સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોની અંદર વોટર મીટર મૂકવાનું શરૂ કરાયું છે. છેલ્લા ઘણા સમયથી વોટર મીટર શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુકવાના શરૂ થયાં છે. વોટર મીટરનો જે ચાર્જ લેવામાં આવે છે, સાથે જ વેરા બીલમાં પણ પાણીનો વેરો ચૂકવાનો આવતો હોવાનું જણાવતાં સ્થાનિકોએ વિરોધ કરી રહ્યાં છે. જેથી વરાછા વિસ્તારની સરિતા વિહાર સોસાયટીની મહિલાઓ એકત્રિત થઈને સુરત મહાનગરપાલિકાની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
સુવિધા નહી વેરો જ વધારાય છે
નયનાબેન રામાણીએ જણાવ્યું કે, અગાઉ પણ કોર્પોરેશનના અધિકારીઓએ અમારી સોસાયટીની અંદર વોટર મીટર મૂકવા માટે આવ્યાં હતાં. ત્યારે પણ અમે વિરોધ નોંધાવ્યો હતો. અત્યારે મીટર થકી જ પાણી ઉપર ચડાવવામાં આવે છે. તેનું બિલ પણ આવે છે, અને બીજા પાણીનો વેરો પણ અમે ચૂકવી રહ્યા છીએ. અમારા તરફથી વેરા ચૂકવવામાં આવી રહ્યાં છે. વોટર મીટર મૂકાવાની કોઈ જરૂરિયાત હાલ જણાતી નથી. જે સુવિધાઓની જરૂરિયાત છે, તે આપતા નથી અને બીજી વેરા વધારવાનું સામે ચાલીને આપવા આવી રહ્યું છે.
વિરોધ કરવામાં આવશે
રણજીત જીવાણીએ જણાવ્યું કે, અમારી સોસાયટીમાં શા માટે તેઓ પાણીના મીટર મૂકી રહ્યા છે. તમામ સુવિધા તો અડાજણ વિસ્તારમાં આપી રહ્યા છે. ત્યાં જઈને પહેલા વોટર મીટર મૂકવાની શરૂઆત કરવી જોઈએ. મોટા વરાછા અને વરાછા વિસ્તારની અંદર જ શા માટે વોટર મીટર મૂકવામાં આવે છે. સોસાયટીના રહીશો ના પાડે છે. છતાં, પણ વોટર મીટર મૂકવામાં આવી રહ્યા છે. જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આગળ પણ અમે વિરોધ કર્યો હતો અને હવે ફરીથી આવશે તો પણ એનો ઉગ્ર વિરોધ થશે.
અગાઉ પણ વિરોધ થયો હતો
વોટર મીટરને લઈને શહેરમાં ભૂતકાળમાં પણ અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર કેટલાક વિસ્તારોમાં નખાવવાના શરૂ છે. સરિતા વિહાર સોસાયટીમાં કોર્પોરેશન વોટર મીટર મૂકવા જતી વખતે લોકોએ તેનો વિરોધ કર્યો હતો, અને પોતાની સોસાયટીમાં વોટર મીટરની કોઈ જરૂરિયાત ન હોવાનું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.