મહેનતથી મેળવી સફળતા:JEE મેઈનના રિઝલ્ટમાં સુરતનો ડંકો, બિસ્કિટના ડેપોમાં મેનેજરના દીકરાએ ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો

સુરત21 દિવસ પહેલા
પી.પી.સવાણી સ્કૂલનો વિદ્યાર્થી શાહ કેતન.
  • દીકરાએ ફોનમાં કહ્યું કે ગુજરાતમાં ટોપ બન્યો ને માતા હરખના આંસુ સાથે નાચવા માંડી

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની આર્કિટેક્ચર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન પરીક્ષાનું પેપર-2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની પી.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થી શાહ કેતન દિનેશભાઈએ ઓલ ઇન્ડિયા 36મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વિશેષમાં શાહ કેતન દિનેશભાઈએ 99.48 PR પ્રાપ્ત કરી પોતાનું અને સમગ્ર ગુજરાતનનું નામ રોશન કર્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, હરખના આંસુ સાથે દીકરાએ પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર પણ નાચવા માંડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કેતનના પિતા પાર્લે બિસ્કિટના ડેપોમાં મેનેજર અને માતા ઘરમાં સાડી પર લેસ પેટ્ટી લગાડી આર્થિક રીતે મદદરૂપ થાય છે.

કંઈ ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાના સોગંધ લીધા
ભાવનાબેન શાહ (માતા) એ જણાવ્યું હતું કે બસ એનું સ્વપ્ન પૂરું થયું, બાળપણથી જ મીઠાઈ ખાવાનો શોખીન હતો. ધોરણ 12માં આવ્યો એટલે એને મીઠાઈ ન ખાવાના સોંગધ લઈ લીધા ને કહ્યું મમ્મી હવે કંઈ બનીશ ત્યારે જ મીઠાઈ ખાઈશ, આ સાંભળી આંખ છલકાઈ ગઈ હતી. પરિણામના દિવસે હું બજારે ગઈ હતી એને ફોન કરીને કહ્યું મમ્મી ક્યાં છે જલ્દી ઘરે આવ, એ રડતો હતો હું દોડીને ઘરે પહોંચી તો એ એની બહેન સાથે ફોન પર રડતા રડતા વાત કરતી હતી. હું ગભરાય ગઈ, હું પણ રડવા લાગી ને પૂછ્યું અલ્યા થયું છે શું તો એ બોલ્યો મમ્મી આ ખુશીના આંસુ છે, હું ગુજરાતમાં ટોપ બન્યો, બસ આ સાંભળી અમે તો હરકથી નાચવા માંડ્યા હતા.

માતા હરખના આંસુ સાથે નાચવા માંડી.
માતા હરખના આંસુ સાથે નાચવા માંડી.

દિવાળીએ ફટાકડા ન ફોડવાનો નિર્ણય કર્યો
માતાએ વધુમાં જણાવ્યું હતું એક જૂનો યાદગાર કિસ્સો આજે પણ યાદ આવે એટલે આંખ છલકાય જાય છે. દિવાળીનો સમય હતો, દર વર્ષે ફટાકડા પાછળ હજાર-બે હજાર ખર્ચાય જતા હતા. એ દિવાળીએ કેતને કહ્યું મમ્મી આ વખતે ફટાકડા નથી ફોડવા, બસ એ રૂપિયાથી ઘરની કોઈ વસ્તુ કે સ્ટેશનરી લઈ આવીશું બધાને કામ આવશે, એ જાણતો હતો કે ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી છે, એની સમજદારી જોઈ ખૂબ જ આનંદ થયો હતો. આજે ગર્વ અનુભવીએ છીએ.

કેતને પોતાના અને બહેનના નામનો લોગો પણ બનાવ્યો છે.
કેતને પોતાના અને બહેનના નામનો લોગો પણ બનાવ્યો છે.

ક્રિકેટ રમવાનું બંધ કરી પુસ્તક સાથે પ્રેમ કર્યો
દિનેશભાઇ શાહ (પિતા) એ જણાવ્યું હતું કે મને બે સંતાન છે દીકરી બહાર ગામ જ ભણે છે અને નાનો દીકરો સુરતમાં. અમે મૂળ રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી છીએ. પાર્લે બિસ્કિટના ડેપોમાં મેનેજર તરીકે કામ કરૂં છું. પત્ની ભાવના ઘરમાં સાડી પર લેસ પેટ્ટી લગાડી આર્થિક રીતે મદદરૂપ થાય છે. કેતનને સ્પોર્ટમાં ક્રિકેટ ખૂબ જ પસંદ હતું પણ અભ્યાસને લઈ એને ક્રિકેટ રમવાનું બંધ કરી પુસ્તક સાથે પ્રેમ કર્યો. અભ્યાસથી થાકે એટલે મ્યુઝિક સાંભળી લેતો અને એનાથી થાકે તો ચિત્રકામ કરવા બેસી માનસિક તણાવમાંથી મુક્ત થતો હતો. રોજ સવારે 4 વાગે ઉઠીને અભ્યાસ કરતો અને રાત્રે 12 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો. ઉપરાંત ટ્યુશને જઈ ડાઉટ ક્લિયર કરી લેતો હતો. એની માતા પ્રોત્સાહિત કરતી રહેતી હતી.

કેતન પરિવારનો એકનો એક દીકરો છે.
કેતન પરિવારનો એકનો એક દીકરો છે.

કેતનનું બિલ્ડર બનવાનું સપનું
વધુમાં જણાવ્યું હતું કે બહેન અંજલી સાથેનો પ્રેમ અને લગાવને લઈ કેતને અંજલી અને કેતન બન્ને નામ યાદગાર બને એ માટે અનિકેત નામનું ગ્રૂપ બનાવી એનો લોગો પણ બનાવ્યો હતો. હંમેશા કહેતો પપ્પા એક દિવસ મોટો બિલ્ડર બનીશ અને આ અનિકેત ગ્રૂપને ખ્યાતનામ બનાવીશ. આજે એવું લાગે છે બસ એ એના સ્વપ્નથી એક પગથિયું દૂર છે. અમે મધ્યમ વર્ગના છીએ એક એક પાઈ જોડીને દીકરા-દીકરીને ભણાવ્યા છે. બસ એમના સ્વપ્નમાં જ અમારી દુનિયા છે.