સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આમ આદમી પાર્ટી સુરત શહેરમાં સક્રિય છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે કામ કરતી દેખાઈ રહી છે. પ્રજા બેહાલ, ભાજપ માલામાલ, કેન્દ્ર સરકાર દ્વારા રેલવે, હાઈવે, એરપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ખાનગીકરણ કરવાના નિર્ણયને લઈને હવે આમ આદમી પાર્ટી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. સુરત શહેરના સરથાણા, હીરાબાગ સર્કલ, વરાછા યોગીચોક જેવા વિસ્તારોમાં બેનર લગાવીને વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.
ખાનગીકરણને લઈને દેશભરમાં હંમેશા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાતે બેનરો લગાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવા માટે અને જાગૃતિપૂર્વક આ મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સક્રિય રીતે બેનરો લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાનગીકરણને કારણે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓના ભાવિ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. તેમજ રેલવે અને એરપોર્ટ જેવા પ્રજા માટે ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટેના સૌથી મહત્વના ટ્રાન્સપોર્ટેશન પૈકીના એક છે. રોજના લાખો લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પ્રાઈવેટ સેક્ટરોના હાથમાં આ પ્રકારની સેવાઓ જતા લોકોને શંકા ઊભી થાય છે કે નજીવી સુવિધાના નામે વધુ રૂપિયા ખંખેરી લેવામાં આવશે. ખાનગીકરણને લઈને દેશભરમાં હંમેશા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહેતો હોય છે.
સરકારના જે કર્મચારીઓ છે તેમનું ભાવિ પણ અંધકારમાં દેખાઇ રહ્યું છે
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે મોદી સરકાર તમામ બાબતોનું ખાનગીકરણ કરીને તેમના નજીકના ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાના મનસુબા સાથે આગળ વધી રહી છે. વર્ષોથી અદાણી અને મોદીના સંબંધ વિશે તમામ લોકો પરિચિત છે. અદાણી ગ્રુપને એરપોર્ટનું સંચાલન કરવા માટેની મંજૂરી આપતા ત્યાં પણ જે તે સ્થાનિક રાજકીય પાર્ટી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. પ્રાઇવેટ સેક્ટર આનાથી માલામાલ થઈ રહ્યા છે અને પોતે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમનું ભાવિ પણ અંધકારમાં દેખાઇ રહ્યું છે. આજ મોદી સરકાર છે કે જે પહેલા ખાનગીકરણનો વિરોધ કરીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરતી હતી. મોદી સરકારના તમામ તઘલખી નિર્ણય અને પ્રજા સુધી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.