લગ્નને 3 વર્ષ થવા છતાં સંતાન ન થતા દંપતિ પૈકી પત્નીએ નાનપુરામાં ગાયનેકોલોજિસ્ટને બતાવવા ગઈ હતી, જ્યાં ડોકટરની ભૂલના લીધે મહિલાની તબિયત વધુ બગડી હતી, છેવટે મુંબઇ સારવાર કરાવ્યા બાદ તબિયત સુધરી હતી.
આ કેસમાં ડોકટરની બેદરકારી બદલ સુરત કમિશનમાં ફરિયાદ થતા ડોકટરને વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. મહિલા તબીબે ચુકાદાને રાજય કમિશનમાં પડકાર્યો હતો જ્યાં પણ ચુકાદો મહિલા દર્દીની ફેવરમાં આવતા 7 લાખ ચૂકવવાનો આદેશ કરાયો હતો. વર્ષ 2006માં સિટી લાઇટમાં રહેતા અંકિતા (નામ બદલ્યુ છે)ના લગ્નને 3 વર્ષ થવા છતાં સંતાન ન થતા નાનપુરામાં ગાયનેકોલોજિસ્ટ પાસે ચેકઅપ કરાવ્યું હતું.
જ્યાં ડોકટરે લેપ્રોસ્કોપી કર્યા બાદ મહિલાની તબિયત બગડી હતી. ડોકટરે આશ્વાસન આપ્યું કે સારુ થઈ જશે પણ તેમ છતાં સતત તાવ આવતા મુંબઇ સારવાર કરાવતા ત્યાંંના ડોકટરોએ ફરિયાદીને સેપ્સીસ અને એઆરડીએસ હોવાનું નિદાન કર્યું હતુ. 18 દિવસની સારવાર બાદ સુરત આવી નાનપુરાના તબીબ સામે કોર્ટ કેસ કર્યો હતો.
સુરત કમિશનના આદેશને વડી અદાલતે માન્ય રાખ્યો
વકીલે દલીલ કરી કે, ડોકટરે બ્લડ કલ્ચર ટેસ્ટ કર્યો ન હતો. જે ગંભીર બેદરકારી હતી. ફરિયાદીને 7 લાખ વળતર પેટે ચૂકવી આપવાની દલીલ કરાઈ હતી. કોર્ટે દલીલ માન્ય રાખી 7 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. આ આદેશને ડોકટરે રાજયની વડી અદાલતમાં પડકાર્યો હતો. જ્યાં પણ અગાઉનો હુકમ જાળવી રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.