સુરતએ મીની ભારત તરીકે જાણીતું છે. અહીં દેશના તમામ રાજ્યના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં રોજેરોટી માટે આવતા હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા દસ પંદર વર્ષમાં યુપી અને બિહારના લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રોજી રોટી મેળવવા માટે આવેલા આ પરિવારો વાર તહેવારે પોતાના વતન તરફ જતા હોય છે જેને કારણે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમયે મુસાફરોનો જબરજસ્ત ઘસારો જોવા મળતો હોય છે અને ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે.
મુસાફરોને ભારે હાલાકી
હોળીનો તહેવાર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હિંદુ શાસ્ત્રમાં જે પ્રમાણે મથુરા અને વૃંદાવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે મુજબ ભગવાન કૃષ્ણની ભૂમિ ઉપર આ તહેવારની ખૂબ જ મોટા પાયે અને ભવ્ય ઉજવણી થતી હોય છે.યુપીથી સુરત આવેલા પરિવારો હોળીના સમય દરમિયાન પોતાના વતને જાય છે.પરંતુ અન્ય લોકો પણ મથુરા અને વૃંદાવનની હોળી જોવા માટે હોળીના તહેવાર દરમિયાન જતા હોય છે. પરિણામે સુરત રેલ્વે સ્ટેશન ઉપર હોળીના સમય દરમિયાન હાલ થોડા દિવસોથી સતત મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
ટ્રેનની કેપેસિટી કરતાં વધારે મુસાફરો
હોળીના તહેવાર દરમિયાન યુપી અને બિહારમાં ઉજવણીનો માહોલ જોવા મળતો હોય છે. રોજેરોટી મેળવવા આવેલા પરિવારો પોતાના વતન જઈને તહેવારની ઉજવણી કરતા હોય છે. સુરતથી યુપી બિહાર જવા માટેની જે ટ્રેનો છે તેના કરતાં મુસાફરોની સંખ્યા વધારે જોવા મળી રહે છે. આજ વર્ષે નહીં પરંતુ દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન આ પ્રકારનો માહોલ સુરત રેલવે સ્ટેશન ઉપર જોવા મળતો હોય છે જે કોચમાં મુસાફરોની કેપેસિટી હોય છે. તેના કરતાં બમણા મુસાફરો કોચમાં બેસતા હોય છે. એક પ્રકારે કહીએ તો સુરત રેલ્વે સ્ટેશન ઉપર અફરાતફરી જોવા માહોલ તહેવાર દરમિયાન જોવા મળે છે. મહિલા વૃદ્ધો અને નાના બાળકો સાથે જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધારાની બે થી ત્રણ ડેઇલી ટ્રેન ચાલુ કરવાની જરૂરિયાત
અનુપ રાજપૂતે જણાવ્યું કે ભરૂચથી લઈને વાપી સુધીમાં અંદાજે 20 લાખ જેટલા યુપીવાસીઓ રહે છે. યુપીવાસીઓ વાર-તહેવારે તેમના વતન તરફ જતા હોય છે. ત્યારે તેમના માટે જોઈએ તેવી સુવિધા અત્યાર સુધીમાં ઊભી કરવામાં આવી નથી. ખાસ કરીને માત્ર એક તાપ્તિ ગંગા ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે અને બીજી તરફ મુસાફરોની સંખ્યા ખૂબ વધારે છે. માત્ર વિકલી ટ્રેનોના સહારે મુસાફરો પોતાના વતન તરફ જાય છે તેને કારણે ભારે મુશ્કેલ થાય છે. યુપીવાસીઓની સંખ્યા જો 20 લાખ જેટલી હોય અને તેની સામે ડેઇલી એકમાત્ર ટ્રેન તાપ્તિ ગંગા હોય તો શું સ્થિતિ થાય છે તે આપણે ભૂતકાળથી જોતા આવ્યા છે પરંતુ હજી સુધી તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. અમે જ્યારે શરૂઆતમાં રજૂઆત કરતા ત્યારે રેલવેના અધિકારીઓ કહેતા હતા કે ભુસાવલ લાઇન ઉપર કામ ચાલી રહ્યું હોવાને કારણે વધારાની ટ્રેનો દોડાવી શકાતી નથી, પરંતુ કામ પૂર્ણ થતાની સાથે જ ટ્રેનો દોડાવવાનું શરૂ કરાશે. તેને પણ ઘણો સમય પહેલા કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ હજી સુધી કોઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવી નથી. જેને કારણે હોળી જેવા તહેવારોમાં મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવેના અધિકારીઓની તાનાશાહી
અજય સિંહ રાજપૂતે જણાવ્યું કે વારંવાર રેલવે વિભાગને રજૂઆત કરવા છતાં પણ રેલવે વિભાગ જડ વલણ અપનાવે છે. ગરીબ અને મધ્યમ પરિવાર માટે હોળીના તહેવારે પોતાના વતન જવા માટે એકમાત્ર માધ્યમ રેલવેને માની શકાય છે. પોતાના ખર્ચે પોતાના પ્રાઇવેટ વ્હીકલમાં આ ગરીબ અને મધ્યમ વર્ગ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં તહેવારને ધ્યાનમાં રાખીને ટ્રેનો રદ કરવાને બદલે ટ્રેનને ડાયવર્ટ કરીને પણ દોડાવવી જોઈએ. પરંતુ રેલવે તંત્ર પોતાની મનમાની કરી રહ્યું છે અને તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો પીસાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.