આદેશ:RTE મુદ્દે લઘુમતિ શાળાઓને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTEના દાયરામાં આ‌વતી ન હોવાથી કેટલીક શાળાઓ લઘુમતિ હોવાનું કહી પ્રવેશ આપતી નથી

ગરીબ મધ્યમ વર્ગના બાળકોને લઘુમતિ શાળા હોવાનું કહીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ નહીં આપવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી હતી. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા લઘુમતિ શાળા સંચાલકોને લઘુમતિનો દરજ્જો મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર સાત દિવસની અંદર રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગરીબ અને નબળા વર્ગના બાળકોને પોતાની પસંદગીની શાળામાં સારો અભ્યાસ કરવા મળે તે માટે રાજ્ય સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અમલી બનાવ્યો છે. જોકે, લઘુમતિ શાળાઓ આ કાયદામાંથી બાકાત રખાઈ છે.

જેથી આવી શાળાઓમાં આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ અપાતો નથી. ઘણી શાળાઓ લઘુમતિ શાળા હોવાનું જણાવી આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ આપતી ન હોવાની કેટલીક ફરિયાદો ઉઠી રહી છે. જોકે, તેમની પાસે લઘુમતિ શાળાના દરજજા માટેનું પ્રમાણપત્ર નહીં હોવાની વાલીઓની ફરિયાદ છે. જેને ધ્યાને લઇને ડીઈઓએ એક પરિપત્ર જારી કરીને તમામ લઘુમતિ શાળાઓને તેઓ લઘુમતિની વ્યાખ્યામાં આવતા હોવાનું પ્રમાણપત્ર તેમજ લઘુમતિનો દરજ્જો મેળવ્યો હોય તેના પ્રમાણપત્ર સહિતના પુરાવા સાત દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...