સુરતના મુલચંદ માર્કેટમાં ઓફિસ ધરાવતા અશ્વનીકુમાર રોડના ગ્રે કાપડ પર જોબવર્ક કરતા વેપારીને રૂ.29.82 લાખનું બાકી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરી હતી. અવધ માર્કેટમાં દુકાન ધરાવતો રખિયાની પરિવાર દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. જેથી વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કુલ રૂ.29,81,696નું જોબવર્ક કરાવ્યું હતું
સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ભરતકુમાર ચંપકલાલ માયવાલા અશ્વનીકુમાર રોડ પટેલનગરની સામે ગ્રે કાપડ ઉપર જોબવર્કનું કામ કરે છે. તેમની ઓફિસ રીંગરોડ મુલચંદ માર્કેટમાં આવેલી છે. તેમની પેઢીનું એકાઉન્ટનું કામ કરતા સીએ મનદીપ ચોક્સીએ એપ્રિલ 2019માં ફોન કરી લાલબહાદુર રામ રખિયાની ઉર્ફે લાલુભાઇને તેમની ઓફિસે મોકલ્યા હતા. ન્યુ બોમ્બે માર્કેટ નજીક અવધ માર્કેટમાં પુત્રી જાગૃતિના નામે જે.આર.ફેશન નામથી સાડીનો વેપાર કરતા લાલબહાદુર રામ રખિયાની અને તેમના પુત્ર મોહિતે 16 ઓક્ટોબર 2020થી 26 જુલાઈ 2021 દરમિયાન કુલ રૂ.29,81,696નું જોબવર્ક કરાવ્યું હતું.
ફોન પર સંપર્ક કરતા ધમકી આપી
રખિયાની પરિવારે પેમેન્ટ પેટે આપેલા ચેક રિટર્ન થયા હતા. આથી ભરતકુમારે તેમની દુકાને જઈ તપાસ કરી તો તેમની દુકાન બંધ થઈ ગઈ હતી. તેમનો ફોન પર સંપર્ક કરતા તેમણે ધમકી આપી હતી અને બાદમાં તેમનો ફોન પણ બંધ થઈ ગયો હતો. આ અંગે ભરતકુમારે કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે રખિયાની પરિવાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.