અંગદાનથી માનવતા મહેકી:સુરતમાં અકસ્માત બાદ બ્રેઈન ડેડ ધોરણ-12ના બે મિત્રોના હૃદય સહિતના અંગોનું દાન, 12-12 વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત2 મહિનો પહેલા
  • સુરતથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને ક્રિશના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ
  • સુરતથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ
  • CRPFમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની હોસ્પિટલમાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ

સુરતમાં ગત 24 ઓગસ્ટના રોજ વેસુ કેનાલ રોડ પર જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસે મોપેડ પર જતા શારદાયતન સ્કૂલના ઘોરણ 12 કોમર્સના બે વિદ્યાર્થી મિત્રોને એક કારચાલકે ઉડાવી દીધા હતા. આ બંને વિદ્યાર્થીઓનાં પિપલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના બ્રેઈનડેડ મીત કલ્પેશકુમાર પંડ્યા અને સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ ક્રિશ સંજયકુમાર ગાંધી પરિવારના 18 વર્ષીય બે મિત્રોના પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વહાલસોયા દીકરાઓની કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓના દાન કરી બાર-બાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે 13 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના છે.

ઘટના શું હતી?
મૃતક ક્રિસ ગાંધીનો 23મીએ જન્મ દિવસ હતો, જેથી મિત્રોને પાર્ટી આપવા માટે તેના બાળપણના મિત્ર મીત સાથે વીઆઇપી રોડની એક રેસ્ટોરાંમાં ગયો હતો. મિત્રોને હોટેલમાં જન્મદિવસની પાર્ટી આપી બંને ઘર તરફ રિટર્ન થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મોતને ભેટેલા વિદ્યાર્થીઓમાં એકનું નામ ક્રિશ સંજય ગાંધી(18)(રહે,બેગમપુરા,ચેવલીશેરી) અને બીજાનું નામ મીત પંડયા(18)(રહે, ઉધના દરવાજા) છે. મીત પરિવારમાં એકનો એક દીકરો હતો, જેના પિતા કેટરીંગનું કામ કરે છે, જ્યારે ક્રિસને એક ભાઈ છે અને પિતા ફરસાણનો ધંધો કરે છે. પોલીસે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. ભાગી છૂટેલો ક્રેટા કારનો માલિક સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસીડન્સીમાં રહે છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ કરતાં કાર કાપડ વેપારી સુરેશની હતી, જેને ડ્રાઇવર રિઝવાન શેખ ચલાવતો હતો. પોલીસે રિઝવાનની ધરપકડ કરી હતી.

પરિવારજનોએ દીકરાને સલામી આપી.
પરિવારજનોએ દીકરાને સલામી આપી.

પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો
નિદાન માટે સીટી સ્કેન કરાવતા મીતને બ્રેઈન હેમરેજ તેમજ ક્રિશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.જૈનીલ ગુરનાનીએ ક્રેનીઓટોમી કરી ક્રિશના મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. અકસ્માતમાં બંનેને બ્રેઇન હેમરેજ થઈ જતાં પરિવારજનોએ બંને દીકરાઓનાં કિડની, લિવર, આંખો સહિતના અંગોનું દાન કર્યું હતું. અંગદાન કરી બંને વિદ્યાર્થીઓ અન્યોને જીવતદાન આપતા ગયા હતા. મોડીરાતે અંગોને લઈ જવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો હતો.

એક મિત્ર પરિવારનો એકનો એક દીકરો હતો.
એક મિત્ર પરિવારનો એકનો એક દીકરો હતો.

ફેફસાં હૈદરાબાદ અને હૃદય અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ
સુરતથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને ક્રિશના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી CRPFમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેઓ છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લીટર ઓક્સિજનના સપોર્ટ ઉપર હતા. સુરતથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેવાસી 21 યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ક્રિશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલમાં કરવામાં આવશે.

ફેફસાં અને હૃદય માટે ગ્રીન કોરીડોર બનાવાયો હતો.
ફેફસાં અને હૃદય માટે ગ્રીન કોરીડોર બનાવાયો હતો.

ગુજરાતમાંથી હૃદયદાનની આ 45મી ઘટના
ગુજરાત રાજ્યમાંથી હૃદયદાનની આ 45મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ 35મી ઘટના છે. જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત માંથી દસ જોડ ફેફસાંના દાન કરાવવામાં આવ્યા છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા નવ જોડ ફેફસાંના દાન કરાવવામાં આવ્યા છે. જેમાંથી 8 ફેફસાં ચેન્નાઈ, 4 ફેફસાં મુંબઈ, 2 ફેફસાં બેંગ્લોર અને 4 ફેફસાં હૈદરાબાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 400 કિડની, 167 લિવર, 8 પેન્ક્રીઆસ, 35 હૃદય, 18 ફેફસાં અને 302 ચક્ષુઓ કુલ 928 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 852 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.