• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Only Those Working For Organ Donation In Surat Donated Organs, Donated Kidneys, Liver And Eyes And Gave New Life To Five

ઓર્ગન ડોનેશન:સુરતમાં અંગદાન માટે કામ કરનારે જ અંગોનું દાન કર્યુ, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરી પાંચને નવી જિંદગી આપી

સુરત5 મહિનો પહેલા
અકસ્માત બાદ પરિવારજનોએ સહમતી આપતા અંગદાન શક્ય બન્યું હતું.
  • અંગદાન માટેની ડોનેટ લાઈફ સંસ્થાના સ્વયંસેવકના અકસ્માત બાદ અંગોના દાન કરાયા
  • સુરતથી 274 કિલોમીટર દૂર અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરીને અંગદાન કરવામાં આવ્યું

દેશભર માટે પ્રેરણારૂપ સુરતમાંથી અંગદાનનો પ્રવાહ સતત વહિ રહ્યો છે. ત્યારે સુરતમાંથી અંગદાન માટે કામ કરતી સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપતા અને સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદીને અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદમાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.મૃતકની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પીટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પીટલમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર થતા અંગોનું દાન કરાયું હતું.
અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર થતા અંગોનું દાન કરાયું હતું.

અકસ્માત બાદ મગજને અસર થયેલી
ગત 23 જૂનના રોજ સવારે 11.15 કલાકે ગીતેશભાઈ પોતાની મોટરસાયકલ પર સ્ટેશન તરફ જઈ રહ્યા હતાં. ત્યારે રીંગરોડ કૃષિ બજાર સામેના ફ્લાય ઓવર પર એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગીતેશ પોતાની મોટરસાઇકલ પરથી નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતાં. ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સે તેને તાત્કાલિક વિનસ હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યૂરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

પરિવારજનોએ ભારે હૈયે સ્વજનના અંગોનું દાન કરીને માનવતાની નવી દિશા ચીંધી હતી.
પરિવારજનોએ ભારે હૈયે સ્વજનના અંગોનું દાન કરીને માનવતાની નવી દિશા ચીંધી હતી.

સ્વયંસેવકના અંગોના દાનની સહમતી મળી
27 જૂનના રોજ ન્યૂરોસર્જન ડૉ.જેનીલ ગુરનાની, ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, ફિજીશિયન ડૉ.નીખીલ જરીવાલા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલે ગીતેશને બ્રેનડેડ જાહેર કર્યો.ગીતેશના બનેવી રાજેશકુમાર વેણીલાલ ઢબુવાલાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ગીતેશના બ્રેઈનડેડ અંગેની તેમજ તેની પત્નીએ તેના અંગદાન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેની જાણકારી આપી.બાદમાં પરિવારે અંગદાનની સહમતી આપી હતી.

અંગદાતાને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા સલામી અપાઈ હતી.
અંગદાતાને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા સલામી અપાઈ હતી.

હ્રદયનું દાન ન થયું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ SOTTO ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો.ROTTO મુંબઈમાં હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે ROTTO મુંબઈ દ્વારા NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા હૃદય અને ફેફસા સંયુક્ત ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. SOTTO દ્વારા લિવર અમદાવાદની સીમ્સ હોસ્પિટલને જયારે એક કિડની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને બીજી કિડની અમદાવાદની (IKDRC) ને ફાળવવામાં આવી.

સુરતમાં ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
સુરતમાં ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.

ચક્ષુ સુરતમાં જ અપાયા
હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલના ડોકટરોની ટીમ સુરત આવી હતી પરંતુ હૃદય તપાસતા તે ખરાબ હોવાનું જણાતા તેઓએ હૃદય અને ફેફસાનું દાન સ્વીકાર્યું ન હતું. લિવર અને કિડનીનું દાન અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અનેતેમની ટીમે આવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં અમદાવાદની (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટનડિયાદના 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરવામાં આવ્યો હતો.
સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરવામાં આવ્યો હતો.

ગ્રીન કોરીડોર કરાયો
વિનસ હોસ્પિટલથી લિવર અને કિડની સમયસર અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવા 274 કિ.મિ.ના રોડ માર્ગનો ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, કોવીડ 19ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા એકવીસ દિવસમાં પાંચ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2 હૃદય, 2 ફેફસાં, 10 કિડની, 5 લિવર અને 8ચક્ષુઓ સહીત કુલ 27 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 27 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.