કોરોના સુરત LIVE:ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર અલર્ટ, આફ્રિકાથી આવેલા 9ને ક્વોરન્ટીન કરાયા, RT-PCR રિપોર્ટ પેન્ડિંગ

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 144035 થયો

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇ વિશ્વભરમાં ખળભળાટ છે. કેન્દ્રની સૂચના બાદ પાલિકાનું તંત્ર પણ અલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશમાંથી સુરતમાં આવેલા યાત્રીની સંખ્યા વધીને 351 થઈ છે, જેમાંથી 9 સાઉથ આફ્રિકાથી આવ્યા છે, જ્યાં નવા વેરિયન્ટના કેસ વધુ છે. પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરન્ટીન કર્યા છે અને આફ્રિકાથી આવેલા 9 સહિત 93ના રિપોર્ટ પેન્ડિંગ છે.

નોવેલ કોરોના સેલ્ફ રિપોર્ટીિંગ ફોર્મ ભરવા અપીલ
કેન્દ્રે ઓમિક્રોન વેરિયન્ટને લઇ આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા સહિતનાં સૂચનો કર્યાં છે, જે અંતર્ગત પાલિકાએ વિદેશ કે રાજ્યમાંથી આવ્યા હોય અથવા કોરોના પોઝિટિવ હોય તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા અપીલ કરી છે. પાલિકાની વેબસાઇટ પરથી લોકો નોવેલ કોરોના સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરી શકાય છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 27 થઈ
શહેરમાં 5 અને જિલ્લામાં 1 કેસ સાથે ગત રોજ કોરોનાના વધુ 6 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સંખ્યા 144035 થઈ છે. શહેર-જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું ન હતું. અત્યારસુધીમાં શહેર-જિલ્લામાં કુલ મૃતાંક 2116 થયો છે. ગત રોજ શહેરમાંથી 4 અને જિલ્લામાંથી 1 મળી 5 દર્દીને રજા અપાઈ હતી. અત્યારસુધીમાં શહેર જિલ્લામાં 141892 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 27 થઈ છે.

વિદેશથી આવનારા તમામના આરટી-પીસીઆર ફરજિયાત
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વિદેશથી આવનારા તમામના આરટી-પીસીઆર ફરજિયાત કરાયા છે. રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વેસિંગ કરાશે. હાલમાં કેસ ખૂબ જ ઝડપથી આવે એ વિસ્તાર કન્ટેઇન્મેન્ટ કરાશે તેમજ વિદેશ જનારાની વિગતો એકત્ર કરાઇ રહી છે.