ધરપકડ:ઇંડા ખાવાના બહાને એક હાથ વાળો અર્જુન ચેઇન ઝુંટવી ગયો

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતારગામ પોલીસે બંને સ્નેચરને ઝડપી પાડ્યા

કતારગામમાં બોઇલ ઇંડા ખાવાના બહાને આવેલા એક હાથવાળો અર્જુન 67 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 50 હજારની સોનાની ચેઇન ઝૂંટવી સાગરિત સાથે બાઇક પર ભાગી છૂટ્યો હતો. બંનેને પોલીસે બાદમાં ઝડપી પાડ્યા હતા.

કતારગામ મહાકાળી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય કુસુમબેન ખત્રીએ ફુલપાડા મેઇન રોડ ડેરીની સામે બોઇલ ઈંડાની લારી ચલાવે છે. 14મી તારીખે રાત્રે બે શખ્સ બાઇક પર આવ્યા હતા. જેમાં અર્જુન નામના શખ્સનો ડાબો હાથ ન હતો. અર્જુને વૃદ્ધા પાસે 5 બોઇલ ઈંડા લઈ ખાધા હતા. ઈંડાના 50 રૂપિયા આપી વૃદ્ધાના ગળામાંથી 50 હજારની સોનાની ચેઇન તોડી સાગરિત સાથે બાઇક પર બેસી ભાગી ગયો હતો.

કુસુમબેને ફરિયાદ આપતાં કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બંને ચેઇન સ્નેચર 22 વર્ષીય નાજુ મહેરૂ પરમાર અને 19 વર્ષીય અર્જુન ઉર્ફે ઠુઠો રાજુ વાઘેલાની ધરપકડ કરી છે. બન્ને કતારગામ તાપી કિનારે પાળા પર રહે છે અને મૂળ ભાવનગરના છે. અર્જુન વાઘેલાનો એક હાથ નથી. 10 વર્ષ પહેલા અર્જુનનું અકસ્માત થતા તેનો ડાબો હાથ કાપવો પડ્યો હતો. બંનેએ સિંગણપોરમાંથી બાઇકની ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચીંગ કરી હતી. કતારગામ પોલીસે બે ગુનાઓ ઉકેલી નાખી દાગીના કબજે કરી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...