હત્યાના CCTV:સુરતના પલસાણામાં એકતરફી પ્રેમમાં યુવકે મહિલાના પતિને કાપડના તાકા નીચે દબાવી મોતને ઘાટ ઉતાર્યો

સુરત6 મહિનો પહેલા
હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ. - Divya Bhaskar
હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ.
  • પલસાણાની રતન પ્રિયા મિલની ઘટનાના સીસીટીવી ફૂટેજથી ઘટસ્ફોટ થયો
  • સૂતો હતો ત્યારે યુવકની ઉપર કાપડના તાકા નાખી દાટી દીધો હતો

સુરત જિલ્લાના પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતા યુવાનની કાપડના તાકા નીચે સડી ગયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. પોલીસે મિલના સીસીટીવીની ચકાસણી કરતાં તેને તેની સાથે કામ કરતા શખસે કાપડના તાકા નાખી દાટી દઈ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મરનારની પત્ની સાથે હત્યા કરનારને એકતરફી પ્રેમ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

આરોપી મૃતકની પત્નીને એકતરફી પ્રેમ કરતો હતો
પલસાણા તાલુકાના ઈટાળવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળ આવેલા બિલ્ડિંગમાં આકાશબાબુ રામબહાદુર કોરી (ઉં.વ.21 મૂળ રહે. મધ્યપ્રદેશ) પત્ની સાથે રહેતો હતો અને ઇકો ટેક્સટાઇલ પાર્કમાં રતન પ્રિયા મિલમાં કામ કરતો હતો. આકાશબાબુ સાથે લક્ષ્મણ ગિરજાશંકર પણ કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોવાથી એકતરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરવા પ્રયત્ન કરતાં આકાશબાબુ તથા તેના વતનમાં અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો, જે લક્ષ્મણે મનમાં રાખી મૂક્યો હતો.

યુવકની દુર્ગંધ મારતી હાલતમાં લાશ મળી
ગત સોમવાર તા.14મીએ રાત્રે નોકરી પર આકાશબાબુ અને લક્ષ્મણ મિલમાં કામ કરતા હતા. દરમિયાન મધ્યરાત્રિએ આકાશબાબુ કાપડના તાકા નજીક ઊંઘી ગયો હતો. એ સમયે લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ પર નાખી દીધા હતા. આકાશબાબુ દટાઈ જતાં મોત થયું હતું. દરમિયાન ગુરુવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતાં કાપડના તાકા ખસેડતાં આકાશબાબુની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આરોપી કાપડના તાકા નાખતો સીસીટીવીમાં કેદ
મિલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આકાશબાબુ ઊંઘતો હતો ત્યારે તેના ઉપર લક્ષ્મણ કાપડના તાકા નાખતો નજરે પડતાં પોલીસે લક્ષ્મણને પકડી લીધો હતો. પોલીસે લક્ષ્મણની પ્રાથમિક પૂછપરછ કરતાં આકાશબાબુની પત્નીને એકતરફી પ્રેમ કરતો હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશબાબુ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપતાં મનમાં અદાવત રાખી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.