ભારતના 22થી વધુ રાજ્યોમાંથી આવેલા વિવિધ હસ્ત અને શિલ્પકલાકારો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓના ત્રિ-દિવસીય 'ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-2022'ને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેને પટેલે ખુલ્લું મૂકયું હતું. સુરતના આંગણે સાયન્સ સેન્ટર-સિટીલાઈટ ખાતે તા.4 થી 6 માર્ચ દરમિયાન સવારે 10.00 થી સાંજના 8.00 વાગ્યા દરમિયાન ભારતભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા 50થી વધુ સ્ટોલોમાં આર્ટ અને ક્રાફ્ટની ચીજવસ્તુઓ વાંસ, લેધરમાંથી બનાવેલી અવનવી વસ્તુઓ, સુશોભન માટેની વસ્તુઓ, સિલ્ક-કોટન સાડી, વાર્લી પેઈન્ટિંગ, કચ્છી ભરતકામ, ખાખરા જેવી અનેક ચીજવસ્તુઓ પ્રદર્શન તથા વેચાણ માટે ઉપલબ્ધ છે.
ટીબી પીડિત બાળકોને દત્તક લેવા અનુરોધ કરાયો
આ પ્રસંગે રાજયપાલ આનંદીબેન પટેલએ જણાવ્યું હતું કે, દેશભરના અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા હસ્તકલાકારોને પોતાની વસ્તુઓના વેચાણ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું છે. આજના આધુનિક યુગ અનુસાર ચીજવસ્તુઓ તૈયાર કરીને આધુનિકતાની સાથોસાથ પરંપરાગત હુન્નરને પણ જીવંત રાખ્યો છે એમ જણાવી સૌ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દરેક કલાકારોને સ્વચ્છતાના સંદેશ સાથે ગામ, મહોલ્લાને સ્વચ્છ રાખીને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના સ્વપ્નને સાકાર કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સુરતના હીરાઉદ્યોગકારોને શહેરના ટીબી પીડિત બાળકો-નાગરિકોને દત્તક લઇને ટીબીમુકત શહેરના સંકલ્પને સિદ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો.
25 હજારથી વધુ કલાકારો જોડાયા છે
આ અવસરે ક્રાફટ એક્ઝિબિશનના આયોજક અનાર પટેલે જણાવ્યું હતું કે, ભારતભરના આર્ટ એન્ડ ક્રાફ્ટ હુન્નરબાજોમાં છુપાયેલા હુન્નરને યોગ્ય દિશા મળે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા સાથે 25 હજારથી વધુ કલાકારો જોડાયેલા હોવાનું જણાવીને અલગ અલગ રાજયોમાં પ્રદર્શન દ્વારા કલાકારોને આર્થિક પીઠબળ અને કલાને પ્રોત્સાહન મળી રહે તેવી સંસ્થાની વિશેષ પ્રવૃત્તિઓ અંગેની વિગતો આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.