ટેક્સટાઈલ માટે રાહતના સમાચાર:કાપડ પર GST વધારો મોકૂફ, GST 5 ટકા જ રહેશે, સુરતના કાપડ વેપારીઓમાં ખુશીનો માહોલ

સુરત6 મહિનો પહેલા
જીએસટીમાં વધારો ન થતા સુરતના કાપડ વેપારીઓમાં ખુશી.
  • વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી

ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા થોડા દિવસોથી જીએસટી દરમાં વધારાના મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. ટેક્સટાઈલ ઉદ્યોગમાં હાલ 5% જીએસટી વસૂલવામાં આવી રહી હતી. જેને જીએસટી કાઉન્સિલ દ્વારા 12% કરવા માટે નિર્ણય લેવાયો હતો. સમગ્ર દેશભરના અને સુરતના વેપારીઓએ તેનો વિવિધ પ્લેટફોર્મ ઉપર વિરોધ નોંધાવીને જીએસટી દર યથાવત રાખવા માટેની માંગ કરી હતી. ગઇકાલે પણ વેપારીઓએ તમામ માર્કેટો જડબેસલાક બંધ રાખીને પોતાની એકતાનો પરચો બતાવ્યો હતો. દરમિયાન આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ પરનો જીએસટી દર યથાવત રાખતાં સુરતના વેપારીઓ ગેલમાં આવી ગયા છે. વેપારીઓ એકબીજાને મીઠાઇ ખવડાવીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી
સુરત શહેરના વેપારી સંગઠનો દ્વારા તેમજ દેશભરમાંથી કાપડના વેપારીઓએ કેન્દ્ર સરકાર તેમજ જીએસટી કાઉન્સિલને પોતાની રજૂઆત ખૂબ જ ઊંડાણપૂર્વક મોકલી હતી. જેમાં જીએસટી વધારાને કારણે ઉદ્યોગને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કોરોનાના કપરાકાળમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગ ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. જો જીએસટી 12% અમલમાં લાવી દેવામાં આવે તો ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી.

વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સફળ રહી.
વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સફળ રહી.

જીએસટીની વધારા સામે વિરોધ પ્રદર્શનનો કરવામાં આવ્યા હતા
જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયને કારણે સમગ્ર દેશભરના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આવનાર દિવસોમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જીએસટીના મુદ્દાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ નોંધાવીને ભારતીય જનતા પાર્ટીની વેપારીઓ પ્રત્યેની માનસિકતાને લઈને વિરોધ પ્રદર્શનનો કરવામાં આવ્યા હતા. જેને પરિણામે દેશભરના વેપારીઓ અને વિશેષ કરીને ગુજરાતના વેપારીઓ પણ જો ભાજપથી વિમુખ થાય તો તેનું રાજકીય નુકસાન પણ સામે દેખાઈ રહ્યું હતું. આખરે તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકીય દબાણને કારણે પણ જીએસટી કાઉન્સિલ પોતે લીધેલા નિર્ણયને ફેર વિચારણા કરીને જીએસટીનો દર યથાવત રાખ્યો હોવાનું અનુમાન છે.

એક દિવસ ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
એક દિવસ ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

જીએસટી કાઉન્સિલના નિર્ણયને વેપારીઓએ આવકાર્યો
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે આખરે જીએસટી કાઉન્સિલે વેપારીઓની માંગણી સ્વીકાર કરી છે જેને અમે ખૂબ જ આવકારીએ છીએ. આ મુદ્દો ખરેખર વેપારીઓ માટે ખૂબ જ મહત્વનો હતો. જીએસટીમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકોએ કાપડ ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ હતી. આખરે સ્થાનિક સાંસદો અને રાજ્ય સરકારના સહયોગથી અમે અમારી માંગ યોગ્ય પ્લેટફોર્મ ઉપર મૂકી શક્યા અને તેમને સફળતા મળી છે.