• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Parents Who Left The Child On The Surat Cable Bridge And Ran Away Were Caught, 'child Abandonment Due To Economic Hardship'

માસૂમને તરછોડનારાં પકડાયાં:સુરત કેબલબ્રિજ પર બાળકને મૂકીને પલાયન થયેલાં માતા-પિતા ઝડપાયાં, આર્થિક સંકડામણને કારણે સંતાન ત્યજ્યાનું રટણ

સુરતએક મહિનો પહેલા
બાળકને ત્યજી દેનારાં માતા-પિતાને અડાજણ પોલીસે પકડી પાડ્યાં.

સુરતના અડાજણ વિસ્તારમાં 19મી તારીખે કેબલબ્રિજ ઉપર બાળકને મૂકીને માતા-પિતા પલાયન થઈ ગયાં હતાં. બાળકને બ્રિજ ઉપર મૂકી ગયાં હોવાના સીસીટીવી સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. માત્ર 25 દિવસના જન્મેલા બાળકને નિષ્ફળતાપૂર્વક બ્રિજ ઉપર છોડી જવાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આખરે અડાજણ પોલીસે સતત તપાસનો દૌર શરૂ રાખ્યો હતો. એ બાદ પાલનપુર જકાતનાકા પાસેથી બાળકનાં માતા-પિતાને ઝડપી લાવ્યાં હતાં.

પોલીસે આરોપી માતા-પિતાને ઝડપી પાડ્યાં હતાં.
પોલીસે આરોપી માતા-પિતાને ઝડપી પાડ્યાં હતાં.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકને મૂકી જનારાં પતિ-પત્ની વલસાડ તરફ ટ્રેનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ બાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા. મુંબઈ ગયા બાદ ત્યાં થોડા દિવસ રહીને તેઓ ફરીથી સુરત આવી ગયા હતા. સુરત આવતાંની સાથે જ તેઓ ફરીથી પાલનપુર જકાતનાકા પાસે, જ્યાં બધા કામદારો કામ માટે એકત્રિત થાય છે ત્યાં આવ્યાં હતાં અને ત્યાં બાતમીદારે માહિતી મળતાં પોલીસે તેમને ઝડપી લીધાં હતાં.

બાતમીના આધારે બન્ને ઝડપાયાં હતાં.
બાતમીના આધારે બન્ને ઝડપાયાં હતાં.

આર્થિક સંકડામણને કારણે બાળક ત્યજ્યું
અડાજણ પોલીસે ઝડપી લીધેલાં માતા-પિતા મૂળ મહેસાણાનાં રહેવાસી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેમની સાથે થયેલી વાતચીતમાં શ્રમિક દંપતીએ જણાવ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાને કારણે માત્ર પતિ જ કામ કરતો હતો અને મજૂરી કરીને રોજ રૂપિયા લાવતો હતો. આવી સ્થિતિમાં બાળકનું ભરણપોષણ કરવું તેમના માટે ખૂબ જ કપરું હતું, તેથી તેઓ લાચાર થઈને પોતાના બાળકને જ ત્યજવાનો નિર્ણય લીધો હતો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપી રહ્યાં છે.

આર્થિક સંકડામણનું બહાનું બન્નેએ સામે ધર્યું હતું.
આર્થિક સંકડામણનું બહાનું બન્નેએ સામે ધર્યું હતું.

સીસીટીવીના આધારે ઓળખ થઈ
ઘટના બનતાંની સાથે જ અડાજણ પોલીસે અલગ અલગ સ્થળના 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સુરત રેલવે સ્ટેશન પર જ્યારે આ દંપતી પહોંચ્યું હતું. ત્યારે તેમના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. ત્યારે નક્કી થયું હતું કે આ કામદાર છે અને તેમણે જ આ બાળકને બ્રિજ ઉપર મૂક્યું છે. વલસાડ બાદ મુંબઈ જતાં રહેતાં પોલીસ માટે તેમને શોધવાં કપરું હતું, પરંતુ આખરે તેઓ ફરીથી સુરતમાં આવતાં પોલીસના હાથે ઝડપાઈ ગયાં છે. બાળક હજી પણ સિવિલ હોસ્પિટલમાં શી ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો..સુરતમાં આ પતિ-પત્નીને બિનધાસ્ત જતાં જોઈ કોણ કહી શકે... બે માસના બાળકને ત્યજીને ચાલ્યાં જાય છે, CCTVમાં કેદ

ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી
સુરતના અડાજણ સ્થિત કેબલબ્રિજ પર બે માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રાહદારીની નજર બાળક પર પડતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. તો બીજી તરફ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકને તરછોડનારાં માતા-પિતા કેબલબ્રિજ પરથી પસાર થતાં હોય એવાં દૃશ્યો CCTVમાં કેદ થયાં હતાં, જેના આધારે પોલીસે તપાસ આદરી હતી.

પોલીસની SHE ટીમ બાળકનું ધ્યાન રાખ્યું
કંટ્રોલ રૂમમાં ફોન આવ્યા બાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં શી ટીમ દ્વારા લઈ જવામાં આવ્યું હતું. શી ટીમની સભ્ય મમતા મકવાણા નવજાત બાળકનું ધ્યાન રાખી રહ્યાં હતાં. બાળકની તબિયત તંદુરસ્ત હતી. તેને એન. આઈ. સી. યુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું હતું. શી ટીમ બાળકને માતાની જેમ સાચવી રહી હતી. બાળકને દર બે કલાકે દૂધ આપવામાં આવી રહ્યું હતું.

તાત્કાલિક કાર્યવાહી કરાઈ-પોલીસ
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સૌપ્રથમ બાળકની તબિયતને ધ્યાનમાં રાખીને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યું હતું. શી ટીમે પણ તેની દેખરેખ રાખી હતી. પોલીસ દ્વારા સતત તેનું ધ્યાન રાખવાની સાથે સાથે બાળકનાં માતા-પિતાને શોધવા માટે સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી હતી. એમાં શંકાસ્પદ લાગતી વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...