પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં વધારાના કામ તરીકે વિવાદી દરખાસ્ત લાવીને લીલીઝંડી અપાઈ છે. ઘરેથી કચરો ઉઠાવવાથી લઇ ડિસ્પોઝલ સાઇટ સુધી લઇ જવાની તમામ કામગીરી 1 ઝોન 1 એજન્સીને આપવાના નામે 6 ઝોન માટે 1436 કરોડનો કોન્ટ્રાક્ટ નબળી એજન્સીને સોંપાયો છે.
આ કામમાં પાલિકાનો એક પણ રૂપિયો નથી. ઉધના ઝોન-એ અને બીનો રૂા.445 કરોડનો કોન્ટ્રાક્ટ ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ સેલ, વરાછા એ અને બીનો રૂા. 429 કરોડનો કોન્ટ્રાક્ટ જીગર ટ્રાન્સપોર્ટ અને રાંદેર તથા સેન્ટ્રલ ઝોનનો રૂા. 562નો કોન્ટ્રાક્ટ ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટને સોંપાયો છે. 10 વર્ષના ઓપરેશન મેઇનટેઇન્સ સાથે કોન્ટ્રાક્ટ સોંપાયો છે. ભૂતકાળમાં 2 એજન્સીને 1 કરોડથી વધુનો દંડ પાલિકાએ કર્યો છે, જેમાં જીગર ટ્રાન્સપોર્ટને 88.96 લાખ અને ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટને 23 લાખનો દંડ કર્યો છે.
સ્થાયી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, અલગ અલગ એજન્સી પાસે સફાઇની કામગીરીથી કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા. જેથી એક ઝોન એક એજન્સી દ્વારા કચરો ઉઠાવવાથી લઇ ડિસ્પોઝલ સાઇટ સુધી લઇ જવાનું કામ એક એજન્સીને સોંપાશે. સેગ્રીગેશન ન કરનાર એજન્સીને 5 ટકા દંડ ફટકારાશે.
મહત્તવની વાત એ છે કે, હાલમાં વાહનો એજન્સીની છે, પરંતુ ઇ-વાહનોનો ઉપયોગ થશે. જેમાં વાહનો એજન્સી ખરીદશે જેનો ખર્ચ પાલિકા કરશે અને માલિકી પાલિકાની રહેશે. પરંતુ મેનપાવર એજન્સીનો રહેશે. આ માટે ૫૫૦થી વધુ ઇ-વ્હીકલ ખરીદવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.