તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાદ અપાવી:સુરતમાં ONGCની નજીક આવેલી IOCમાં 8 વર્ષ પહેલા લાગી હતી ભયાવહ આગ, 8 લોકોના જીવને ભરખી ગઈ હતી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IOCની આગ એક મહિનાથી વધુ સમય ચાલુ રહી હતી
  • 500 જેટલા ફાયર ફાઈટર રાત દિવસ કામ કરી રહ્યા હતા

શહેરના હજીરામાં ઓએનજીસીમાં લાગેલી આગે તેની નજીક જ આવેલી આઈઓસી 2013ની આગની યાદ અપાવી છે. પેટ્રોલના ટેન્કમાં લાગેલી ભયાવહ આગમાં 8 જેટલા કર્મીઓના જીવને ભરખી ગઈ હતી. હજીરાની ઓએનજીસીની જેમ આઈઓસીની આગ પણ સુરત સુધી દેખાઈ હતી.

અમદાવાદથી વાપી સુધીના અંદાજે 500 બંબાને કામે લગાડવામાં આવ્યા હતા
શહેરના હજીરા ઔદ્યોગિક સંકુલ ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ (આઇઓસી)ના સ્ટોરેજ યુનિટમાં પેટ્રોલ સ્ટોર કરતી ત્રણ મહાકાય ટાંકીઓમાં જાન્યુઆરી 2013માં આગ ફાટી નીકળી હતી. જેને કારણે આજુબાજુના ગામોમાં ભય ફેલાઈ ગયો હતો. આ સાથે સુરત સુધી આ આગ દેખાઈ હતી. આ વિકરાળ ઘટનામાં આગને કાબૂમાં લેવા માટે અમદાવાદથી વાપી સુધીના અંદાજે 500 બંબાને કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, આ આગ એક મહિના બાદ કાબૂમાં આવી હતી. ટાંકીમાં વધી ગયેલું પ્રેશર કન્ટ્રોલ ન કરી શકાતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી ગઈ હતી.

એક પેટ્રોલની ટાંકીમાં લાગેલી આગ અન્ય બે ટાંકીમાં પ્રસરી ગઈ હતી
એક પેટ્રોલની ટાંકીમાં લાગેલી આગ અન્ય બે ટાંકીમાં પ્રસરી ગઈ હતી

પેટ્રોલ ભરેલી 3 ટાંકીમાં આગ લાગી હતી
પેટ્રોલ ભરેલી એક મહાકાય ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં જોતજોતામાં વિકરાળ અગનજ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે આજુ બાજુના ગામોના લોકોને ધરતીકંપ થયો હોય તેવો અહેસાસ થયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે અમદાવાદથી લઇને વાપી સુધીના 500 ફાયર ફાઇટર્સને બોલાવવા પડ્યા હતા, જેમણે આગને નિયંત્રિત કરવા માટે પાણી ઉપરાંત ફોમનો મારો ચલાવ્યો હતો. બાજુની ટાંકીઓમાં આગ ન પ્રસરે તે માટે પાણીનો છંટકાવ કરી સતત કૂલિંગ કરાયું હતું છતાં આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. આગને કારણે 1 કિમી જેટલા વિસ્તારમાં તાપમાન વધી ગયું, જેમાં સ્થળ પરની કુલ 9 ટાંકીઓ પૈકી 5 નંબરની ટાંકીમાં પણ ધડાકાભેર આગ લાગી હતી ત્યાર પછી 3 નંબરની ટાંકી સળગી ઉઠી હતી. ફાયર ફાઈટિંગની કામગીરી એક મહિના સુધી ચાલી હતી.

એન્જિનિયર સહિત 8 આગમાં ભડથું થઈ ગયા હતા
આઈઓસીમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે, ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવતા નાકે દમ આવી ગયો હતો. થોડા થોડા અંતરેઆગને કાબૂમાં લઈ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પહેલા જે ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. ત્યાં એન્જિનિયર સહિત 8 લોકો કામ કરી રહ્યા હતા. પહેલા એન્જિનિયર બાદ સાત લોકો બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં ભડથું થઈ ગયા હતા. આગમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદને સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યું હતું. સુરત સહિત રાજ્યના અધિકારીઓ પણ આ ઘટનાને લઈને દોડી આવ્યા હતા. કેન્દ્રિ‌ય પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોઇલી સુરત આવ્યા હતા અને તેમણે જાહેરાત કરી હતી કે, આ ઘટનામાં જેમના મોત થયા છે તેમને સરકાર રૂ. 5 લાખની આર્થિ‌ક મદદ કરશે.