તપાસનો ધમધમાટ:ONGC આગના 37 કલાક બાદ ગેસ પ્લાન્ટ શરૂ, દિલ્હી-મુંબઈથી ટીમ આવી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશના 6 રાજ્યોમાં જતાં ગેસ સપ્લાય પર અસર
  • શુક્રવારે 4 વાગ્યે શરૂ કરાયેલા પ્લાન્ટ થકી ગેઈલ કંપનીને ગેસ સપ્લાય કરાશે

ગુરૂવારે મધરાત્રે ઓએનજીસીના મુખ્ય ગેસ ટર્મિનલમાં લિકેજ બાદ લાગેલી આગની ઘટના બની હતી, તેના 37 કલાકમાં જ ફરી હજીરા સ્થિત ઓએનજીસી પ્લાન્ટને શરૂ કરી 50 ટકા જેટલું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે 4 વાગ્યે શરૂ કરાયેલા પ્લાન્ટ થકી ગેઈલ કંપનીને ગેસ સપ્લાય કરાશે. જે પૈકી ગેઈલ પશ્ચિમ અને ઉત્તરભારતના રાજ્યો સહિત હજીરાની કંપનીઓને પણ ગેસ સપ્લાય પુરો પાડશે.

આગનું કારણ પ્લાન્ટ મેનેજર દ્વારા લિકેજનું બતાવાયું હતું. લિકેજના કારણે ટર્મિનલ પાસે કાર્બન ક્લાઉડ સર્જાયો હતો. આ ઘટનાના 37 કલાક સુધી પ્લાન્ટ અને ટર્મિનલને બંધ સેઈફ શટડાઉન કરી દેવાયું હતું. જેનું દિલ્હી અને મુંબઈ ઓફશોરના અધિકારીઓ દ્વારા સેફ્ટી રિવ્યુ કરી ગેસ સપ્લાઈ શરૂ કરી દેવાયો છે. અંદાજે 30 મિલિયન ક્યુબિક મીટરનો ગેસ પુરવઠો અટક્યો અને 6 રાજ્યોમાં જતાં ગેસ સપ્લાયની અસર થઈ હતી.

42 ઈંચની લાઈન થકી કલાકોમાં 5 મિલિયન ક્યુબિક મીટર સપ્લાય
ઓએનજીસીના અધિકારીઓ પાસેથી માહિતી મળે છે કે, શુક્રવારે સવારથી શરૂ થયેલા રિવ્યુ અને સેફ્ટી મેજર્સની ચકાસણી બાદ 42 ઇંચની લાઈનને ચાર્જ કરીને ગેસ સપ્લાય શરૂ કરાયો હતો. જેમાં સાંજે 4 વાગ્યે શરૂ થયેલા સપ્લાયને પ્રોસેસ કરીને ટર્મિનલ લાઈન થકી ગેઈલને સપ્લાય કરવામાં આવી છે. 4 વાગ્યા થી 6 વાગ્યાની વચ્ચે જ અંદાજે 5 મિલિયન ક્યુબિક મીટરનો ગેસ સપ્લાય આપી દેવામાં આવ્યો છે.

50થી 60 ટકા પ્રોડક્શનનો આશાવાદ
સામાન્યત: કંપની દ્વારા પ્રતિદિન 30 થી 32 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ 6 રાજ્યો અને હજીરાની કંપનીઓને મોકલવામાં આવે છે. શુક્રવારે 42 ઈંચની લાઈનને કાર્યરત કર્યા બાદ હાલ 20 થી 22 MCM પ્રોડક્શન સાથે 50 થી 60 ટકા પ્રોડક્શન હાંસલ કરવા આશાવાદ છે.

ફેક્ટરી ઈન્સ્પેક્ટર ખરૂ કારણ આપશે
સરકારી વિભાગના અધિકારીઓ, કંપનીના અધિકારીઓની ટીમ દ્વારા સેફ્ટી રિવ્યુ કરાયું છે હવે ફેક્ટરી ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા તપાસ પૂર્ણ થાય ત્યારબાદ ખરું કારણ સામે આવી શકશે, ઈન્સ્યોરેન્સ કંપની દ્વારા તપાસ બાદ ઓએનજીસીને થયેલા નુકશાની આંક સામે આ‌વશે.

પ્લાન્ટમાં મેઈન્ટેનેન્સ થતુ હોવાનો મત
કંપનીના આંતરિક સૂત્રો જણાવે છે કે, સમયાંતરે પ્લાન્ટમાં મેઈન્ટેનેન્સ કાર્ય થતું રહેતું જ હોઈ છે. મોટો પ્લાન્ટ હોઈ અને દેશની જરૂરિયાત પૂરી પાડતું હોઈ ત્યારે તમામ તપાસો યથાવત રીતે ચાલતી જ હોઈ છે.

હવે ગેઈલ થકી સપ્લાય પૂરી પડાશે
એક દિવસ જેવું પ્રોડક્શન બંધ રહ્યા બાદ ફરી પ્રોડક્શન સેફ્ટી મેઝર્સ સાથે શરૂ થઈ ચૂક્યું છે. દેશની મોટી ડિમાન્ડ સામે વધુ દિવસ બંધ રાખવામાં રહે તો મોટા નુકસાનની ચિંતા સર્જાય શકતે, જોકે, હવે ગેઈલ મારફતે હજીરાની નિયરબાય કંપનીઓ જેવી કે કૃભકો, એલ એન્ડ ટી, રિલાયન્સ, ગુજરાત ગેસ, એસ્સાર, એનટીપી સહિતની કંપનીઓમાં ગેસ પૂરો પાડવામાં આવે છે. તે ઉપરાંત આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ બોટલિંગ પ્લાન્ટ માટે એલપીજી ગેસ પૂરો કરાશે તેમ અધિકારી કહે છે.

અન્ય સમાચારો પણ છે...