શાળાઓની દાદાગીરી:વાલીઓ આર્થિક સંકટમાં છતાં ફી ભરવા શાળાઓનું દબાણ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ  હોવાથી વાલીઓ આર્થિક સંકટમાં મૂકાયા છે. શહેરની રેડિયન્ટ, ગજેરા, ફાઉન્ટેન હેડ, ડીપીએસ, અને એલ. પી. સવાણી સહિતની શાળાઓના સંચાલકો વાલીઓને ફી ભરવા અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ ડીઈઓ એચ. એચ. રાજ્યગુરૂના કાને તો પહોંચે છે, પણ તેઓ મૂકપ્રેક્ષક બની તમાશાે જોતા હોવાનો આક્ષેપ વાલી મંડળ કર્યો છે.

શહેરની વિવિધ શાળાના વાલીઓ શું કહે છે? 

ડીપીએસ સ્કૂલના વાલી જૂનેદ : લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ છે. વાલીઓ આર્થિક સંકટમાં છે. તેવામાં જ શાળાએ ફી માફ કરવી જોઇએ.

ગજેરા વિદ્યાભનના વાલી મીતુલ  :  એફઆરસી મુજબ કેટલાક વાલીએ ફી ભરી છે. પણ શાળા વધુ ફી લે છે. જે નહીં ભરતા પરિણામ અટકાવ્યા છે.

એલ. પી. સવાણી સ્કૂલના વાલી અરવિંદ અને ઉમેશ  :  ફી મામલે મેસેજ પર મેસેજ આવે છે. ફી ભરશો પછી જ પરિણામ આપીશું તેવું જણાવ્યું છે.

રેડિયન્ટ ઇંગ્લિશ સ્કૂલના વાલી દશરથ  :  અમારી શાળા લોકડાઉનમાં પરિણામ જોવા અને સ્ટેશનરી ખરીદવા બોલાવે છે. જેથી તે યોગ્ય નથી જણાતું.

એસ. ડી. જૈન સ્કૂલના વાલી ભૂપેશ  :  છેલ્લા 3 માસથી ધંધો બંધ છે. ફી ભરશો પછી જ પુસ્તકો સહિતની સ્ટેશનરી અપાશે. ફી ભરવા મેસેજ આવે છે. 

ડીઈઓ કોઈ પગલાં ભરતા નથી: અમે આ મામલે ડીઈઓને ફરિયાદ કરી છે. પરંતુ તેઓ કાર્યવાહી કરતા નથી. જેથી ખાનગી શાળા પોતાની મનમાની ચલાવે છે. હવે ડીઈઓ કાર્યવાહી નહીં કરશે તો વાલીઓ ન્યાય માટે લડત ચલાવશે. - ઉમેશ પંચાલ, પ્રમુખ, વાલી મંડળ

શાળાના નામ આપે તો કાર્યવાહી 

વાલી મંડળની ફરિયાદ મળે છે. પણ તેમાં શાળાના નામ હોતા નથી. જેથી તપાસ કરી શકતા નથી. વાલી મંડળ ખાનગી શાળાના નામ આપશે તો અમે તરત જ તપાસ કરી કડક કાર્યવાહી કરીશું.- એચ. એચ. રાજ્યગુરુ, ડીઈઓ, સુરત 

રજૂઆત કરાશે તો નિર્ણય લઈશું

છેલ્લા ત્રણ માસથી શાળાનું વહીવટી કાર્ય બંધ છે.પણ 90% ખર્ચા ચાલુ છે. જે વાલી આર્થિક સંકટમાં છે તેઓ સંચાલકને રજૂઆત કરે તો ખાનગી શાળા સંચાલક મંડળ યોગ્ય નિર્ણય લેશે.- ડો. દિપક રાજ્યગુરૂ, પ્રવક્ત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

સ્ટેશનરીનો પરિપત્ર ફરજિયાત નથી

નવા સત્રના અભ્યાસ માટે પુસ્તકો સહિતની સ્ટેશનરી લેવા બોલાવ્યા છે. પણ તે ફરજિયાત નથી.સવારના સાતથી સાંજે સાતમાં છૂટછાટ અપાય છે. અમે શાળામાં એક જ વાલીને માસ્ક સાથે પ્રવેશ આપીશું. > મીતુલ સવાણી, રેડિયન્ટ ઇગ્લિશ એકેડેમિક  

અન્ય સમાચારો પણ છે...