સુરત શહેરમાં પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે, જોકે પાલિકાનો દાવો છે કે હાલમાં પોઝિટિવિટી રેટ 6થી 8 ટકા છે, પરંતુ ઉચ્ચ અધિકારીનાં સૂત્રોનું કહેવું છે કે પોઝિટિવિટી રેટ 25 ટકા છે. આનો અર્થ એ થાય છે કે દર 100 વ્યકિતએ પાંચમી વ્યકિત કોરોનાગ્રસ્ત છે. રોજ શહેરમાં કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવે છે અને વધતા દર્દીઓની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી ચોપડે માત્ર સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલના આંકડા જ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં રોજના કેટલા લોકોનાં મૃત્યુ થાય છે એનો કોઈ આંકડો જાહેર કરવામાં આવતો નથી.
સ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં રોજના પચાસથી વધુ લોકો, જયારે સ્મિમેર હોસ્પિટલમાં 30થી વધુ લોકોનાં મૃત્યુ થાય છે. સ્મશાનગૃહોમાં પણ કોવિડ પ્રોટોકોલથી જે અંતિમવિધિ કરવામાં આવે છે એની સંખ્યા પણ 100થી વધુ હોય છે, પરંતુ નોન-કોવિડ હોય તેવા લોકોની પણ સ્મશાનમાં કતારો લાગતી હોવાનાં દૃશ્યો જોવા મળે છે. આનો અર્થ ડોકટરોના કહેવા મુજબ એવો થયો કે જે લોકો ટેસ્ટ કરાવતા નથી અથવા તો ઘરે રહીને સારવાર લે છે તેવા લોકોનાં મૃત્યુ પણ વધી રહ્યાં છે. તેમની અંતિવિધિ માટે સ્વજનો પણ સ્માશાને જતાં હોય છે, જેને કારણે સંક્રમણ સૌથી વધુ ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ નહીં સુધરે તો સુરતમાં કેસ અને મૃત્યુનો આંક હાલમાં જે આવી રહ્યો છે એના કરતાં પણ ડબલ ગણો વધી શકવાની ભીતિ નકારી શકાય તેમ નથી.
અંતિમવિધિ માટે 14 કલાક વેઈટિંગ, મંગળવારે વધુ બે સ્મશાન ચાલુ કરાયાં
શહેરનાં મુખ્ય ત્રણ સ્મશાનોમાં રોજના સરેરાશ 100 મૃતદેહોના અંતિમસંસ્કાર કોવિડ અને નોન-કોવિડ પ્રોટોકોલથી કરવામાં આવે છે. એકસાથે મૃતદેહોની સંખ્યા વધી જતાં 12થી 14 કલાકનું વેઈટિંગ આપવામાં આવે છે અને આ માટે ટોકન પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી છે. ઉમરા સ્મશાનગૃહમાં પાછળની ખાલી પડેલી જગ્યામાં ખુલ્લી ચિતાઓ બાળવામાં આવી રહી છે. મંગળવારે પણ અહીં 50 જેટલા મૃતદેહોની અંતિમવિધિ બપોરે ત્રણ જ કલાકમાં કરવામાં આવી હતી. બીજી તરફ, લિંબાયતમાં આવેલા મુકિતધામ સ્મશાનગૃહ અને બુડિયાગામમાં આવેલા સ્મશાનગૃહ જે બંધ કરી દેવામાં આવ્યાં હતાં એ ફરીથી શરૂ કરવામાં આવ્યાં છે.
1100 હોસ્પિટલને કોવિડમાં ફેરવી દેવાશે
શહેરની ભીષણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. શહેરની નાની-મોટી 1100 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ કરવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. બીજી તરફ, શહેરમાં નવા 14 કોમ્યુનિટી સેન્ટર પણ તૈયાર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે નવા કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે તેમાં ગંભીર દર્દીઓને રાખવામાં આવશે નહીં. ઓકિસજનની પણ અછતને પહોંચી વળવા વલસાડ, ઝઘડિયા અને હઝીરા ખાતેથી જથ્થો મગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ સરેરાશ 200 મેટ્રિક ટન ઓકિસજનનો વપરાશ થઈ રહ્યો છે. રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મળી રહે એ માટે પણ પાલિકાએ સરકારને રજૂઆત કરી છે. જોકે પાલિકાએ દાવો કર્યો છે કે છેલ્લા બે દિવસમાં 5177 ઈન્જેકશન ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.