છાતીમાં ચપ્પુ સાથે હોસ્પિ. પહોંચી:સુરતમાં જમવા બાબતની માથાકૂટમાં નણદોઈએ ભાભીને ચપ્પુના ઘા માર્યા, નણદોઈનો પહેલા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છાતીમાં ચપ્પુ ઘૂસેલી હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. - Divya Bhaskar
છાતીમાં ચપ્પુ ઘૂસેલી હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી.
  • નણદોઈએ પહેલા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતમાં પાંડેસરા વિનાયક નગરમાં પાડોશમાં રહેતા નણદોઈએ ભાભીને ઉપરા ઉપરી ચપ્પુના 5 ઘા માર્યા બાદ છાતીમાં ચપ્પુ ઘૂસાડી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નણદોઈની ક્રુરતા બાદ મહિલાને તાત્કાલિક 108માં સારવાર માટે સિવિલ લઈ ગયા બાદ નણદોઈએ પહેલા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરતા સોસાયટીમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ લોહીમાં ખરડાયેલી મહિલાને ઓપરેશનમાં લઈ ડોક્ટરોએ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. બે દીકરીઓ સામે માતા પર થયેલા જીવલેણ હુમલા પાછળ જમવા બાબતે રોજની થતી માથાકૂટ હોવાનું સામે આવ્યું છે.

છાતીની જમણી બાજુ ચપ્પુ ઘૂસાડેલી હાલતમાં
ડો. આરતી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘા હાથ અને છાતીના ભાગે મરાયા છે. એક ઘા છાતીની જમણી બાજુ ચપ્પુ ઘુસાડેલી હાલતમાં છે. લોહીમાં લોત પોત મહિલા કહેતી હતી કે સામાન્ય ઝઘડામાં પાડોશમાં રહેતા નણદોઈએ હુમલો કર્યો છે. મહિલાની હાલત ગંભીર છે એટલે તાત્કાલિક ઓપરેશનમાં લેવાઈ છે.

નણદોઈને માથામાં અને બન્ને હાથે ઇજા થઇ
પિયુષ પટેલ (108 EMT) એ જણાવ્યું હતું કે કેસ વિનાયક નગરનો હતો. શ્રવણ સ્વામીનાથ સહાની નામનો યુવાન પહેલા માળેથી કૂદી પડ્યો હતો. સ્થળ પર લોકો કહેતા હતા કે શ્રવણે પાડોશી મહિલા શાંતિદેવી તાપીલાલ સહાની (ઉ.વ. 30)ને ચપ્પુના ઘા માર્યા છે. ત્યારબાદ પોલીસ આવતા પહેલા જ શ્રવણ મકાનના પહેલા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરતા એને માથામાં અને બન્ને હાથે ઇજા થઇ છે. હાલ શ્રવણને સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.

જમવા મુદ્દે ઝઘડા
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, ઘટના કૈલાશ ચોકડી પાસે આવેલ વિનાયક નગરમાં રહેતા તાપીલાલ રામસેવક સહાનીની પત્ની સુનિતાદેવી અને બે દીકરીઓ સાથે થઈ છે. સુનિતા દેવીનો નણદોઈ શ્રવણ સ્વામીનાથ સહાની તેના ઘરની બાજુમાં જ રહે છે અને છેલ્લા ચાર વર્ષથી તેમના ઘરે જ જમે છે. ઘણીવાર સુનિતા દેવી જમવાનું બનાવે તો તેનો નણદોઈ શ્રવણ તેની સાથે મારઝૂડ કરી ધાક ધમકી પણ આપતો હતો.

એક મહિનાથી શ્રવણ બેકાર
છેલ્લા એક મહિનાથી આરોપી શ્રવણ કોઈપણ કામ ધંધો કરતો ન હતો. પરંતુ સુનિતા દેવીના ઘરે જમવા માટે આવતો હતો. સુનિતા દેવીના પતિ તપીલાલએ પણ શ્રવણને તેના ઘરે જમવા ન આવવા માટે જણાવી દીધું હતું. જોકે ત્યારબાદ પણ શ્રવણ અવાર નવાર તેના ઘરે જમવા આવતા આખરે સુનિતાદેવીએ ઘર ખાલી કરવાનું નક્કી કરી લીધું હતું. આ વાતની જાણ શ્રવણને થતા તે ધુંઆપુંઆ થઇ ગયો હતો અને ગત રોજ સુનિતા દેવીના ઘરે ધસી આવી ઘર ખાલી કરી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ત્યારબાદ મોડી સાંજે ફરીથી શ્રવણ જમવા આવ્યો ત્યારે સુનિતા દેવી એ હવે તમારી જમવાની વ્યવસ્થા જાતે કરી લેશો અને અમારા ઘરે જમવા આવશો નહીં તેવું જણાવી દીધું હતું. જેથી આરોપીને આ વાતનો ખોટું લાગ્યું હતું. ગતરોજ સાંજે સાડાછ વાગ્યાના અરસામાં સુનિતા દેવી ઘરના લોબીમાં ઊભા હતા ત્યારે શ્રવણ એ ચપ્પુ લઇને ત્યાં આવી તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. સુનિતા દેવીને છાતી, પેટ, બંને હાથ, કપાળ અને ગાલના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. બનાવને પગલે તેની નાની દીકરી નંદની વચ્ચે પડતા તેણે પણ માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવને પગલે આખરે સુનિતાદેવીની મોટી પુત્રી રોશનીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.