સુરતમાં નવરાત્રિ બાદ શરદપૂર્ણિમાની રાતે ઠેર ઠેર ગરબાના આયોજન થયાં હતાં. શેરી ગરબામાં સમાજના આગેવાનોના હાથે આરતી ઘણી જગ્યાએ કરાવાતી હોય છે. ત્યારે મોટાવરાછાની તુલસી દર્શન સોસાયટી, જ્યાં AAP(આમ આદમી પાર્ટી)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું નિવાસસ્થાન છે. એ સોસાયટીમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતી)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને આમંત્રણ અપાયું હતું. અલ્પેશ કથીરિયા તેમના સાથીદારો સાથે પહોંચ્યા એ અગાઉ જ ગોપાલ ઈટાલિયા પોતાની જ સોસાયટીનો કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. એ અંગે તેમણે કહ્યું હતું કે મને અન્ય જગ્યાએથી પણ આમંત્રણ હતું, એટલે ત્યાં જવાનું વધારે યોગ્ય માન્યું હતું.
ઈટાલિયાની સોસાયટીમાં પાસ
શરદપૂનમની રાત્રે તુલસી રેસિડેન્સી, સુદામા ચોક, મોટાવરાછા ખાતે પાસ કન્વીનર અલ્પેશભાઈ કથીરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાસના કન્વીનર કથીરિયા સહિતના PAASના નેતાઓ અને કાર્યકર્તાઓને બોલાવી સોસાયટીના રહીશો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી અને સન્માન કરાયું હતું. ગોપાલ ઇટાલિયાની સોસાયટીમાં પાસના નેતાનું સ્વાગત થતાં રાજકીય રીતે પણ આ કાર્યક્રમનું મહત્ત્વ વધી જાય છે. આમ આદમી પાર્ટી ભલે ન સ્વીકારે, પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં પાસના સમર્થનને કારણે જ આપને બેઠકો મળી છે.
ઈટાલિયા હાજર ન રહ્યા
ગોપાલ ઇટાલિયાને પોતાની સોસાયટીમાં પાસના નેતા દ્વારા સ્થાનિક લોકોએ આરતી કરાવી હતી. પોતાની જ સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. આગામી વિધાનસભાની ચૂંટણીની દૃષ્ટિએ જોઈએ તો પાસના નેતાઓનું આપના પ્રદેશ પ્રમુખની સોસાયટીમાં સ્વાગત થયું એ એ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
અન્ય જગ્યાએ કાર્યક્રમ હતો-ઈટાલિયા
ગોપાલ ઇટાલિયાને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારી સોસાયટીમાં કાર્યક્રમ અંગેનું મને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ અન્ય જગ્યા પર મારા કાર્યક્રમનું આયોજન થયું હોવાથી હું એ કાર્યક્રમમાં હાજર રહી શક્યો ન હતો. આમ, એ તમે સમજી શકો છો કે પોતાના ઘરનો કાર્યક્રમ છે ત્યાં હાજર રહું તેના કરતાં અન્ય લોકોના કાર્યક્રમમાં હાજર રહેવું એ મને વધારે વાજબી લાગે છે અને એને કારણે હું ત્યાં અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયો હતો. મને મેસેજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઈટાલિયા અંગે માહિતી નહોતી-અલ્પેશ
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે નવરાત્રિ, દશેરા અને શરદપૂનમ દરમિયાન હું અલગ અલગ 50 જેટલી સોસાયટીઓમાં, જ્યાં હાજર રહ્યો હતો. આ સોસાયટીના પ્રમુખનો પણ ખાસ આગ્રહ હતો કે અમારા હસ્તે આરતી કરવામાં આવે. એટલા માટે અમે ત્યાં હાજર રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા કાર્યક્રમમાં આવવાના છે કે કેમ એ અંગેની મને કોઈ માહિતી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.