જેલમુક્તિ:સુરતમાં PAAS નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં જેલ બહાર આવ્યો, હાર્દિક પટેલ સહિતના કાર્યકરોએ સ્વાગત કર્યું

સુરત3 મહિનો પહેલા
અલ્પેશ કથિરીયા જેલમુક્ત થતાં પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં.
  • 3 મહિનાથી લાજપોર જેલમાં બંધ અલ્પેશ કથિરીયા બહાર આવતાં કાર્યકરો ઉમટ્યાં
  • પાસના નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત રેલી યોજતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો

છેલ્લા ત્રણેક મહિનાથી લાજપોર જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથિરીયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. લાજપોર જેલ બહાર અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. લાજપોર જેલથી સ્વાગત થયા બાદ અલ્પેશ કથિરીયાએ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતાં. જ્યાં ભીડ વધુ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થયો હતો.

સરદારની પ્રતિમાને જેલ મુક્ત થઈ અલ્પેશે હાર પહેરાવ્યો તે વખતે દિનેશ બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સરદારની પ્રતિમાને જેલ મુક્ત થઈ અલ્પેશે હાર પહેરાવ્યો તે વખતે દિનેશ બાંભણીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જય સરદારના નારા સાથે સ્વાગત
જય પાટીદાર.. જય સરદારના નારા સાથે અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત થતાં જ વધાવી લેવાયો હતો. લાજપોર જેલમાંથી અલ્પેશ કથિરીયા સીધો વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતે પહોંચ્યો હતો. વાહનોના કાફલા સાથે વરાછા વિસ્તાર આવેલા અલ્પેશે સરદાર પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન લોજપોર જેલ અને મિનિ બજાર ખાતે મોટી સંખ્યામાં યુવકો હાજર રહેતા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યાં હતાં.

હાર્દિક પટેલ જામીન મુક્ત થયેલા અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યાં હતાં.
હાર્દિક પટેલ જામીન મુક્ત થયેલા અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યાં હતાં.

અમે સાથે મળીને લડ્યાં-હાર્દિક પટેલ
કોંગ્રેસ નેતા અને એક વખતે પાસના સર્વે સર્વા રહેલા હાર્દિક પટેલ પણ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે સુરત આવ્યાં હતાં. જેમણે કહ્યું હતું કે, અમારો મિત્ર અને સાથીદાર જેલમુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ હોય, હું તેના સ્વાગત માટે આવ્યો છું. સમાજ માટે ગરીબો માટેની લડાઈ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઈ કરવાની છે. જે આગામી સમયમાં પણ ચાલું રહેશે.

પાસની સાથે સાથે આપના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યાં હતાં.
પાસની સાથે સાથે આપના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યાં હતાં.

આપના નેતાઓ હાજર રહ્યા
લાજપોર જેલની બહાર કોંગ્રેસના હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરીયાના સ્વાગતમાં હાજર રહેવા માટેના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યાં હતાં. આમ આદમી પાર્ટીનો કોર્પોરેશનમાં જે બેઠકો મળી હતી. તે પાટીદાર વિસ્તારોમાંથી જ મળી છે. માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અલ્પેશ કથિરીયા સાથે નજીકના સંબંધ બનાવવા માંગે છે.

લાજપોર જેલ બહાર અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાજપોર જેલ બહાર અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અલ્પેશ કથીરિયા પર એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો
નોંધનીય છે કે, 21મીના ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસના આગેવાન અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. એ સાથે જ 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતાં અલ્પેશ કથિરીયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, હક્કની લડાઈ માટે લડત ચાલુ રહેશે.
અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, હક્કની લડાઈ માટે લડત ચાલુ રહેશે.

ફરિયાદના આધારે પોલીસે કરી હતી ધરપકડ
આ ઘટના અંગે જે-તે સમયે બી.ટી.એસ. કાર્યકરો પૈકી જેકીન સુમન વસાવાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે પાસના અલ્પેશ કથિરીયા સહિત 150થી 200ના ટોળા વિરુદ્ધ ધાડ, રાયોટિંગ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા, જેમાં પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી.

અલ્પેશ કથિરીયા પાસના કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.
અલ્પેશ કથિરીયા પાસના કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.

કોણ છે અલ્પેશ કથિરીયા?
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથિરીયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથિરીયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો છે.