼ો મીટર ચેક કરવા ટેસ્ટર પણ હોય છે.
રોલર બ્રેક ટેસ્ટર ડિવાઇસ બ્રેકીંગ ફોર્સ બતાવે છે. ટેસ્ટ દરમિયાન વાહનને 5 કિમીની ઝડપે ચલાવી બ્રેક મારવામાં આવે છે. આ જ ડિવાઇસની મદદથી વાહનની એક્સલની સ્થિતિ પણ જાણી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.