કોરોનાની ત્રીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે ત્યારે હોસ્પિટલોમાં અગાઉની બે લહેરોમાં હોસ્પિટલોનાં બિલને લઇને થયેલાં વિવાદ બાદ તમામ કેસ ગ્રાહક કોર્ટમાં પહોંચી રહ્યા છે. કોર્ટમાં આવતા 40 ટકાથી વધુ કેસ વીમા કંપનીઓની આડોડાઇના છે અને તેમાં સર્વાધિક કેસ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને હોસ્પિટલોએ આપેલાં લાંબાલચક બિલ અને વીમા કંપનીએ તે બિલની ચૂકવણીથી કરેલા ઇન્કારના છે.
આ અંગે એડવોકેટ શ્રેયસ દેસાઇ કહે છે કે, સમગ્ર રાજ્યમાં જે વકીલો ગ્રાહક કોર્ટના કેસ લડે છે તે પૈકીના કેટલાક વકીલો સાથે થયેલી વાતચીતમાં એ વાત સપાટી પર આવી છે કે, છેલ્લા એક દોઢ વર્ષમાં સર્વાધિક કેસ કોરોના અંગેના જ આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો આ રેશિયો 40થી 60 ટકા છે. સમગ્ર રાજ્યમાં 1 વર્ષમાં આવા 7500 કેસ દાખલ થયા છે, જેમાં સર્વાધિક 2700 અમદાવાદના, સુરતના 1900, વડોદરાના 1500 અને રાજકોટના 850 કેસ છે. કોરોના અગાઉ આ સંખ્યા હાલ કરતાં 40 ટકા ઓછી હતી.
એડિશનલ-સિટી મળીને વડોદરામાં 1500 અને રાજકોટમાં 850 કેસ
વર્ષ 2021 દરમિયાન જિલ્લા કમિશનમાં દાખલ થયેલાં કેસ પર નજર નાંખીએ તો કુલ 9 કોર્ટમાં 7596 કેસ દાખલ થયા હતા, જેમાં અમદાવાદ સિટી અને એડિશનલ મળીને 2700 કેસ, જ્યારે સુરત એડિશનલ અને સિટી મળીને 1900, વડોદરાની એડિશનલ અને સિટી મળીને 1500 કેસ, રાજકોટમાં કુલ 850 કેસ દાખલ થયા હતા.
રાજ્યની કેટલીક કોર્ટમાં આવા કેસનો રેશિયો 60 ટકાથી વધુનો
ગત વર્ષ કરતા કેસની સંખ્યા 40થી 50 ટકા વધુ છે. તેમાં પણ કોરોનાના કેસ વધુ છે. જિલ્લા ફોરમમાં દાખલ થયેલા કેસ પૈકી મોટાભાગના અંદાજે 40થી 60 ટકા કેસ વીમા કંપનીના છે. એડવોકેટ શ્રેયસ દેસાઇ કહે છે કે, સરકારી ગાઈડલાઇન મુજબનાં બિલ જ ચૂકવાયાં છે. ક્લેઇમમાં માંગેલી રકમની આડેધડ બાદબાકી કરાઈ છે.
વીમા કંપનીએ 2 લાખ કાપીને વીમો પાસ કર્યો: અડાજણ રહેતા દર્દી
આ અંગે એડવોકેટ સોનલ શર્મા કહે છે કે, અડાજણ રહેતા એક દર્દીને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તેને સારવારના નામે 5 લાખનું બિલ પકડાવી દેવાયું હતું, જેમાં પીપીઇ કિટ ઉપરાંત ગ્લોવ્ઝનો ચાર્જ પણ લાગવી દેવાયો હતો. વીમા કંપનીએ 2 લાખ કાપીને વીમો પાસ કર્યો.
બિલોમાં એમ્બ્યુલન્સ અને ઓક્સિજન ચાર્જ પણ તોતિંગ
ડોકટર દિવસમાં જે કિટ પહેરીને જેટલા દર્દીઓને મળે એ તમામે પીપીઇ કિટનો ચાર્જ ચૂકવવાનો, ગ્લોવ્ઝ બાબતે પણ આવું જ છે. સરકારે જે ચાર્જ નક્કી કર્યા હતા તેનાથી વધુ બિલ થાય તો પણ રદ કરી દેવાયાં છે. એમ્બ્યુલન્સના ચાર્જ પણ તોતિંગ છે. ઓક્સિજન બાબતે પણ આ જ સ્થિતિ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.