પ્રજાના પૈસે ભક્તિ!:મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા સુરત પાલિકાનો સવા લાખનો ધુમાડો, 24x48 ઇંચના એક ફોટા પાછળ 10 હજાર ખર્ચાશે!

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાસ 12 કમિટીના ચેરમેનની ઓફિસોમાં LED લાઇટવાળા ફોટા લગાવવા પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું
  • સામાન્ય રીતે આ સાઇઝના ફોટાનો ખર્ચ 5 હજાર જેટલો થતો હોવાનો અંદાજ
  • અધિકારીઓના ખર્ચની સત્તા છિનવી પણ પોતાના ખર્ચ પર અંકુશ નહીં

સુરત કોર્પોરેશને વિવિધ 12 કમિટીના ચેરમેનની ઓફિસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા લગાવવા માટે સવા લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. વિવિધ 12 કમિટીના ચેરમેનની ચેમ્બરમાં 24x48 ઈંચના એક ફોટો પાછળ રૂા.10 હજાર ખર્ચ કરાશે. પ્રજાના પૈસે ભક્તિ કરવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવા માટે જે ટેન્ડર બહાર પાડવાામાં આવ્યું છે તેની છેલ્લી તારીખ 17 જૂન નક્કી કરવામાં આવી છે. એલઈડી લાઈટ વાળો જે ફોટો બનાવવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે સ્પેસિફિકેશનવાળો ફોટો બજારમાં પાંચ હજારના ખર્ચે તૈયાર થાય તેવું એક વેપારીનું કહેવું છે.

બીજી તરફ, પાલિકાના અધિકારીઓ નાણાંનો દુરઉપોયગ કરશે તેવું કારણ આગળ ધરીને સ્ટેન્ડિંગ કમિટી લોકોને નડતી સમસ્યા દૂર કરવા ખર્ચ કરવાની સત્તા અધિકારીઓને સોંપવાની દરખાસ્ત નામંજૂર કરી દે છે. અગાઉ પણ ભાજપના હોદ્દેદારો દ્વારા આ જ પ્રકારે પ્રજાના પૈસે પોતાની ચેમ્બરોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા લગાવ્યા હોવાનું પાલિકાના અધિકારી સુત્રોનું કહેવું છે. સતત બીજી વખત આ પ્રકારે ફોટો લગાવવા માટે નાણાંનો વ્યય થઈ રહ્યો છે. જે ફોટો લગાવવા તૈયારી કરવામાં આવી છે તે ફોટા પણ સાદા નહીં પણ એલઈડી લાઈટવાળા લગાવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

આ 12 સમિતિઓના ચેરમેનની ઓફિસમાં ફોટો ફ્રેમ લાગશે
1. સ્થાયી સમિતિ
2. જાહેર બાંધકામ સમિતિ
3. પાણી સમિતિ
4. આરોગ્ય સમિતિ
5. સાંસ્કૃતિક સમિતિ
6. ગટર સમિતિ
7. કાયદા સમિતિ
8. હોસ્પિટલ સમિતિ
9. ગાડર્ન અને હાઉસિંગ સમિતિ
10. લાઈટ એન્ડ ફાયર સમિતિ
11. સલ્મ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ
12. ટાઉન પ્લાનિંગ સમિતિ

ફ્રેમની અંદર એલઇડી પણ લગાવાશે
જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ ફોટો ફ્રેમમાં એલઇડી પણ ફીટ કરવાની રહેશે અને પાવર સપ્લાય, સ્પોટ ફિટિંગ સહિતનો ખર્ચ પણ તેમાં સમાવિષ્ટ કરાયો છે.

આવા કોઈ તાયફા નહીં થવા દઈએ
જો આવી રીતના ભાજપના નેતાઓના ફોટાઓ પાછળ પાલિકા ખર્ચ કરશે અને પાલિકાના પૈસા રાજકીય રીતે વેડફવાનો તાયફો કરવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે. > ધર્મેશ ભંડારી, વિપક્ષ નેતા