તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી કી પાઠશાલા:પ્રથમ દિવસે શિક્ષકોનો‘ક્લાસ’ લેવાયો, વિદ્યાર્થિનીએ કહ્યું, ‘સર, તમારી પત્ની અને છોકરાઓને બતાવોને!’

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસમાં રૂચિ દાખવે તે માટે ભૂલકાવિહારના શિક્ષકોએ ચશ્મા, ટોપી પહેરી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. - Divya Bhaskar
વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસમાં રૂચિ દાખવે તે માટે ભૂલકાવિહારના શિક્ષકોએ ચશ્મા, ટોપી પહેરી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.
  • વિદ્યાર્થી શિક્ષણમાં રસ દાખવે તે માટે શિક્ષકોએ લાઇટવાળા ચશ્મા અને ટોપી પહેરી
  • સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે સુઇ જતા વાલીઓને ફોન કરી જગાડવા પડ્યા
  • પ્રથમ દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 70 ટકા, શિક્ષકોની 90 ટકા હાજરી
  • ગોગલ્સ પહેરી બેઠેલા વિદ્યાર્થીએ શિક્ષક સામે રમકડાની બંદૂક તાકી
  • વિદ્યાર્થિની માથા પર પાણીની ખાલી બોટલ મુકી રમવા લાગી
  • ક્લાસમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા રહે તે માટે શિક્ષકોનો નવતર પ્રયોગ

સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે મોટા ભાગની સ્કૂલોમાં ‘શિક્ષકોના’ ક્લાસ લેવાયા હોવાનો ઘાટ સર્જાયો હતો. સંખ્યાબંધ સ્કૂલોના ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીઓ સુઈ ગયા હતા. જેથી તેમને જગાડવા માટે શિક્ષકોએ વાલીને ફોન કરવા પડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે ગોગલ્સ પહેરીને બેઠાં હતા. એક વિદ્યાર્થિનીએ તો શિક્ષકને કહ્યું હતું કે, ‘સર તમારી પત્ની અને છોકરાઓ બતાવોને’. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસમાં રૂચિ દાખવે તે માટે એકાદ-બે સ્કૂલોના શિક્ષકોએ લાઈટવાળા ગોગલ્સ અને ટોપી પહેરી બાળકોને ભણાવ્યા હતા.

અડાજણની એક શાળાના ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થી સુઇ ગયો હતો. શિક્ષકે વાલીને ફોન કરી તેને જગાડવો પડ્યો હતો.
અડાજણની એક શાળાના ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થી સુઇ ગયો હતો. શિક્ષકે વાલીને ફોન કરી તેને જગાડવો પડ્યો હતો.

નાના વિદ્યાર્થીઓને શિક્ષકોએ સ્કૂલનું કેમ્પસ પણ બતાવ્યું હતું. મોટા ભાગની સ્કૂલોએ ઓનલાઈન પ્રાર્થના પણ કરાવી હતી અને તેમાં કોરોનાની ગાઈડલાઈન્સના પાઠ પણ ભણાવ્યા હતા. પ્રથમ દિવસે 70 હજાર વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલોમાં નોંધાઈ હતી જ્યારે શિક્ષકોની હાજરી 90 ટકા હતી. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમોએ 20 જેટલી સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતુ.

કિસ્સો-1ઃ સર, જમીને ભણવા બેઠો એટલે ઊંઘ આવી ગઈ હતી
ભુલકા ભવન સ્કૂલના શિક્ષક ચંદ્રિકા પટેલે જણાવ્યું હતું કે, રૂદ્ર વાડીયા નામનો વિદ્યાર્થી સૂઈ ગયો હતો. જેથી મે તેની મમ્મીને ફોન કરીને તેને જગાડયો હતો. તેને કેમ સુઇ ગયો પૂછતા તેણે કહ્યું હતું કે, વેકેશનમાં મમ્મી રોજ જમાડીને સુવડાવી દેતી હતી. જેથી આજે પણ જમ્યા પછી ભણવા બેઠો હતો અને ઊંઘ આવી ગઈ હતી.

કિસ્સો-2ઃ ઘરેથી ભણાવતા શિક્ષકે મોબાઇલ પર પરિવાર પણ બતાવ્યો
​​​​​​​બાલાજી ગર્લ્સ સ્કૂલના શિક્ષક સાહિર ચક્કીવાલાએ જણાવ્યું હતું કે, આજે પહેલા દિવસે હું ઘરથી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યો હતો તે સમયે એક પછી એક વિદ્યાર્થિનીઓએ એજ્યુકેશનની જગ્યાએ કહેતા હતા કે, સર તમારા છોકરાને બતાવો, સર તમારી છોકરી બતાવો, સર તમારા વાઇફને બતાવો.

કિસ્સો-3ઃ ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીને ભૂખ લાગતા જમવા બેસી ગઈ
વસિષ્ઠ વિદ્યાલયના શિક્ષક નલિની પટેલે જણાવ્યું હતું કે, આજે હું પહેલા દિવસે વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપતી હતી. તેવામાં આર્ય પ્રજાપતી નામની વિદ્યાર્થિનીને ભૂખ લાગી હતી અને તે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસી ગઈ હતી. જેથી મે તેને જમી ફરી ઓનલાઇન એજ્યુકેશનના ક્લાસમાં જોડાવવા સૂચના આપી હતી. જે પછી આર્યા જમીને ફરી ઓનલાઇન એજ્યુકેશન ક્લાસમાં જોડાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...