તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં:સુરતમાં 800માંથી માત્ર 111 હોસ્પિટલ પાસે જ ફાયરની NOC, ફાયર વિભાગે નોટિસ ફટકારી

સુરત10 મહિનો પહેલા
રાજકોટની ઘટનાના પગલે સુરત પાલિકા તંત્રએ મહત્વની બેઠક બોલાવી. - Divya Bhaskar
રાજકોટની ઘટનાના પગલે સુરત પાલિકા તંત્રએ મહત્વની બેઠક બોલાવી.
  • પાલિકાના ફાયર વિભાગની હોસ્પિટલને લઈને મહત્વની બેઠક મળી

રાજકોટની ઘટનાના પગલે સુરત ફાયર અને પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટની ઘટનાના પગલે સુરત પાલિકા તંત્રએ મહત્વની બેઠક બોલાવી છે. મિટિંગ અગાઉ ફાયર ચીફ ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદ અને હવે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાના પગલે કુલ 800 જેટલી હોસ્પિટલોમાં સર્વે કરી નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, 111 હોસ્પિટલોએ ફાયર વિભાગની એનઓસી લીધી છે.

ફાયર વિભાગ દ્વારા 800 જેટલી હોસ્પિટલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરતનું તંત્ર હરકતમાં આવી ગયું છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની 800 જેટલી હોસ્પિટલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં ફાયર દ્વારા વાયરિંગ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન માત્ર 111 હોસ્પિટલ પાસે જ ફાયરની એનઓસી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તમામ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

હોસ્પિટલોમાં ગ્લાસના એલિવેશનને હટાવવા સૂચના આપી
સુરત ફાયર વિભાગની તપાસ દરમિયાન હોસ્પિટલોમાં એસીના કારણે પાવર લોડ વધુ હોવાનું સામે આવતા નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલોમાં ગ્લાસના એલિવેશનને હટાવવા સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ ખાતા સાથે ખાસ સંકલન સાધી પાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક રૂમમાં વાયરીંગમાં શોર્ટસર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં ઈલેક્ટ્રીક રૂમમાં વાયરીંગમાં શોર્ટસર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

નવ દિવસ પહેલા ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હતી
નાનપુરા ખાતે આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ગત 18 નવેમ્બરના રોજ બપોરે પહેલા માળે ઈલેક્ટ્રીક રૂમમાં વાયરીંગમાં શોર્ટસર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. વાયરીંગ ભડકે બળતા સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો ભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સહિતના અધિકારીઓ સહિતનો ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હોસ્પિટલ સ્ટાફની મદદથી તાબડતોબ દર્દીઓને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ 8 થી 10 મીનીટમાં જ તમામ દર્દીઓને અઠવાલાઈન્સ ખાતે આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટમાં શીફ્ટ કરી દેવાયા હતા. બીજી તરફ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગે નોટિસ ફટકારી હતી.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગે નોટિસ ફટકારી હતી.

તંત્ર લાપરવાહ અને હોસ્પિટલ સંચાલકોને દર્દીઓના જીવની કંઈ પડી નથી?
તક્ષશિલા, રધુવીર માર્કેટની આગ બાદ ફાયર વિભાગે શહેરની મોટાભાગની ઈમારતોને નોટિસ આપી ફાયર સેફ્ટી ઉભી કરવા માટે સૂચનાઓ આપી હતી. દરમિયાન ઘણી ઈમારતોને સીલ પણ કરવામાં આવી હતી. જ્યારે પણ આગ લાગે છે ત્યારે આ પ્રકારનો સર્વે કરી નોટિસ આપવામાં આવે છે. છતાં પણ આવી ઘટનાઓ બની રહી છે. જેથી લાગી રહ્યું છે કે, તંત્ર લાપરવાહ છે અથવા હોસ્પિટલ સંચાલકોને દર્દીઓના જીવની કંઈ પડી નથી.

અન્ય સમાચારો પણ છે...