ભાસ્કર એક્સક્લૂસિવશું ગોપાલ-અલ્પેશ વચ્ચે અત્યારથી જ ડખા?:ઈટાલિયાએ કહ્યું- PAASને અમારું ગમે તે બેઠક પર ચૂંટણી લડવા આમંત્રણ, કથીરિયાએ કહ્યું-AAPએ અમારો સંપર્ક કર્યો નથી!

સુરત19 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

વિધાનસભાની ચૂંટણીમાં સુરતને એપી સેન્ટર તરીકે માનવામાં આવી રહ્યું છે. સુરતના રાજકારણની સીધી અસર ગાંધીનગર જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ દેખાતી હોય છે. એને કારણે સુરતમાં બનેલા રાજકીય માહોલનો સીધો ફાયદો સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટી મળી શકે. જે પાર્ટીની હવા સુરત શહેરમાં હોય એ જ સૌરાષ્ટ્રમાં પણ મજબૂત થતી હોય છે. આ પ્રકારની રાજકીય પરિસ્થિતિ આપણે જોતા આવ્યા છે, પણ અત્યારે સુરતમાં પાટીદારોની સંસ્થા PAAS અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે જોડાણની વાતો વચ્ચે ડખા પડ્યાના સંકેતો વધુ દેખાઈ રહ્યા છે.

AAP અને PAAS પ્રમુખો વચ્ચે અહંનો ટકરાવ?
સુરતમાં પાલિકાની ચૂંટણીમાં AAPને સફળતા મળી છે એ પાટીદારોને કારણે મળી હોવાનું જગજાહેર છે. ત્યારે AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે અલ્પેશ કથીરિયાને AAPમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે, એ ગમે તે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, તેમનું સ્વાગત છે. જ્યારે અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે અમને કોઈ આમંત્રણ મળ્યું નથી અને અમારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.

PAASનો સાથ મેળવવો AAPની મજબૂરી બની
ગોપાલ ઇટાલિયા દ્વારા અલ્પેશ કથીરિયા સહિતના પાસના હોદ્દેદારોને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા માટેનું કહેવામાં આવ્યું છે તો પાસ કેમ આ બાબતને નકારી રહી છે? AAP દ્વારા PAASને આમંત્રણ આપવામાં આવ્યું નથી છતાં પણ ગોપાલ ઇટાલિયા જો કહેતા હોય કે અમે તેમને ચૂંટણી લડવા માટે આમંત્રણ આપી રહ્યા છે તો કઈ મજબૂરીમાં આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે? આ તમામ પ્રશ્નોનો જવાબ આગામી દિવસોમાં આવી જશે પરંતુ એક વાત ચોક્કસ છે કે સુરતમાં AAPને મજબૂત કરવા માટે પાસનો સહારો લેવો જરૂરી છે. બીજી તરફ પાસ પણ રાજકીય રીતે વધુમાં વધુ લાભ કયા પક્ષ તરફથી મળી શકે છે એને લઈને સમયની રાહ જોઈને બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...