સ્ટેશન પર ધસારો:દિવાળી પર્વે સુરત રેલવે સ્ટેશનથી 3 દિવસમાં 1 લાખો લોકો વતન ગયા, ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ, છઠપૂજાના ધસારા સામે વધુ 3 ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાકાળ બાદ પહેલીવાર સ્ટેશન પર મુસાફરોની અવર જવર લાખમાં પહોંચી - Divya Bhaskar
કોરોનાકાળ બાદ પહેલીવાર સ્ટેશન પર મુસાફરોની અવર જવર લાખમાં પહોંચી
  • રોજ સરેરાશ 85 હજાર લોકોની અવરજવર થઈ
  • ગત વર્ષે રોજ 30 હજાર લોકોની જ અવરજ્વર હતી

કોરોનાકાળ બાદ પહેલી વાર સુરત રેલવે સ્ટેશને મુસાફરોની અવરજવર 1 લાખ પર પહોંચી ગઈ છે. છેલ્લા 3 દિવસથી સુરત રેલવે સ્ટેશનેથી રોજની 80 હજારથી 1 લાખ લોકો સુધીની અવરજવર નોંધાઈ છે. છેલ્લા 10 દિવસમાં સુરત રેલવે સ્ટેશનેથી રોજના સરેરાશ 85 હજાર મુસાફરોના હિસાબે 8 લાખ 50 હજાર જેટલા મુસાફરોએ અવરજવર કરી છે. મોટાભાગે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું હજી પણ યથાવત રાખવામાં આવ્યું છે.

ખાસ કરીને ઉત્તર ભારતીયોમાં મહત્વનું સ્થાન ધરાવતી છઠ પૂજા અને લગ્નસરાને લઈને દિવાળી બાદ પણ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ગત વર્ષે કોરોના કાળમાં મોટા પાયે લોકોએ સુરતમાંથી હિજરત કરી હતી. માર્ચ મહિનામાં જ સુરતમાં રહેતા ઉત્તરભારતીયોએ પોતાના વતન ભણી દોટ મૂકી હતી. જેને પગલે દિવાળી ટાણે સુરત રેલવે સ્ટેશને વર્ષ 2019 જેટલી ભીડ જોવા મળી ન હતી. રોજના સરેરાશ 30 હજારની આસપાસ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. સતત દસ દિવસમાં 3 લાખ આસપાસ લોકો ટ્રેનોમાં વતન ગયા હતા.

તહેવારો ટાણે દોડનારી 3 વિશેષ ટ્રેનોનું બુકિંગ શરૂ
છઠ પૂજાને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા વધુ 3 તહેવાર વિશેષ ટ્રેન જાહેર કરવામાં આવી છે.રેલવે દ્વારા વલસાડ-ગોરખપુર તહેવાર વિશેષ, સુરત-હટીયા સુપરફાસ્ટ તહેવાર વિશેષ અને અમદાવાદ-બરોની સુપરફાસ્ટ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વલસાડ-ગોરખપુર 6 અને 13 નવેમ્બરે દોડાવવામાં આવશે. અમદાવાદ બરોની 7મી અને 14મીએ દોડાવવામાં આવશે. આવી જ રીતે સુરત-હટીયા સુપરફાસ્ટ તહેવાર સ્પેશ્યલ ટ્રેન 12,19 અને 26મીએ દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. ટ્રેનનું બુકીંગ 4 નવેમ્બરથી ખુલશે.મુસાફરો આઇઆરસીટીસીની વેબસાઈટ અને પીઆરએસ સેન્ટરથી બુકીંગ કરાવી શકશે.

લગ્નસરાને કારણે પણ સ્ટેશન પર ધસારો વધ્યો
ગત વર્ષે કોરોનાને લીધે લગ્નસરા અટવાય પડ્યા હતા.હવે ઉત્તરભારતમાં છઠપૂજાના તહેવાર ઉપરાંત લગ્નસરાની પણ સિઝન છે ત્યારે રેલવે દ્વારા દિવાળી બાદ પણ રોજે રોજ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન જાહેર કરવામાં આવી રહી છે.સ્પેશ્યલ ટ્રેનો ઉત્તરપ્રદેશ,બિહાર અને ઉત્તરાખંડ માટે દોડાવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...