તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતનું જમણ:ચોમાસાની શરૂઆત સાથે કેરીના રસ સાથે ખવાતા સરસીયા ખાજાની ડિમાન્ડમાં વધારો, મેંગો, ચોકલેટ, મીઠા ખાજા લોકોની પહેલી પસંદ

સુરત3 મહિનો પહેલા
ચોમાસામાં ખાજા ખાવા માટે લોકો ઉમટી પડે છે.
  • ગત વર્ષે કોરોનાના કારણે સરસીયા ખાજા બનાવતા કારીગરોને અછત વર્તાય હતી
  • કેરીગાળો કરવાની સિઝનને સરસીયા ખાજાએ અનોખી ફ્લેવર પણ આપી

ફળોના રાજા કેરીના રસ સાથે સુરતી ખાજા ન ખાવાય તો કેરીગાળો જ ન કહેવાય, અસ્સલ સુરતીઓમાં આ કહેવત લગભગ 100 વર્ષ જૂની છે ને ચોમાસું શરૂ થતા જ સ્વાદ રસિયા સુરતીઓની લાંબી કતારો સરસીયા ખાજાના પરંપરાગત વિક્રેતાઓને ત્યાં જોવા મળે છે. ગયા વર્ષે કોરોનાના કારણે સરસીયા ખાજા બનાવતા કારીગરોને અછત વર્તાય હતી પરંતુ, આ વર્ષે તો કારીગરો પણ પર્યાપ્ત મળી રહેતા સુરતીઓ હવે કેરીના રસ સાથે સરસીયા ખાજાની જયાફતો ઉડાવી રહ્યા છે. અસ્સલ સુરતી પરિવારોમાં નજીકના સ્નેહી, સગાસંબંધીઓને કેરીગાળો કરવાની સિઝનને સરસીયા ખાજાએ અનોખી ફ્લેવર પણ આપી છે. આજે મેંગો, ચોકલેટ, મીઠા ખાજા લોકોની પહેલી પસંદ બન્યા હોય એમ કહી શકાય છે.

ગત વર્ષે સિઝન ફિક્કી ગઈ હતી
હરીશ કાનજીભાઈ જોશી (ફરસાણ વિક્રેતા) એ કહ્યું હતું કે, સુરતમા વરસાદી ઝાપટા શરૂ થતાંની સાથે જ અસ્સલ સુરતી પરિવારોએ ફરસાણની દુકાનવાળાઓને સ્પેશિયલ સરસીયા ખાજાના ઓર્ડર આપવાના શરૂ કરી દીધા છે. ભાગળ પરના સુપ્રસિદ્ધ ફરસાણના વિક્રેતા કહે છે કે ગયા વર્ષે કોરોનાને કારણે સીઝન ફિક્કી ગઇ હતી પરંતુ, આ વખતે સુરતીઓ અસ્સલ મિજાજમાં જોવા મળી રહ્યા છે ને પહેલા જ અઠવાડીયામાં સારો ઓર્ડર મળ્યો છે.

ખાજા આજે પણ સુરતના લોકો માટે ફેવરીટ
હરીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની પેઢી સુરતમાં બાપ-દાદાના વખતથી ફરસાણના જૂના અને જાણિતા વિક્રેતા છે. ખાજા આજે પણ સુરતના લોકો માટે ફેવરીટ વાનગી છે, ખાજાનું મૂલ્ય અન્ય કોઇ વાનગી લઇ ન શકે, આજે રૂ. 350 થી શરૂ કરીને રૂ. 500 પ્રતિ કિલોના ખાજા સુરતમાં વેચાય રહ્યા છે. મેંદામાંથી બનતી વાનગી હોવા છતાં આજે પણ સુરતના લોકોમાં ચોમાસાના આરંભે પરિવારમાં ખાજા ખાવાનું ચૂકતા નથી.

સુરતીઓ કેરીના રસ સાથે સરસીયા ખાજાની જયાફતો ઉડાવી રહ્યા છે.
સુરતીઓ કેરીના રસ સાથે સરસીયા ખાજાની જયાફતો ઉડાવી રહ્યા છે.

અસ્સલ સુરતી ખાજા મેંદામાંથી બને છે
હરીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં પહેલો વરસાદ થતાંની સાથે જ સરસીયા ખાજા કેરીના રસ સાથે ખવાઈ રહ્યાં છે. અનેક સુરતીઓ સવાર સાંજના નાસ્તામાં પણ ખાજાનો પ્રયોગ કરી રહ્યા છે. અસ્સલ સુરતીઓ ખાજા ઉપર લિંબુ નીચોવીને ખાવાના પણ શોખીન છે અને તેની જયાફત ઉડાડવામાં સહેજ પણ કચાશ રાખતા નથી. અસ્સલ સુરતી ખાજા મેંદામાંથી બને છે અને તેમાં મરી, જીરુ, હળદર, મીઠું વગેરે તેના સ્વાદને આકર્ષક બનાવે છે.

ખાજા હાથથી જ બનાવવામાં આવે છે.
ખાજા હાથથી જ બનાવવામાં આવે છે.

ખાજા અલગ-અલગ ફ્લેવર મળતા થયા
હરીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સરસીયા ખાજાએ સુરતીઓની પોતિકી નમકીન વાનગી ગણાય પરંતુ, હવે જેમ જેમ સુરતની પેઢીઓ બદલાતી આવી તેમ તેમ આ વાનગીમાં પણ ટ્વીસ્ટ આવ્યો અને આજકાલ મેંગો ખાજા, ચોકલેટ ખાજા, મીઠા ખાજા, સૌરાષ્ટ્રમાં જે મળે છે એ સાટા જેવા ખાજા વગેરે અલગ અલગ ફ્લેવરમાં પણ ખાજા મળી રહ્યા છે. ઘણા સુરતના લોકોને આશ્ચર્ય થાય છે કે તેમણે ચારેય ખાજા મીઠા હોવાની કલ્પના કરી નહતી, કેમકે ખાજા ચટાકેદાર, તીખા તમતમતા જ ખાવાની મજા આવે, પણ હવે લોકો મીઠા ખાજાની પણ એટલી જ ડિમાન્ડ કરી રહ્યા છે.

રૂ. 350થી શરૂ કરીને રૂ. 500 પ્રતિ કિલોના ખાજા સુરતમાં વેચાય રહ્યા છે.
રૂ. 350થી શરૂ કરીને રૂ. 500 પ્રતિ કિલોના ખાજા સુરતમાં વેચાય રહ્યા છે.

2-5 ટકા લોકો જ સરસીયા ખાજા ખાસ ઓર્ડર આપીને બનાવે છે
હરીશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ ભલે સરસીયા ખાજાના નામથી લોકો વાનગી ખરીદતા હોય, હકીકતમાં માંડ 2-5 ટકા લોકો જ સરસીયા ખાજા ખાસ ઓર્ડર આપીને બનાવે છે. આજના જમાનામાં મેંદો અને સરસીયા તેલની વાનગી પચવી અઘરી છે એટલે આજકાલ મોટા ભાગના ફરસાણ વિક્રેતાઓ એડિબલ ઓઇલ કે સિંગતેલમાંથી જ ખાજા બનાવે છે અને તેને સરસીયા ખાજા તરીકે જ વેચાણ કરી રહ્યા છે. હકીકતમાં સરસીયા ખાજા ચાળીસેક વર્ષો પહેલાંની પરંપરા અનુસાર ફક્ત સરસીયા તેલમાંથી જ બનતા હતા.

પહેલાં સરસીયા ખાજા સરસીયાના તેલમાં જ બનતા હતા.
પહેલાં સરસીયા ખાજા સરસીયાના તેલમાં જ બનતા હતા.

સરસીયા ખાજાની રેસિપિ
સૌપ્રથમ મેંદાને પ્રમાણ સર તેલમાં શેકી કાઢો, શેકાઈ ગયેલા મેંદામાંથી બબુલ (પરપોટા) નીકળતા થાય એટલે મેંદો એક થાળીમાં લઇ ઠંડો કરવા મૂકી દો, ત્યારબાદ તેમાં તેલ અને પાણી (પ્રમાણ સર) નાખી હલાવતા રહો અને થોડી હળદર નાખી ફરી હલાવો એટલે લોટ બંધાય જશે. ત્યારબાદ તેમાં જીરું, મરી અને મીઠુંના મિક્સચરવાળી નાખેલી પેસ્ટ નાખી ફરી હલાવતા રહો, ત્યારબાદ લુવા(નાના પીડાં) કરો એ પણ એક માપના એટલે 250 ગ્રામમાં 3-4 ખાજા થાય એ સાઈઝના લુવા પાડો, પછી તેને પુરીની સાઇઝ જેટલા હાથમાં લઈ આકાર આપો અને તેના પર આંગળીઓ વડે કાણા પાડો અને એક તાપમાનથી ગરમ તેલમાં નાખી તળી નાખો એટલે ખાજા તૈયાર.