વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલનાે જન્મ દિવસ 12મી મે આંતરરાષ્ટ્રીય નર્સ ડે તરીકે ઉજવાય છે. ત્યારે સુરત સિવિલમાં ફરજ બજાવતા હેડ નર્સ રંજન ચૌધરી, મીના પરમાર અને કલ્પના વશી પ્રેરણારૂપ બન્યા છે. એક નર્સને કેન્સર, બીજી નર્સના પુત્રને 99 % લકવો અને ત્રીજી નર્સની પુત્રીને પેરાલીસીસ છે છતાં દુઃખ ભૂલી ફરજને પ્રાથમિકતા આપી છે.
12 વર્ષથી કેન્સર, 8 કિમોથેરાપી અને 43 રેડીએશનની પ્રક્રિયા કરાવી
31 વર્ષથી સિવિલમાં ફરજ બજાવતા 58 વર્ષીય હેડ નર્સ મીનાબેન પરમાર બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં હોવા છતાં સિવિલના સ્પેશિયલ OPD વોર્ડમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. અત્યાર સુધી 8 કિમોથેરાપી, 43 રેડીએશનની પ્રક્રિયા અને એક ઓપરેશન પણ કરાવ્યું છે. આ સારવાર બાદ તુરંત ફરજ પર જોડાયા હતા.
27 વર્ષીય પુત્રને 99 ટકા લકવો છતાં કોરોનામાં પુત્રથી અલગ રહેવું પડતું
58 વર્ષીય હેડ નર્સ કલ્પનાબેન વશીએ કહ્યું કે, 33 વર્ષથી ફરજ બજાવુ છું. મારા 27 વર્ષીય બાળકને 99% શારીરિક લકવો છે. જેથી બાળકની સંભાળની સાથે દર્દીઓ પ્રત્યે મારી ફરજ પૂર્ણ કરવી એ બંને જવાબદારી નિભાવી રહી છું.કોરોનામાં પુત્રથી અલગ રહેવું પડતું હતું.
22 વર્ષીય દીકરીને પેરાલીસીસ છતાં આઈસીયુમાં બાળ દર્દીઓની સેવા
છેલ્લા 28 વર્ષથી સિવિલમાં ફરજ બજાવતા બારડોલીના 52 વર્ષીય હેડ નર્સ રંજનબેન ચૌધરીએ કહ્યું કે, મારી 22 વર્ષીય દીકરીને પેરાલીસીસ છે. કોવિડ સમયે ICUમાં બાળ દર્દીઓમાં મને મારી દીકરીના દર્શન થતા હતા. આ મુશ્કેલ સમયમાં હંમેશા મારી ફરજને પ્રાથમિકતા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.