26મી જુલાઈએ દેશભરમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ઉજવણીમાં દેશની સેવા કરતા શહીદ થયેલા 12 જવાનોના પરિવારને સન્માનિત કરવામાં આવશે
અલગ અલગ કાર્યક્રમો યોજાશે
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વિર જવાનોને ભાવાંજલી અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. તે ઉપરાંત પુષ્પાંજલી, ત્રિરંગા યાત્રા, મેગા રક્તદાન શિબિર અને સપ્તરંગી કલાંજલીનું પણ આયોજન થયું છે. કારગીલ યુધ્ધ 1999માં ગુજરાતના 12 સહિત રાષ્ટ્રના 527 વિર જવાનો વિરગતિ પામ્યા છે.
જવાનોને પુષ્પાંજલી અર્પણ થશે
સુરતની જનતાની રાષ્ટ્રીયભાવનાની કદરરૂપે ભારતીય સેનાએ નિવૃત મીગ-23 ફાઈટર પ્લેન ભેટ આપેલ છે. વરાછા રોડ સરથાણા ખાતે આ વિમાન મુકેલ છે. ત્યાં સવારે 8.55 કલાકે વિરજવાનોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર પટેલ યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુ-સંસ્કાર દીપ યુવા મંડળના સંયુક્ત આયોજનમાં શહીદ જવાનોના પરિવારજનો, આર્મીના અધિકારીશ્રીઓ તથા મહાનુભાવોની હાજરીમાં વિરજવાનોને પુષ્પાંજલી અર્પણ થશે.
ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન
વિરજવાનોને ભાવાંજલી અને શહીદ જવાનોના પરિવારોને વિશેષ રાષ્ટ્રીયભાવ સાથે માન આપવા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ તરફથી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9.30 કલાકે સરથાણા શહીદ સ્મારક ખાતેથી નીકળી વરાછા મેઈન રોડ ઉપરથી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સવારે 10.30 કલાકે પહોંચશે.વિરજવાનોની વીરતાને વીરાંજલી આપવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત તરફથી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8થી સાંજે 4કલાક સુધીમાં 1000થી વધુ રક્ત યુનિટનું દાન મેળવવામાં આવશે.રાત્રે 8.30 કલાકે સરદાર સ્મૃતિભવન ખાતે ખુબ જ ગરીમાપૂર્ણ સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 12 વિર શહીદ જવાનોના પરિવારોનું જાહેર અભિવાદન અને આર્થિક સહાય અર્પણ કરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.